________________
પન્ના-શાલિભદ્રજીનો પ્રવ્રજ્યાસ્વીકાર
૨૩૧
‘તમે તમારા સ્વાર્થની પૂર્તિ માટે પુત્રને વ્રત ગ્રહણ કરવામાં અંતરાય કરવાની ઇચ્છા કરો છો; પરંતુ ‘મારો પુત્ર અવિરતિના બળથી વિષયો સેવીને ચારે ગતિમાં પરિભ્રમણ કરશે, અને નરકાદિકમાં અતિ દારૂણ કર્મના વિપાકો ભોગવીને દુઃખ પામશે તેવી ચિંતા તો કરતાં જ નથી !' માતા-પુત્રનો સબંધ તે એક ભવને આશ્રયીને છે, અને તેના વિપાક તો અનેક ભવમાં અસંખ્ય કાળ સુધી પીડા કરે છે. આ સંસારમાં આટલા કાળ સુધી પરસ્પર વિરૂદ્ધ ભાવવાળા ઘણા સંબંધો થયા, ઘણા વિષયો ભોગવ્યા, તેને તથા તમને ઘણો હર્ષ ઉત્પન્ન થયો, પરંતુ તેના વિપાક ભોગવવાના સમયે તમે તેનો ઉદ્ધાર કરવાને જરા પણ શક્તિવંત થવાના નથી, તેમજ તે તમારો ઉદ્ધાર કરવાને સમર્થ થવાના નથી.’
‘આ સંસારમાં અતિ વલ્લભ પુત્રને પણ તમે સ્વહસ્તે જ અનંતી વાર મારેલ હોય છે. તેણે તમને પણ મારેલ હોય છે; તેથી આ ભવના સ્નેહવડે વિયોગનો ખેદ શા માટે કરવો ? આવો દુઃખદાયી સ્નેહસબંધ તો અનંતીવાર થયો છે. પરંતુ આવો જિનેશ્વરનાં ચરણકમળના આશ્રયે ચારિત્ર ગ્રહણ કરવા માટે તમારો આદેશ માગવાનો પ્રસંગ તેને કોઇ વખત પ્રાપ્ત થયો નથી. તે તમારા ભાગ્યયોગે હમણાં જ પ્રાપ્ત થયો છે. માટે તે સંયોગને સફળ કેમ કરતાં નથી ? આ પ્રમાણે શા માટે વિચારતાં નથી કે, ‘મારો પુત્ર અરિહંતની પર્ષદામાં સુર, અસુર અને રાજાઓના સમૂહથી વહાતો ચતુર્વિધ સંઘની સાક્ષીએ ચારિત્ર ગ્રહણ કરે છે, અહો ! હું તો દ્રમકની પેઠે કાંઇ ત્યજતી નથી, પરંતુ મારો પુત્ર સર્વ ત્યજીને પરમ અભયદાન દેનારા શ્રી વીરભગવંતના સ્વહસ્તે દીક્ષા લે છે, તેમનો શિષ્ય થાય છે, તેને શું ભય છે ? તે તો સંસારસાગરને શીઘ્ર તરશે, તેમાં શું અશુભ થાય છે કે તમે દુઃખી થઈને ખેદ પામો છો?’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org