________________ જગતના વિદ્યમાન ધર્મો આક્રમકતામાંથી મુક્ત થવાની કોઈ સગવડ જ નથી. મનુષ્યજન્મ એટલા માટે દુર્લભ ગણાય છે કે જો માણસ ધારે તો ધાર્મિક જીવન જીવીને ભય અને આક્રમકતાની વૃત્તિથી સંપૂર્ણ છુટકારો મેળવી શકે છે. ધર્મ માણસને નિર્ભય બનાવે છે. જે નિર્ભય હોય તેને કોઈનો ભય તો હોતો જ નથી, એટલું જ નહિ પણ ગાંધીજી કહે છે તેમ તે અહિંસક પણ હોય છે. અર્થાત્ તેના તરફથી સૌને અભયવચન હોય છે. તે ક્યારેય પણ કોઈના પર કોઈ પણ જાતનું આક્રમણ કરતો નથી. હિંસા અને આક્રમણનું મૂળ ભયમાં જ છે. ધાર્મિક જીવન વડે જો માણસ નિર્ભયતાને પામે તો તેના જીવનમાં અહિંસા, સત્ય, પ્રેમ, શાંતિ વગેરે ગુણો પ્રકટ થાય જ છે. આમ, આપણે જોયું કે હું માનવી માનવ થાઉં તો ઘણું” એ કાવ્યપંક્તિમાં માણસ પાસેથી બીજાં પ્રાણીઓ કરતાં ચડિયાતા જીવનની જે આશા રાખવામાં આવી છે તે આશા પૂરી કરવાનો પ્રયત્ન ધર્મમાં કરવામાં આવે છે. અને આને કારણે જ માનવસંસ્કૃતિમાં ધર્મનું સ્થાન ઘણું જ મહત્ત્વનું બની રહે છે. આદિ માનવમાં કે ગમે તેવી પછાત જાતિમાં જેમ ધર્મભાવના જોવા મળે છે તેમ સાંસ્કૃતિક દૃષ્ટિએ ખૂબ જ આગળ વધેલા માણસ કે રાષ્ટ્રમાં પણ ધર્મભાવનાની હાજરી હોય છે. ધર્મની આ સર્વવ્યાપકતાની સમજૂતી મેળવવામાં ડી. એમ. એડવર્ડ્ઝના નીચેના શબ્દો ઉપયોગી થશે : “માણસ એ માણસજાતના અભ્યાસનો સુયોગ્ય વિષય છે' એમ ઘણા જૂના વખતથી કહેવાયું છે અને તેનું વારંવાર પુનરુચ્ચારણ થતું રહ્યું છે. આ સંદર્ભમાં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે ધર્મના અભ્યાસના અભાવમાં માણસનો અભ્યાસ ક્યારેય પૂરો થતો નથી. આનું કારણ એ છે કે માણસના ઇતિહાસમાં ધર્મના કરતાં વધારે વ્યાપક, પ્રભાવક અને મહત્ત્વપૂર્ણ એવી બીજી કોઈ વસ્તુ નથી. ધર્મ અંગે માણસનો અંગત અભિપ્રાય કે તેનું અંગત વલણ ગમે તે હોય, પરંતુ ધર્મ એ માનવજીવનનું સૌથી વધારે અગત્યનું અને પ્રભાવશાળી પાસે છે એ વાતનો કોઈ પણ માણસે સ્વીકાર કરવો જ પડે તેમ છે. ધર્મ એ ખરેખર ઘણી દષ્ટિએ જગતમાં સૌથી મોટી વસ્તુ છે. માનવઅનુભવનું સર્વગ્રાહી અવલોકન કરનાર કોઈ પણ માણસને તરત જ એ વાત જણાઈ આવે છે કે અતિશય પ્રાચીન કાળથી શરૂ કરીને અને બધા યુગો દરમિયાન ધર્મ માનવજીવન અને ઇતિહાસમાં કેન્દ્રસ્થાને રહેલો છે. ઉભવકાળે ધર્મનું સ્વરૂપ ગમે તેટલું અશિષ્ટ જણાતું હોય કે ગમે તે પ્રકારના સ્થૂળ વહેમો સાથે તેને જોડી દેવામાં આવ્યો હોય તોપણ માનવજાતિઓના ઇતિહાસમાં ધર્મની સર્વવ્યાપકતા અને કેન્દ્રીયતાનો તો નક્કર હકીકતરૂપે સ્વીકાર કરવો જ પડે તેમ છે. કોર્ટે એ વાત માન્ય રાખે છે કે એક અર્થમાં ધર્મ સમગ્ર અસ્તિત્વને આવરી લે છે અને તેથી ધર્મના ઇતિહાસમાં માનવવિકાસના સમગ્ર ઇતિહાસનું પ્રતિબિંબ પડે છે. મૅક્સ ચૂલરને અનુસરીને જો આપણે એમ કહીએ કે ધર્મનો ઇતિહાસ જ માણસજાતનો સાચો ઇતિહાસ છે તો એમાં આપણે કોઈ અતિશયોક્તિ કરતા નથી.”૩