________________ જગતના વિદ્યમાન ધર્મો વૈરાગ્યનું જે સ્થાન છે તેની સ્પષ્ટ સમજૂતી માટે વિશેષ વિસ્તારથી વિચાર કરવાની આવશ્યકતા છે. ધાર્મિક જીવનમાં જ્ઞાનનું સ્થાન : આપણે જોયું કે પોતાના કરતાં ચડિયાતા એવા કોઈ દૈવી તત્ત્વની આરાધના કરવી એ ધાર્મિક જીવનનું હાર્દ છે. માણસ જે તત્ત્વને ધર્મ દ્વારા પામવા મથે છે તે તત્ત્વનું સ્વરૂપ કેવું છે અને આ જગતના પદાર્થો અને પ્રાણીઓ સાથે આ તત્ત્વને શો સંબંધ છે વગેરે પ્રશ્નોના જવાબમાંથી ધર્મનો જ્ઞાનકાંડ તૈયાર થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો પરમાત્મા, જીવ અને જગત (તત્ત્વત્રયી) એ ત્રણે તત્ત્વોનું સ્વરૂપ અને તેમના એકબીજા સાથેના સંબંધ અંગેની તાત્ત્વિક માન્યતાઓ એ ધાર્મિક જીવનના પાયામાં રહેલું જ્ઞાન છે. - પરમતત્ત્વનું સ્વરૂપ અને તેના જીવ અને જગતની સાથેના સંબંધનું વર્ણન વેદ, ઉપનિષદ્, ગીતા, કુરાન, બાઈબલ, ગ્રંથસાહેબ જેવા જુદા જુદા ધર્મના પવિત્ર ગ્રંથો કે શાસ્ત્રોમાં કરેલું હોય છે. બધા ધર્મના અનુયાયીઓ પોતપોતાના શાસ્ત્રગ્રંથોમાં રજૂ થયેલી જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધ અંગેની માન્યતાઓમાં શ્રદ્ધા રાખતા હોય છે. આમ એ સ્પષ્ટ થશે કે બધા ધર્મોમાં અને કોઈ પણ વ્યક્તિના ધાર્મિક જીવનમાં શ્રદ્ધાનું જે મહત્ત્વપૂર્ણ સ્થાન છે તે ધર્મના જ્ઞાનાત્મક પાસાને આભારી છે. જીવ, જગત અને દેવીતત્ત્વના સ્વરૂપ અને સંબંધ અંગેની માન્યતાઓનો ધાર્મિક માણસો શ્રદ્ધાથી સ્વીકાર કરતા હોય છે એ ખરું હોવા છતાં માણસ બુદ્ધિશીલ હોવાથી શ્રદ્ધાથી સ્વીકારવામાં આવેલી ધાર્મિક માન્યતાઓ વિષે તર્ક લડાવ્યા સિવાય રહી શકતો નથી. મનુસ્મૃતિ તો ત્યાં સુધી કહે છે કે “જે ધર્મને તર્ક (બુદ્ધિ) વડે સમજણમાં ગોઠવે તે જ એને સમજે છે, બીજો નહિ.” કુરાનમાં પણ સ્પષ્ટ ભાષામાં કહેવાયું છે કે, “આ કુરાનના પુસ્તકને અમે તારી આગળ એટલા માટે પ્રગટ કર્યું છે કે તું લોકોને અજ્ઞાનના અંધારામાંથી બહાર કાઢીને તેમને નિશ્ચિત જ્ઞાનના પ્રકાશમાં લાવી શકે.” “અમે લોકો પાસે એવો જ પયગંબર મોકલ્યો છે કે જે લોકોની બુદ્ધિમાં ઊતરે એ રીતે એમની પોતાની ભાષામાં બોધ કરે.”૭ આમ, એ સ્પષ્ટ થાય છે કે ધાર્મિક શ્રદ્ધાને બુદ્ધિગમ્ય બનાવવાના પ્રયત્નરૂપે ધાર્મિક જીવનમાં કથાશ્રવણ, સંતસમાગમ, શાસ્ત્રાભ્યાસ, જ્ઞાનગોષ્ઠિ વગેરે બાબતોને સ્થાન મળે છે અને એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે આ બધી બાબતો ધાર્મિક જીવનના જ્ઞાનાત્મક પાસાને લગતી છે. ધાર્મિક જીવનમાં ભક્તિનું સ્થાન : માણસ ધાર્મિક જીવન વડે જે દૈવીતત્ત્વને પામવા ઇચ્છે છે તેના પ્રત્યે તેને અપાર સ્નેહ હોય એ જરૂરી છે, કારણ કે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ તે વસ્તુ પ્રત્યેના સાચા અને ઊંડા સ્નેહ વગર સંભવતી નથી. સ્નેહનું બીજું નામ ભક્તિ છે. આમ, દૈવી તત્ત્વ કે આરાધ્યદેવની ભક્તિનું ધાર્મિક જીવનમાં વિશિષ્ટ સ્થાન છે અને તેથી શરણાગતિની ભાવના, પૂજા, પ્રાર્થના, ભજનભક્તિ વગેરે