________________
૨૦૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
સન્મુખ પણ થતો નથી. પરંતુ જ્યારે કંઈક કર્મલઘુતાને પામે છે ત્યારે તે જીવ મહામહેશ્વરના ઉપદેશને યોગ્ય બને છે. તેથી જૈનશાસનને પામેલા કોઈક મહાત્માને તે જીવની યોગ્યતા જોઈને તેના પ્રત્યે કરુણા થાય છે અને વિચારે છે કે કઈ રીતે આ જીવ કષાયોની કદર્થનાથી મુક્તિ પામશે. ત્યારપછી તે મહાત્માએ મહાવૈદ્ય એવા તીર્થકરોનાં વચનોનું સમાલોચન કર્યું. તેના ઉપદેશ અનુસાર અવધારણ કર્યું કે આ પ્રકારની આ જીવની યોગ્યતા છે તેને અનુરૂપ ઉચિત ઔષધ અપાશે તો તેનું હિત થશે. જેમ વંકચૂલ રાજપુત્ર હતો. લુંટારાની પલ્લીનો સ્વામી થયો. અને કુકર્મો કરે છે છતાં કોઈક સંયોગથી આવેલા મહાત્માએ જિનવચનાનુસાર તેના હિતના ઉપાયરૂપ ચાર પ્રતિજ્ઞા છે તેમ જાણીને તે ઔષધ આપ્યું. જેથી તે વંકચૂલ મહાવિવેકસંપન્ન શ્રાવક થઈને બારમા દેવલોકે જાય છે. અન્યથા નરકની જ પ્રાપ્તિ થાત. તેમ ગુરુ ભિન્ન ભિન્ન જીવને જે જે પ્રકારની યોગ્યતા જણાય તેનો ઉચિત ઉપાય જિનવચનથી નિર્ણય કરીને તેના હિત માટે યત્ન કરે છે, ત્યારપછી તે મહાત્મા રાત્રિમાં ઉપકરણ ગ્રહણ કરીને શિવાયતનમાં જાય છે અર્થાત્ જ્યારે તે જીવના રાગાદિ ભાવો કોઈક રીતે મંદ થયેલા હોય ત્યારે જીવ તત્ત્વને સન્મુખ બને તેવી કોઈક રાત્રિ છે અને તે અવસ્થામાં ઉચિત ઉપદેશ દ્વારા સદ્ગુરુ સદ્જ્ઞાનરૂપ દીપક તેના શિવાયતનમાં પ્રગટાવે છે અર્થાત્ તે જીવના ચિત્તમાં સમ્યજ્ઞાન પ્રગટે તેવો ઉચિત ઉપદેશ આપે છે. જેનાથી રાગાદિને માટે રાત્રિ જેવી અવસ્થામાં તે જીવના ચિત્તમાં ક્ષયોપશમભાવરૂપ સમ્યજ્ઞાન પ્રગટે છે. તેથી તે જીવના ચિત્તમાં નિર્મળ બોધ થવાને કારણે માહેશ્વર પોતાના હિતકારીરૂપે દેખાય છે અર્થાત્ દુઃખી એવા મને આ મહાત્મા જ હિતકારી છે એમ જણાય છે.
વળી તે જીવની તેવા પ્રકારની યોગ્યતા હોવાને કારણે સંસારના પરિભ્રમણથી તેને કંઈક ખેદ થયેલો તેથી તૃષાતુર પુરુષ જેમ પાણીની યાચના કરે તેમ તત્ત્વને જાણવાની જિજ્ઞાસારૂપ જલપાનની તે યાચના કરે છે. તેથી તે મહાત્મા તત્ત્વની રુચિ ઉત્પન્ન થાય તેવું સુંદર જળ આપે છે અર્થાત્ સંસારનું વાસ્તવિક સ્વરૂપ, જીવનું વાસ્તવિક સ્વરૂપ અને સંસારની વિડંબનાથી મુક્ત થવાના ઉપાયનું વાસ્તવિક સ્વરૂપ તે રીતે બતાવે છે જેથી તે જીવને મુક્ત અવસ્થાની પ્રાપ્તિની અત્યંત રુચિ થાય છે. વળી, તે તત્ત્વના શ્રવણથી તેનો ઉન્માદ દૂર થયો અર્થાત્ પૂર્વમાં આ રાગાદિ ભાવો સુખકારી છે તેવો બોધ હતો અને બાહ્ય ભોગોમાં જ સારબુદ્ધિ હતી એ ઉન્માદ દૂર થાય છે તેથી તત્ત્વને જોવામાં મતિજ્ઞાનના ઉપયોગરૂપ ચેતના નિર્મળ થાય છે, તેથી મોહથી અનાકુળ આત્માના સ્વરૂપ રૂપ શિવમંદિર પોતાનું નિવાસસ્થાન છે, રત્નોથી પૂર્ણ છે, સુખની ખાણ છે ઇત્યાદિ યથાર્થ દેખાય છે. તે રાગાદિ ભાવો ધૂર્ત તસ્કરો છે તેમ દેખાય છે. તેથી તે જીવ તે ઉપદેશકરૂપ માહેશ્વરને પૂછે છે આ સર્વ શું છે ? અર્થાત્ મને મારું શિવમંદિર અત્યારે દેખાય છે, પૂર્વમાં દેખાતું ન હતું એ સર્વ શું છે ? તેથી તે માહેશ્વર કહે છે – અનાદિ કાળથી પ્રચુર કર્મને કારણે તે રાગાદિને જ સારરૂપે જોતો હતો તેથી આ સર્વ વિડંબના અનંતી વખત પ્રાપ્ત થઈ. માટે હવે તારાં કર્મો કંઈક અલ્પ થયાં છે તેથી તને આત્માનું નિરાકુળ સ્વરૂપ સ્વપ્રજ્ઞાથી દેખાય છે. પૂર્વમાં મૂઢતાને કારણે તે દેખાતું ન હતું ઇત્યાદિ સર્વ વૃત્તાંત કહે છે. ત્યારપછી તે જીવ બઠર હતો તે હવે શૈવ બને છે અર્થાત્ સુખનો અર્થી બને છે અર્થાત્ પૂર્વમાં જડ જેવો હતો અને હવે આત્માના નિર્મળસુખને જોનારો થયો તેથી શૈવ થયો.