________________
૧૭૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ વળી, તે તે નિમિત્તોને પામીને ક્રોધરૂપી તીવ્ર અગ્નિથી સંસારી જીવોનો આત્મા અત્યંત પીડાય છે. વળી, માનરૂપી મહાપર્વતથી સંસારી જીવો અવષ્ટબ્ધ થાય છે તેથી આત્મહિત સાધવા અસમર્થ બને છે. આથી જ તપ-ત્યાગ કરીને પણ માનને વશ જીવો દુર્ગતિઓના અનર્થોને પામે છે. વળી, માયારૂપી જાળાંઓથી વીંટળાય છે, તેથી ક્વચિત્ ધર્માદિ કરે તો પણ આત્માને ઠગીને ગુણસંપત્તિને પ્રાપ્ત કરી શકતા નથી, લોભ સાગરથી પ્લાવિત થાય છે. આથી જ ધનાદિના લોભમાં મનુષ્યભવને નિષ્ફળ કરીને, નરકમાં જઈને પડે છે. વળી, સંસારી જીવો કોઈક રીતે આ મને ઇષ્ટ છે તેમ માનીને તેને પ્રાપ્ત કરે અને તેનો વિયોગ થાય ત્યારે અત્યંત વ્યાકુળ થાય છે. વળી, અનિષ્ટના સંયોગથી સતત દુઃખી દુઃખી થાય છે. વળી, તે તે ભવની તે તે પ્રકારની કાળપરિણતિના વશથી અન્ય અન્ય ભવમાં જઈને સદા અત્યંત અસ્થિરતારૂપ ડોલાયમાન અવસ્થાને પ્રાપ્ત કરે છે. વળી, આ મારા સ્વજનાદિ છે તેવી બુદ્ધિ કરીને તેઓના પોષણ અર્થે ધનઅર્જનાદિમાં પ્રવૃત્તિ કરીને દિવસ-રાત ખિન્નતાને અનુભવે છે. વળી, સંસારમાં આરંભ કરીને કર્મો બાંધે છે. તે કર્મરૂપી લેણદારો દ્વારા સંસારી જીવોની દુર્ગતિમાં અનેક પ્રકારની કદર્થનાઓ કરાય છે.
વળી, મહામોહની નિદ્રાને કારણે આત્મહિતનો વિચાર માત્ર કરી શકતા નથી. અંતે મૃત્યરૂપી મોટા મગરના કોળિયા બને છે. તેથી તે જીવો જો કે આ ભવમાં સુખવિલાસ કરતા દેખાય છે તોપણ પૂર્વમાં વર્ણન કર્યું એવા અંતરંગ દુઃખોથી તેઓનું સુખ કેવું હોય ? અર્થાત્ તેઓના પુણ્યથી મળેલા ભોગાદિનું સુખ પણ અંતરંગ ફ્લેશોથી નષ્ટપ્રાય છે. વળી, સુખ વાસ્તવિક રીતે મનની નિવૃતિરૂપ છે. આથી જ ભોગાદિની ઇચ્છા થાય છે અને તે ભોગ કર્યા પછી મનની નિવૃતિ થાય છે. તે વખતે કંઈક સ્વસ્થતાનું સુખ થાય છે, તોપણ પૂર્વમાં વર્ણન કર્યું તેવા અનેક કાષાયિકભાવોથી સંસારી જીવનું ચિત્ત હણાયેલું હોવાથી પરમાર્થથી તેઓને મનોનિવૃતિનું સુખ પ્રાપ્ત થતું નથી. તેથી અનેક દુઃખોથી યુક્ત સંસારનું સ્વરૂપ હોવા છતાં મોહથી જ સંસારી જીવો પોતાને સુખ છે તેમ માને છે. વસ્તુતઃ શિકારીઓથી શસ્ત્રો દ્વારા હણાતા હરણને જેવું સુખ છે તેવું જ સુખ સંસારી જીવોને છે; કેમ કે પુણ્યના બળથી સુખનો અનુભવ કરે છે ત્યારે પણ અંતરંગ કષાયો, નોકષાયોની પીડાથી વિનાશ પામતા એવા તે જીવો દુર્ગતિના અનર્થોને જ પ્રાપ્ત કરે છે. તેથી ઘણા દુઃખના સમૂહોની વચમાં ક્ષણભરના પુણ્યથી મળેલું સુખ અગણ્ય હોવાથી તેઓ દુઃખી જ છે.
વળી, સંસારી જીવોને જે પ્રકારની કદર્થના કહી તેવા સર્વ ઉપદ્રવો સત્યાધુઓને નથી; કેમ કે સત્યાધુઓ શરીર અંતર્વર્તી મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ આત્માના પારમાર્થિક સુખને જોનારા છે. તેથી તેઓમાં સમ્યક જ્ઞાન વર્તે છે, આથી જ તેઓને બાહ્ય સર્વ પદાર્થોમાં સંશ્લેષરૂપ આગ્રહવિશેષ નિવર્તન પામે છે. ચિત્ત ભગવાનના વચનથી ભાવિત થઈને અનિચ્છાના પરિણામને જ સ્થિર કરવા યત્ન કરે છે. તેથી સંતોષની પરિણતિવાળા છે. વળી, સંસારી જીવો મોહને વશ જે દુષ્ટ ક્રિયાઓ કરે છે તેનો ત્યાગ કરીને જિનવચનાનુસાર મોહનો નાશ કરે તેવી ઉત્તમ ક્રિયાઓ સાધુ કરે છે, તેથી ભવરૂપી વેલડી તેઓની નષ્ટપ્રાયઃ છે. ચિત્ત ધર્મમેઘસમાધિમાં સ્થિર થયેલું છે અર્થાતુ આત્માની નિરાકુળ અવસ્થામાં તે રીતે સ્થિર થાય છે કે જેથી બાહ્ય નિમિત્તો ચિત્તની વ્યાકુળતારૂપ અસમાધિ ઉત્પન્ન કરી શકતા નથી.