________________
गुर्जरविवेचनसमन्विता
હવે એકવાર પરિવ્રાજકે પુત્રને કહ્યું કે “અનાથ અને અખંડ એવું એક મડદું લાવ, જેથી હું તને ઈશ્વર બનાવું.” પુત્ર મડદું શોધવા નીકળ્યો તેવામાં તેને ફાંસો ખાધેલા મનુષ્યનું મડદું મળી આવ્યું. હવે પરિવ્રાજક તે શ્રાવકપુત્રને અને મડદાને શ્મશાનમાં લઈ ગયો, સાથે જરૂરી સાધન સામ્રગીઓ પણ લઈ લીધી..
પિતાએ તે પુત્રને નવકાર શીખવાડ્યો હતો અને કહ્યું હતું કે - “જયારે તને ડર લાગે, ત્યારે નવકાર બોલવો, આ એક શ્રેષ્ઠ મંત્ર-વિદ્યા છે.” હવે પરિવ્રાજકે તે પુત્રને મૃતકની આગળ ઊભો રાખ્યો અને મૃતકના હાથમાં તલવાર પકડાવી ! ત્યારપછી તે પરિવ્રાજક વિદ્યા બોલવાનું ચાલુ કરે છે, તેનાથી મૃતકમાં પ્રવેશેલ ભૂતને કારણે તે મૃતક ઊભું થવા લાગ્યું. પુત્ર એકદમ ગભરાઈ ગયો અને હૃદયમાં નવકાર બોલવા લાગ્યો.. અને તેના પ્રભાવે તે ભૂત નીચે પડી ગયું.
પરિવ્રાજક ફરી વિદ્યા બોલવા લાગ્યો અને ફરી તે ભૂત ઊભું થવા લાગ્યું ! પુત્ર વધુ સારી રીતે નવકાર બોલવા લાગ્યો અને તેનાથી ભૂત ફરી પડી ગયું.. પરિવ્રાજકને આશ્ચર્ય થયું અને તેણે શ્રેષ્ઠીપુત્રને પૂછ્યું કે - “તું કંઈ મંત્ર-તંત્ર જાણે છે?” તેણે કહ્યું – “ના, મારી પાસે કશું જ નથી.” પરિવ્રાજકે ફરી મંત્ર જપ્યો , ત્રીજીવાર પણ એ જ થયું.. તેથી પરિવ્રાજકે પુત્રને ફરી પૂછ્યું અને પુનઃ તેવો જ જવાબ મળતાં પરિવ્રાજક ફરી જાપ કરે છે.. પુત્ર પણ મનમાં નમસ્કાર ગણવાનું શરૂ રાખે છે.
ત્યારે ગુસ્સે થયેલા વાણવ્યંતરે તે તલવાર લઈને ત્રિદંડી એવા તે પરિવ્રાજકના જ બે ટુકડા કરીને હવનમાં હોમી દીધા, જેથી તે પરિવ્રાજકનું શરીર સુવર્ણનું બની ગયું.. અને તેને લઈને તેના યોગ્ય ટુકડાઓ કરી શ્રાવકપુત્રે પુષ્કળ ધન મેળવ્યું.. આ પ્રમાણે નવકારના પ્રભાવે તે શ્રાવકપુત્ર ઈશ્વર (અત્યંત ધનવાન) થયો.. (જો નવકાર ન હોત, તો તે ભૂતે તેને મારી નાંખ્યો હોત અને તેનું શરીર સોનાનું બની ગયું હોત.). હવે નવકારના પ્રભાવે કામની પ્રાપ્તિ કેવી રીતે? તેના માટેનું ઉદાહરણ -
* (૨) દેવનું સાંનિધ્ય * એક શ્રાવિકાનો પતિ, મિથ્યાદષ્ટિ એવી બીજી પત્નીને લાવવા તપાસ કરે છે. પણ શોક્યા બનવું પડે એવા ભયથી, તે શ્રાવિકાના કારણે પતિને બીજી કોઈ કન્યા મળતી નથી. તેથી પતિ વિચારે છે કે - “આ શ્રાવિકાને કોઈપણ રીતે મારી નાંખું.”
એકવાર પતિ કાળા સાપને ઘડામાં નાંખી તે ઘડો ઘરે લઈ આવ્યો અને તેને બરાબર જગ્યાએ રાખી દીધો. જમ્યા પછી પતિએ શ્રાવિકાને કહ્યું- “અંદર રહેલા ઘડામાંથી પુષ્પો લઈ આવ.” તે શ્રાવિકા
ઓરડામાં ગઇ, અંધારું હોવાથી મનમાં નવકારનું સ્મરણ કરવા લાગી કે કદાચ કોઈ જીવજંતુ કરડે તો પણ મરતી વખતે મારો નવકાર દૂર ન થાય. ઘડામાં હાથ નાંખ્યો, તે પહેલા જ દેવતાએ તેમાંથી સાપ કાઢી નાંખ્યો હતો અને તેના સ્થાને પુષ્પમાળા મૂકી હતી. શ્રાવિકાએ પુષ્પમાળા લીધી અને પતિને આપી. પતિએ આશ્ચર્ય સાથે પૂછ્યું કે - “તું આ પુષ્પો ક્યાંથી લાવી?” શ્રાવિકાએ કહ્યું - “તમે બતાવેલા સ્થાનેથી જ..”