________________
૨૮૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
ચિત્ત સંયમ ગ્રહણ કરીને અધિક મોહને વશ થાય છે તેથી તે જીવનું અધિક અહિત થાય છે. તેમ પ્રસ્તુત મહાત્મામાં પણ કંઈક સમ્યગ્દર્શનની મતિ હતી જેથી સંયમના રક્ષણનો પરિણામ થયો. તેથી મહામોહના ઉપદ્રવને શમ કરવા અર્થે કોઈક વિશિષ્ટ પ્રકારનું અનુષ્ઠાન કરવા તત્પર થાય છે પરંતુ ચિત્ત મોહને અભિમુખ હોવાથી તે અનુષ્ઠાન દ્વારા જ મોહની જ વૃદ્ધિ કરે છે તેથી અધિક વિનાશને પ્રાપ્ત કરે છે. વળી મોહનું સૈન્ય ચારિત્રના નાશ માટે સન્મુખ થયું. ત્યારે જીવમાં ચારિત્રનો પરિણામ મંદ ક્ષયોપશમવાળો હોવાથી અને ચારિત્રના પોષક એવા અવાંતર ભાવો મંદ ક્ષયોપશમવાળા હોવાથી અને મહામોહના ભાવો અર્થાત્ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયના ઉદયના ભાવો પ્રબલ હોવાથી તે યુદ્ધમાં ચારિત્રધર્મનો પરાજય થાય છે.
વળી, તે વખતે ચિત્તવૃત્તિ કેવી છે? તે બતાવતાં કહે છે – યુદ્ધકાળમાં એક બાજુ અનેક પ્રકારના ચારિત્રમોહનીયના ક્ષયોપશમ ભાવો વર્તી રહ્યા છે જેથી ચિત્તવૃત્તિમાં ક્ષયોપશમભાવોનો પ્રકાશ વર્તે છે તો બીજી બાજુ મહામોહનું સૈન્ય ચિત્તવૃત્તિમાં ગાઢ અંધકાર ફેલાવે છે. જેથી આખી ચિત્તવૃત્તિ અંધકારથી વ્યાપ્ત બને છે. વળી, મહામોહનું સૈન્ય પ્રબલ હોવાથી અર્થાત્ ઔદાયિકભાવ તે જીવમાં પ્રચુર હોવાથી અને દર્શનમોહનીય, ચારિત્રમોહનીય અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમરૂપ ચારિત્રનું સૈન્ય અલ્પ શક્તિવાળું હોવાથી મહામોહના પરિણામોએ યુદ્ધભૂમિમાં જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોપશમનો વિનાશ કર્યો અર્થાત્ ક્ષયોપશમભાવથી જે થોડા ભાવો વર્તતા હતા તે નાશ પામ્યા. તેથી સેના સહિત ચારિત્રધર્મ મહામોહરાજા વડે જિતાયો. અને નાસીને તે ચારિત્રધર્મરાજા પોતાની ચિત્તવૃત્તિમાં જઈને બેસે છે અને જ્ઞાનાવરણીય આદિના ઔદયિકભાવો તેને અત્યંત અવરોધે છે. તેથી જે મહાત્માનું સંયમ જર્જરિત થયેલું તે મહાત્માની ચિત્તવૃત્તિમાં યુદ્ધ પછી મહામોહનું એક સામ્રાજ્ય પ્રવર્તવા લાગ્યું. સમ્યગ્દર્શન પણ નાશ પામ્યું. સમ્બોધ પણ નષ્ટપ્રાયઃ થયો અને મોહને વશ તે મહાત્માની ચિત્તવૃત્તિ સર્વત્ર વ્યાપ્ત થાય છે. જેમ પ્રસન્નચંદ્રરાજર્ષિ દુર્મુખના વચનથી જ્યારે સાતમી નરકને અનુકૂળ પરિણતિવાળા થાય છે ત્યારે તેમની ચિત્તવૃત્તિમાં મહામોહનું એક સામ્રાજ્ય વર્તતું હતું. તેમ પ્રસ્તુત મુનિની ચિત્તવૃત્તિમાં પણ સંયમના પરિણામો સર્વથા નાશ પામ્યા.
વળી, મોહને અનુકૂળ સર્વ ભાવો પ્રગટ થયા. તેથી તે સાધુ શીતલવિહારી સાધુ બન્યા=શિથિલાચારી સાધુ બન્યા. આ પ્રકારે બહારની દુનિયામાં માર્ગાનુસારિતાની સહાયથી બુધનો વિચાર નામનો પરિણામ અવલોકન કરે છે તેથી વિચારને જિજ્ઞાસા થાય છે કે આ પ્રકારનું મહામોહના સૈન્યના અને ચારિત્રના સૈન્યના કલહનું બીજ શું છે ? તેથી જીવમાં વર્તતી માર્ગાનુસારિતા તે વિચારને કહે છે કે રાગકેસરીનો મંત્રી જે વિષયાભિલાષ છે તેના દ્વારા જગતને વશ કરવા માટે પાંચ મનુષ્યોરૂપ પાંચ ઇન્દ્રિયો મોકલાવાઈ છે, તેના દ્વારા થયેલા જીવો રાગને વશ થાય છે અને સર્વ કર્મોને કરીને સંસારના પરિભ્રમણને પ્રાપ્ત કરે છે તેથી આખા જગતને તેઓ કર્મપરિણામને વશ કરી શકે છે. વળી, સંસારી જીવોમાંથી કોઈ જીવ તે પાંચમાંથી એક ઇન્દ્રિયને વશ થાય તોપણ તે મહામોહને વશ બને છે. વળી, જે પાંચેય ઇન્દ્રિયને વશ છે. તેઓ તો સંપૂર્ણ મહામોહને વશ છે આ પ્રકારે માર્ગાનુસારી બુદ્ધિ વિચારને પદાર્થ બતાવે છે. ત્યારપછી તે માર્ગાનુસારી બુદ્ધિ અને વિચાર બુધ પાસે આવે છે. આવીને શું થાય છે ? તે હવે પછી કહે છે –