________________
૧૦૪
ધન્યકુમાર ચરિત્ર જે દિવસે સુભદ્રા છાશ લેવા આવે તે દિવસે તે ખુશી થઈને તેને દૂધ, છાશ, પકવાન, ખજૂર, અખોડ, સીતાફળ વગેરે ખાવાની વસ્તુઓ આપે, મિષ્ટ વચનોથી બોલાવે અને શરીર કેમ છે ? સારું છે ? ઇત્યાદિ શરીરના સુખ-દુઃખના સમાચાર પૂછે, સુભદ્રા પણ જુદી જુદી જાતના સુખેથી ખવાય તેવા પદાર્થો ગ્રહણ કરીને તે બધું પોતાના ઉતારે લઈ જાય અને વૃદ્ધ એવા પોતાના સસરાની આગળ મૂકે. વૃદ્ધ આ પ્રમાણે લાવેલી વસ્તુઓ જોઈને સુભદ્રાની પ્રશંસા કરતા કહે કે, “રે પુત્રો ! જુઓ, ભાગ્યવાન પુત્રની આ પત્ની પણ કેવી ભાગ્યશાળી છે? તે પુણ્યવંત પુરુષોને ઉપભોગમાં લેવા લાયક મેવા, મિઠાઈ વગેરે ખાદ્ય પદાર્થો લઈને આવે છે. જ્યારે બીજા દિવસોએ મોટી વહુઓ જાય અને માત્ર સ્વચ્છ જળની ઉપમા જેવી જ પાતળી છાશ લઈને આવે ત્યારે ધનસાર કહે કે, “આમાં કાંઈ બીજો વિચાર કરવા જેવો નથી, આ મોટી વહુઓએ કાંઈ લઈ લીધું નથી અને આ નાની વહુએ કાંઈ આપ્યું કે દીધું નથી, પરંતુ અહીં ભાગ્ય માત્ર જ પ્રમાણભૂત છે. નસીબમાં હોય તે જ મળે એવું શાસ્ત્ર વચન સત્ય છે.' - ધનસાર શ્રેષ્ઠી આ રીતે જ્યારે સુભદ્રાની પ્રશંસા કરે છે, તે સાંભળીને ઈષ્યપૂર્વક મોટી વહુઓ બોલવા લાગી કે, “આ જર્જરિત ડોસાએ તો અમારી પાસે હંમેશા અમારા દિયરનાં વખાણ કરી કરીને સર્વના સ્નેહમાં ભંગ પડાવ્યો અને તેની પાસે ઘર ત્યજાવ્યું, તે તો નાસીને કોઈ દેશાંતરમાં ચાલ્યા ગયા છે અને તેમના સમાચાર પણ કાંઈ મળતા નથી, હવે આ નાની વહુની પાછળ લાગ્યા છે, તેથી તે ડોસો શું કરશે તેની ખબર પડતી નથી.” આ સાંભળી તેમાંથી એક બોલી, “અરે ! આપણા સસરા તો આ નાની વહુ સુભદ્રાને ભાગ્યશાળી કહીને જ વારંવાર બોલાવે છે, પણ તેનું ભાગ્યશાળીપણું કેવું છે તે સાંભળો ! હંમેશાં સવારે ઉઠીને તરત જ તે ગધેડીની જેમ માટી વહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org