________________
૨૩૦
ધન્યકુમાર ચરિત્ર સુભદ્રાએ પણ પોતાનો આશય માતા પાસે જણાવ્યો. તે વખતે માતાએ કહ્યું પુત્રી ! હજુ તો પુત્રના વિયોગની વાર્તાથી બળતા અંત:કરણવાળી હું થઇ છું, તેવામાં તુ પણ વ્રત ગ્રહણ કરવામાં તત્પર થઈ? આ પ્રમાણે ક્ષત ઉપર ક્ષારની જેમ તું દુઃખ કેમ આપે છે? તમે બંને જશો, પછી મારે કોનું આલંબન ? કોની સહાય ? કોનો આધાર? તને પણ સહસા આ શું થઈ ગયું?
પુત્રીએ કહ્યું: “માતા ! અમે આઠે બહેનોએ નિર્ધાર કર્યો છે કે પતિની સાથે અવશ્ય સંયમ ગ્રહણ કરવું. આ જગતની સ્થિતિ પલટાઈ જાય તો પણ અમે આ પ્રતિજ્ઞા મૂકવાનાં નથી. જે અમને સંયમ ગ્રહણ કરવામાં વારશે તેને અમે અમારા શત્રુતુલ્ય ગણીશું. કદાપિ અમારા સ્વામી વિલંબ કરશે, તોપણ અમે વિલંબ કરીશું નહિ. વળી સંયમમાં એકતાન થયેલા મારા ભાઈને પણ તમારે રોકવો નહિ.”
આ પ્રમાણે કહી સુભદ્રા પોતાના ઘરે ગઈ. ભદ્રામાતા આ બાજુ ધન્યકુમારને મળવા તેમના આવાસે આવ્યાં.
ત્યાં આવીને કહેવા લાગ્યાઃ “ભદ્ર! પુત્ર તો દુઃખ દેવાને તૈયાર થયો છે, તેટલામાં તમે પણ દાક્યા ઉપર ડામની જેમ ઘર ત્યજવાને તૈયાર થયા છો ! પરંતુ મારી ચિંતા તો કોઈ કરતા નથી ? આ વૃદ્ધા શું કરશે ? કોના ઘેર રહેશે ? નિર્દોષ અને નિરપરાધી એવી આ બત્રીશ મારા પુત્રની અને આઠ તમારી કુળવંતી સ્ત્રીઓને કોણ પાળશે?”
આ પ્રમાણે અશ્રુપૂર્ણ ગદ્ગદ્ વચનો સાંભળીને ધન્યકુમાર બોલ્યાઃ “આ જગતમાં કોણ કોની પાલન કરે છે ? પોતાનું સ્વકૃત પુન્ય જ પરિપાલના કરે છે, બીજાએ કરેલી પ્રતિપાલના તો ઔપચારિક છે. સર્વે સંસારી જીવો સ્વાર્થ વડે જ સ્નેહ રાખે છે, પરંતુ પરમાર્થની અપેક્ષાવાળા તો એક સાધુ જ હોય છે, તે વિના બીજા કોઈ હોતા નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org