________________
गुर्जरविवेचनसमन्विता
રાણીનો તે હાર હતો તેની દાસીએ તે હાર ઓળખી લીધો. રાજાને વાત કરી. રાજાએ પૂછ્યું - ‘તે કોની સાથે રહે છે ?' દાસીએ વાત કરતાં ચંડપિંગલને પકડ્યો અને શૂલીએ ચઢાવ્યો. ગણિકાએ વિચાર્યું કે – “મારા કારણે બિચારા આનું મૃત્યું થશે.” એમ વિચારી તેણીએ ચોરને નવકાર આપ્યો અને કહ્યું કે - ‘તું નિયાણું કર કે આ રાજાનો પુત્ર થાઉં.' તેણે નિયાણું કર્યું. પટરાણીની કુક્ષીએ તે અવતર્યો. પુત્રરૂપે જન્મ થયો. તે ગણિકારૂપ શ્રાવિકા બાળકને રમાડનારી ધાત્રી બની.
,,
-
એકવાર તેણી વિચારે છે કે – “ગર્ભનો અને મરણનો કાળ એક સરખો હતો. તેથી કદાચ આ તે જ હશે.’’ બાળકને રમાડતાં કહ્યું – “હે ચંડપિંગલ ! તું રડ નહીં.” ચંડપિંગલ નામ સાંભળતા જ તેને જાતિસ્મરણ થયું. તે બોધ પામ્યો. રાજાનું મૃત્યુ થયું. તે રાજા બન્યો. ઘણા કાળ પછી બંનેએ દીક્ષા લીધી. આ પ્રમાણે નવકારના પ્રભાવે સુકુળમાં જન્મ અને પરંપરાએ સિદ્ધિગમન થયું..
હવે આ વિશે બીજું ઉદાહરણ -
७१
* (૫) હૂંડિકયક્ષનું દૃષ્ટાંત *
મથુરા નગરીમાં જિનદત્ત નામનો શ્રાવક હતો. તે નગરીમાં હુંડિક નામે ચોર ચોરી કરતો હતો. એકવાર ચોરી કરતાં તે પકડાયો અને રાજાએ તેને ફૂલીએ ચઢાવ્યો. રાજાએ પોતાના પુરુષોને કહ્યું - “આ મરે નહીં ત્યાં સુધી તમે અહીં જ ધ્યાન રાખો. જેથી તેને સહાય કરનારા પણ ઓળખાય..’ રાજપુરુષો ધ્યાન રાખે છે..
એવામાં તે જિનદત્ત શ્રાવક બાજુમાંથી પસાર થાય છે. ત્યારે તે ચોર શ્રાવકને કહે છે કે – “હે શ્રાવક ! તું અનુકંપા કરનારો છે, મને પાણીની તરસ લાગી છે, તેથી થોડું પાણી આપ, જેથી હું સુખેથી મરું..’’ શ્રાવકે કહ્યું - ‘‘જ્યાં સુધી હું પાણી લઈને ન આવું, ત્યાં સુધી તું આ નમસ્કાર મંત્રનો જાપ કર, જો નવકાર ભૂલી જઇશ. તો લાવેલું છતાં પાણી આપીશ નહીં.”
તે ચો૨ પાણીની લાલસાએ નવકાર બોલે છે. શ્રાવક પણ પાણી લઈને આવ્યો. હું તેને પાણી પીવડાવું એવો જ્યાં શ્રાવક વિચાર કરે છે, તેવામાં નમસ્કારનું રટન કરતાં તે ચોરનો જીવ નીકળી ગયો. યક્ષ તરીકે ઉત્પન્ન થયો. ‘ચોરને પાણી પીવડાવનાર છે' માટે આ પણ ગુનેગાર છે એમ જાણી રાજપુરુષોએ શ્રાવકને પકડ્યો. રાજાને વાત કરી. રાજાએ ‘આને પણ ફૂલીએ ચઢાવો' એવો આદેશ આપ્યો.
શ્રાવક મારવાના સ્થાને લઈ જવાયો. યક્ષ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે. તેમાં તે શ્રાવક અને પોતાના શરીરને જુએ છે. પર્વતને ઉપાડીને નગર ઉપર સ્થાપિત કરીને તે બોલે છે – “હે દુષ્ટો ! તમે આ પૂજ્ય શ્રાવકને શું ઓળખતા નથી ? એની પાસે ક્ષમા માંગો, નહીં તો બધાને ચૂરી નાંખીશ.” એટલે શ્રાવકને મુક્ત કર્યો. લોકોએ તે યક્ષનું મંદિર બનાવ્યું.
પ્રસ્તુત સાર :- આ પ્રમાણે ઉપધાન કર્યા વિના પણ નમસ્કારના પાઠમાત્રથી સદ્ગતિ થાય છે - એવું આવશ્યક વગેરેમાં જણાવ્યું છે, એની સંગતિ તમે શી રીતે કરશો ?