________________
૧૭૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ધવલરાજાને કઈ રીતે સંસારી જીવો અત્યંત વિરૂપ, દુઃખી આદિ છે અને સુસાધુ એવા બુધસૂરિ કઈ રીતે અત્યંત સુખી છે તે બતાવ્યું. હવે તે કથનને વિશેષ રીતે સ્પષ્ટ કરતાં કહે છે. જે સંસારી જીવો જિનવચનના અમૃતને પામ્યા નથી. તેઓ દઢ કરૂપી રજુથી સતત બંધાય છે તેથી ક્લિષ્ટ કર્મો બાંધીને દુર્ગતિની પરંપરાને પ્રાપ્ત કરશે. વળી, વર્તમાનમાં પણ વિષયોમાં અસંતોષને કારણે સુધાથી પીડાય છે. તેથી જ સતત નવા નવા વિષયોની ઇચ્છાથી આકુળ થઈને દુઃખી દુઃખી રહે છે. વળી, જે પોતાના પુણ્યના સહકારથી મળ્યું છે તેમાં સંતોષ નથી તેથી અધિક અધિક વિષયોની પ્રાપ્તિની પિપાસાથી તેઓનું ચિત્ત હંમેશાં શોષ પામે છે. વળી, સતત એક ભવમાંથી બીજા ભવમાં પરિભ્રમણ કરીને શ્રાંત થયેલા પુરુષની જેમ ખેદને અનુભવે છે. વળી, અતિ ગરમીમાં જેમ પરસેવાથી જીવો સતત વ્યાકુળ વર્તે છે તેમ તે તે નિમિત્તે કષાયની ગરમીથી ઉષ્ણ થયેલા સતત આકુળ-વ્યાકુળ તે જીવો વર્તે છે. આથી જ જિનવચનના પરમાર્થને પામેલા નથી તેવા જીવો ક્વચિત્ બાહ્યથી ધર્મક્રિયા કરતા હોય તો પણ કોઈની પ્રવૃત્તિ સહન ન કરી શકે તેવા સ્વભાવને કારણે સતત કષાયોથી આકુળ-વ્યાકુળ રહે છે. મિથ્યાત્વ મહાકુષ્ઠથી તેઓ ગળે છે; કેમ કે મારો આત્મા ત્રિકાળ વર્તી છે અને તેનું સુખ પ્રશમ છે તેની નિષ્પત્તિ અર્થે જ સર્વ ધર્મઅનુષ્ઠાન છે તેવો લેશ પણ બોધ નથી. તેથી ભોગવિલાસને જ સાર માને છે. ક્વચિત્ બાહ્ય ધર્મને પરલોક અર્થે સેવે છે તોપણ કષાયના ક્લેશરૂપ અધર્મને અધર્મરૂપે જોવા અસમર્થ છે, તેથી બાહ્ય આચારમાં ધર્મબુદ્ધિ કરીને તે તે અનુષ્ઠાન દ્વારા ક્લેશની જ વૃદ્ધિ કરે છે. તેથી વિપર્યાસરૂપ મહાકોઢથી તેઓનો મતિજ્ઞાન સ્વરૂપ આત્મા અત્યંત વ્યાપ્ત છે.
વળી, કોઈના વૈભવને જુએ, કોઈનું કંઈક સુંદર જુએ તો ઈર્ષારૂપી ભૂલથી હંમેશાં દુઃખી દુઃખી થાય છે. આથી જ કોઈનો વૈભવ જોઈને અથવા પોતાના કરતાં અધિક કુશળતા કોઈક વિષયમાં કોઈકની જોઈને, સંસારી જીવો ઈર્ષાથી દુઃખી દુઃખી થાય છે. વળી, અનાદિ કાળથી તે તે ભવોમાં ભ્રમણ કરનાર હોવા છતાં સંસારઅવસ્થા સંસારી જીવોની સદા અવસ્થિત છે. તેથી મોક્ષરૂપ ભાવમૃત્યુને પામતા નથી. માટે સંસારમાં જીર્ણ અવસ્થાવાળા છે. વળી, સંસારી જીવોની વિષયોમાં ગાઢ રાગની પરિણતિ હોવાથી રાગરૂપ મહાવરથી સદા બળે છે.
વસ્તુતઃ રાગ જીવની વ્યાકુળ અવસ્થા છે. ફક્ત પુણ્યના સહકારથી ઇષ્ટ વસ્તુ મળે છે ત્યારે ક્ષણભર ઇચ્છાના શમનરૂપને સુખ પામે છે, તોપણ સદા રાગાત્મક થઈને દુઃખી થાય છે. વળી, ચક્ષુના રોગવાળા જીવો જેમ આંધળા હોય છે તેમ કામથી અંધ થયેલા સંસારી જીવો સદા તત્ત્વને જોવા સમર્થ બનતા નથી. આથી વ્યાકુળતા કરનાર કામનો પરિણામ પણ સુખરૂપ જણાય છે. વળી, સંસારી જીવો અંતરંગ ગુણોની સંપત્તિ વગરના હોવાથી ભાવદરિદ્રતાથી યુક્ત હોય છે તેથી દરિદ્રની જેમ સંસારમાં સર્વ દુઃખોને પ્રાપ્ત કરે છે.
વળી, સંસારી જીવો ક્યારેય મરનારા નહીં હોવાથી જરા નામની રાક્ષસીથી અભિભૂત થાય છે. મોહતિમિરથી આચ્છાદિત થાય છે=હિતમાર્ગને જોવા માટે અસમર્થ થાય છે, ઇન્દ્રિયોરૂપી ઘોડાઓ તેઓને સંસારના કારણભૂત વિષયોમાં ખેંચી જાય છે.