________________
૯૭
ધન્યકુમાર કૌશાંબી નગરીમાં પણ ગોપવે છે. તેજહીન થયેલા તારાઓ દિવસે શું પોતાની જાતિને પ્રગટ કરી શકે છે ? તેથી હમણાં હું પણ તેમને મારી જાતિ વગેરેની ઓળખાણ આપીશ નહિ, સમય આવે જ ઓળખાણ આપીશ. કારણ કે પથ્ય ભોજન પણ અકાળે લેવાથી રોગીને વિકાર કરનાર થાય છે. આમ વિચારીને મૌન ધારણ કરી કાંઈક સ્નેહ તો દેખાડવો, એમ વિચાર કરીને ત્યાં તે કાર્યમાં રહેલા અધિકારી પુરુષને ધન્યકુમારે કહ્યું, “આ પુરુષ વૃદ્ધ અવસ્થાના કારણે જર્જરિત થઈ રહેલા છે, તેથી તેમને ભોજનમાં તેલ ઠીક નહીં રહે, તેથી એમને ઘી આપજો.” આવો આદેશ મળતાં ધનસારે “બહુ મોટી મહેરબાની કરી.” તેમ કહીને પુનઃ પ્રણામ કર્યા.
તે વખતે સાથે કામ કરનાર બધા મજૂરો તે ધનસારને કહેવા લાગ્યા, “હે વૃદ્ધ ! તારા ઉપર આપણા સ્વામીની બહુ મોટી કૃપા દેખાય છે કે, જેથી તેમણે તેલને બદલે તને ઘી આપવાનો આદેશ કર્યો, પણ તું એકલો ઘીયુક્ત ભોજન કેમ કરીશ ? એ કાંઈ સારૂં દેખાશે નહિ, કારણ કે ઉત્તમ પુરુષોને પંક્તિભેદ કરીને ભોજન કરવું તે સારું દેખાતું નથી. તેથી તું સ્વામીને અમારા સર્વની તરફથી વિનંતી કર કે જેથી અમો સર્વને પણ ઘીનો આદેશ મળે !
આ પ્રમાણે સર્વેએ ધનસારને કહ્યું, તેથી તે ફરીથી ધન્યકુમારને પ્રણામ કરીને વિનંતી કરવા લાગ્યો, “સ્વામીન્! એકલો ઘી ખાઉં તે સારું નહિ દેખાય, તેથી મારી સાથેના બધા કામ કરનારાઓને પણ ઘી આપવામાં આવે તેવો આદેશ કરો તો ઠીક, આપના જેવા દાનેશ્વરીઓ પંક્તિભેદ કરે તે સારું નહિ દેખાય, તેથી આટલી કૃપા જરૂર કરો ! આટલું કરવાથી મારા ઉપરની આપની કૃપા વિશેષ પ્રશંસાપાત્ર થશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org