________________
૨૩૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ તે સર્વ પોષવી જોઈએ નહીં. આ રીતે બુધપુરુષ ભૂતકાળની આરાધનાથી નિર્મલમતિવાળો છે તેથી ઘ્રાણેન્દ્રિયનું પાલન કરવા છતાં આસક્તિના અભાવને કારણે દોષોથી અર્થાત્ ક્લિષ્ટકર્મ બંધોથી જોડાતો નથી અને પુણ્યના ઉદયથી મળેલી ઘ્રાણેન્દ્રિયને અનુકૂળ ઉત્તમ ભોગસામગ્રીથી શ્રેષ્ઠ સુખને પ્રાપ્ત કરે છે; કેમ કે ગૃહસ્થ અવસ્થામાં રાજકુળમાં જન્મેલ હોય ત્યારે ઘ્રાણેન્દ્રિયને અનુકૂળ ઘણા ભોગો મળે છે, તોપણ આસક્તિ નહીં હોવાથી કંઈક મંદ મંદ ભોગની ઇચ્છા થાય છે, તે ઇષ્ટ એવા ઘ્રાણના ભોગથી શાંત થાય છે તેથી ઉત્તમ સુખ મળે છે.
વળી, મંદ આસક્તિરૂપ ભુજંગતાને અનુસરીને ઘ્રાણના લાલનપાલનમાં લંપટ બને છે. તેથી સતત નવા નવા સુગંધી પદાર્થો પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિથી અને ભોગવવાની ઇચ્છાથી વ્યાકુળ રહે છે. તેથી તેને ઘ્રાણેન્દ્રિયજન્ય તૃપ્તિ થતી નથી માટે અતૃપ્ત આત્મા સદા દુઃખસાગરને પ્રાપ્ત કરે છે. કેવી રીતે મંદ દુઃખને પામ્યો ? તે સ્પષ્ટ કરતાં કહે છે – સુગંધી દ્રવ્યોને એકઠા કરવામાં ઉદ્યત માનસવાળો દિવસ-રાત મૂઢ એવો તે સતત ક્લેશો કરે છે અને દુર્ગંધના પરિહારને કરતો સદા ખેદ પામે છે અર્થાત્ દુર્ગંધી પદાર્થો પ્રાપ્ત થાય છે ત્યારે આકુળ-વ્યાકુળ થાય છે. બુધની જેમ શમસૌષ્યને જાણતો નથી અર્થાત્ અનિચ્છામાં જ સુખ છે એ પ્રકારના પરમાર્થને જાણતો નથી. જ્યારે બુધને તો અનિચ્છામાં જ સુખ દેખાય છે, તેથી પુણ્યથી મળેલી ઉત્તમ ભોગસામગ્રીથી કંઈક મંદ ઇચ્છા છે, તે શમે છે જેથી શમના સૌષ્યને બુધ પામે છે. ફક્ત મંદને મોહનો ઉદય હોવાને કારણે પરમાર્થથી દુઃખી હોવા છતાં પોતાને સુખી માને છે.
વળી, આ બાજુ બુધનો વિચાર નામનો પુત્ર યૌવનમાં આરૂઢ થયો. તેથી દેશકાલને જોવાની ઇચ્છાથી તે રાજપુત્ર ઘરથી નીકળીને દેશાટન કરવા જાય છે અને તે પ્રથમ બહિરંગ અને ત્યારપછી અંતરંગ દેશોમાં ફરીને સ્વઘરમાં આવે છે. તેથી એ પ્રાપ્ત થાય કે બુધ અને ધિષણાનો પુત્ર વિચાર છે અને તે વિચાર એ જીવનો મતિજ્ઞાનના તત્ત્વને જોવાને અનુકૂલ ઉચિત ઉપયોગ સ્વરૂપ છે. બુધ જ્યારે બાલ્યાવસ્થામાં છે ત્યારે તે વિચાર પણ માર્ગાનુસારી હોવા છતાં તત્ત્વને જોવામાં વિશેષથી પ્રવર્તતો નથી, પરંતુ જ્યારે તે બુધ પુરુષની બુદ્ધિ પકવ બને છે ત્યારે તેનો વિચાર યૌવન અવસ્થામાં આરૂઢ બને છે. તેથી આ જગતના બાહ્ય દેશો કઈ રીતે પ્રવર્તે છે અને અંતરંગ દેશો કઈ રીતે પ્રવર્તે છે તેને જોવાની ઇચ્છાથી બુધનો ઊહ પ્રવર્તે છે જે વિચાર સ્વરૂપે છે.
વળી તે ઊહ સંસારમાં કઈ રીતે નગરોની વ્યવસ્થા છે, કઈ રીતે મનુષ્યનગરી ગતિ છે, કઈ રીતે આ ભવચક્ર પ્રવર્તે છે, તે સર્વ જોવા માટે વ્યાપારવાળું થાય છે ત્યારપછી બુધનો તે મતિજ્ઞાનના ઉપયોગરૂપ ઊહ અંતરંગ જીવના પરિણામમાં થતા અંતરંગભાવોને જોવામાં પ્રવર્તે છે અને તે જોઈને તે વિચાર બુધ પાસે આવે છે. ત્યારે પુત્રનો સમાગમનો મહોત્સવ ધિષણા અને બુધ કરે છે. તે વિચારને બોધ થયો કે બુધે અને મંદે ઘ્રાણ સાથે મૈત્રી કરી છે તેથી વિચાર કહે છે આ ઘ્રાણ સુંદર નથી, દુષ્ટ છે. માટે મંદ અને બુધ તમે બંનેએ ઘ્રાણ સાથે જે મૈત્રી કરી છે તે ઉચિત નથી. તેથી એ ફલિત થાય કે બુધનું માર્ગાનુસારી ઊહ ઘ્રાણને વશ થવું તે ઉચિત જણાતું નથી તેમ બતાવે છે. કેમ ઉચિત નથી ? તે બતાવવા અર્થે વિચાર કહે છે. હું બહારના દેશોને અને અંતરંગ દુનિયાને જોવાની ઇચ્છાથી તમને પૂછ્યા વગર નીકળેલો. અન્યદા હું