________________
૧૦૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ પોતાના સીર્યને વીતરાગતાને અભિમુખ પ્રવર્તાવવા માટે મહાત્મા યત્ન કરે છે. વળી, સંસાર અત્યંત ભયંકર જંગલ છે તેવો સ્પષ્ટ બોધ છે અને તે જંગલમાં રહેલા મૃગલાના બચ્ચા જેવો હું છું; કેમ કે જંગલમાં એકાકી મૃગલાના બચ્ચાને કોઈ શરણ નથી. તેમ મને પણ આ સંસારરૂપી જંગલમાં કોઈ શરણ નથી. દયાળુ એવા તમે મને એકાકી કેમ મૂકો છો ? અર્થાત્ સદા મારા ચિત્તમાં તમે વસો, જેથી ભવરૂપી જંગલમાં પણ હું નિર્ભય થઈ સદ્દગતિઓને પામું.
વળી, ભક્તિના અતિશયથી ભગવાનને કહે છે. ભવરૂપી જંગલમાં જો તમે મને એકલો મૂકશો તો આમતેમ ચક્ષુ નાંખતો આલંબન વગરનો હું ભયથી જ નાશ પામીશ. માટે તમે મને ક્યારેય એકાકી મૂકો નહીં અર્થાત્ મારા ચિત્તમાં સદા વીતરાગ સ્વરૂપે તમે સ્થિર રહો જેથી હું નિર્ભય થાઉં. વળી, ભગવાનને સંબોધીને કહે છે તમે અનંતવીર્યના સ્વામી છો. જગતને આલંબન દેનારા છો. ભવરૂપી અટવીમાં રહેલા મને ઉદ્ધાર કરીને નિર્ભય કરો. આ પ્રકારે કહીને ભગવાનના અનંતવીર્યને અને ભગવાનના આલંબનદાયક ભાવને દૃઢ અવલંબીને મહાત્મા ભવઉત્તરણને અનુકૂળ દઢવીર્ય ઉલ્લસિત કરે છે. વળી, ભગવાનને સંબોધીને કહે છે. જેમ સૂર્યને છોડીને કમળને વિકસાવનાર કોઈ નથી તેમ તમારા વગર મોક્ષ નથી. તેથી સૂર્યનાં કિરણોથી જેમ કમળો ખીલે છે તેમ તમારા અવલંબનરૂપી કિરણોથી મારો આત્મા પણ તમારા તુલ્ય થઈને મોક્ષ પામશે. આ પ્રકારે કહીને ભગવાનના અવલંબનથી વિમલકુમાર મોક્ષને અનુકૂળ સીર્ય ઉલ્લસિત કરે છે. આ પ્રકારે મોહનાશ માટે ઉદ્યમ કરવા છતાં વિશિષ્ટ વીર્ય ઉલ્લસિત નહીં થતું જોઈને મહાત્મા કહે છે કે શું આ મારા કર્મનો દોષ છે, કે હું જ દુરાત્મા છું ? અથવા આ કાળ જ ખરાબ છે, કે મારી ભવ્યતા નથી, કે જેથી મારું સીર્ય તે પ્રકારે ઉલ્લસિત થતું નથી ? વળી, ભગવાનને સંબોધીને કહે છે. તમે સભક્તિથી ગ્રહણ થાવ તેવા છો. છતાં સભક્તિવાળા એવા મારો નિસ્તાર થતો નથી. તેથી શું મારામાં તેવી નિશ્ચલ ભક્તિ નથી જેથી મારો નિસ્તાર થતો નથી ? આ પ્રકારે ભગવાનને કહીને પોતાની સભક્તિ અતિશય કરવા મહાત્મા યત્ન કરે છે; કેમ કે વિદ્યમાન ભક્તિ જ તે તે પ્રકારના ઉલ્લાપો દ્વારા અતિશયિત થાય છે.
વળી, ભગવાનને ઉદ્દેશીને કહે છે. લીલાપૂર્વક સંપૂર્ણ કર્મના જાલનો તમે નાશ કર્યો છે. વળી જગતના જીવો પ્રત્યે કૃપાવાળા છો અને હું મોક્ષની પ્રાર્થના કરું છું છતાં હજી કેમ આપતા નથી ? આ પ્રકારે ઉપાલંભ આપીને મોક્ષને અનુકૂળ સીર્યને ઉલ્લસિત કરવા મહાત્મા યત્ન કરે છે. વળી, ભગવાનને સંબોધીને કહે છે. હે નાથ ! તમારા સિવાય મને કોઈ શરણ નથી. તમે જ માતા, પિતા, બંધુ ઇત્યાદિ છો. તેથી જો તમે મારી અવગણના કરશો તો નિરાશ થયેલો એવો હું દીનતાનું આલંબન લઈને મૃત્યુ પામીશ. માટે મારા માટે એક શરણ એવા તમે મારી ઉપેક્ષા ન કરો અને શીઘ્ર મને તારો. એ પ્રકારે કહીને તરવાનું સીર્ય મહાત્મા ઉલ્લસિત કરે છે. વળી, પોતાના ચિત્તનું અવલોકન કરીને મહાત્મા ભગવાનને કહે છે. મારું ચિત્ત તમારામાં નિશ્ચલ છે એ મને સ્વસંવેદન પ્રત્યક્ષ છે. અને તમને જગતના સર્વ પદાર્થો સાક્ષાત્ છે તેથી હું શું નિવેદન કરું જેથી મારા નિશ્ચલચિત્તને જોઈને શીઘ્ર નિસ્તાર કરો. એ પ્રકારે કહીને મહાત્મા પોતાનું વીર્ય સંચય કરે છે.