________________
૧૯૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ક્ષમાદિ ભાવો રૂપ પોતાના કુટુંબને પ્રગટ થવા દેતો નથી, પરંતુ તે રીતે નિરોધ કરીને રાખે છે કે જેથી જીવમાં ક્ષમાદિ ભાવો પ્રગટ થઈને જીવનું હિત કરવા સમર્થ બને નહીં. આ રીતે ક્ષમાદિ ગુણોથી પૂરિત સ્વરૂપવાળા જીવનું મંદિર જેવું જ સ્વરૂપ છે તેને તે ચોરો હરણ કરે છે અર્થાત્ જેમ કથાનકમાં કહેલું કે તે શિવાયતન જીવનું સ્વરૂપ છે જેમાં સુખપૂર્વક જીવ સદા રહી શકે છે તે સ્વરૂપ ક્ષમાદિ ગુણોથી ભરપૂર છે. જેથી જીવને સદા માટે સુખ કરનારું છે. એવા સમૃદ્ધિથી ભરપૂર જીવના સ્વરૂપને કષાયો હરણ કરીને અને તેના ક્ષમાદિ ભાવો રૂપ કુટુંબને તિરોધાન કરીને અત્યંત ધૂર્ત જેવા મહામોહને રાજ્યમાં સ્થાપન કરે છે. તેથી જીવના નિવાસસ્થાન જેવું જે નિર્મળ મતિજ્ઞાન છે જેમાં જીવ સ્વસ્થ રહી શકે છે અને ક્ષમાદિ ભાવોથી યુક્ત રહીને સુખપૂર્વક સંસારઅવસ્થામાં પણ કાળ નિગમન કરી શકે છે તે મતિજ્ઞાનના ઉપયોગરૂપ જીવનું રાજ્ય કષાયોએ મહામોહને આપ્યું અને રાગાદિ સર્વ કષાયો તે જીવને મહામોહની સન્મુખ નચાવે છે અને પોતે ગીત તાળીઓ વગાડે છે તેથી એ પ્રાપ્ત થાય કે જીવના ચિત્ત ઉપર મહામોહનું અસ્તિત્વ છે અને મહામોહની સન્મુખ બઠરગુરુ જેવા મૂઢ જીવો સતત રાગાદિ ભાવોથી પ્રેરાઈને નૃત્ય કરે છે. વળી, રાગાદિ ભાવો પોતાના હર્ષની અભિવ્યક્તિરૂપે તે તે સ્વરૂપે સતત કલકલ કરતા હોય છે. જે ગીત અને તાલના અવાજ જેવા રાગાદિ તસ્કરોનો ખિલખિલાટ છે.
વળી, કથાનકમાં કહ્યું કે માહેશ્વરોએ તે સારગુરુને ચોરોને વશ થતા જોઈને તેને ઉચિત ઉપદેશ આપે છે અને કહે છે કે આ ચોરો છે છતાં તે સારગુરુ અર્થાત્ ગુણસંપત્તિરૂપ સારનો સ્વામી એવો શૈવાચાર્ય તે માહેશ્વરના વચનને સાંભળતો નથી. તેથી તેઓએ તેનું નામ સારગુરુ દૂર કરીને બઠરગુરુ સ્થાપન કર્યું. તેથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવ પરમાર્થથી સારભૂત ગુણોનો સ્વામી છે તેથી સુખરૂપ શિવનો આચાર્ય છે આમ છતાં જ્યારે તેઓને કષાયોની સંગતિ પ્રિય લાગે છે ત્યારે ભગવાનના શાસનને જાણનારા જે બોધ પામેલા જીવો છે તે માહેશ્વર જેવા છે અને તેઓ સંસારી જીવને ક્ષણે ક્ષણે વારણ કરે છે અને કહે છે કે આ કષાયો જ તમારા સુખને નાશ કરનારા છે, તમારી ઉપશમની સંપત્તિ જ સુખ છે. વળી, તમારી આત્માની સંપત્તિનું હરણ કરનારા દુષ્ટ એવા કષાયો છે માટે ભાવશત્રુઓ છે, આમ છતાં જે જીવોમાં ગાઢ કર્મોનો મહાઉન્માદ વર્તે છે તેઓ જૈનદર્શનને પામેલા મહાત્માઓના વચનને સાંભળીને પણ તેની અવગણના કરે છે અને માને છે કે આ કષાયોથી જ મને સર્વ પ્રકારનું સુખ પ્રાપ્ત થાય છે, કેમ કે બાહ્ય પદાર્થોમાં મને રાગ છે તેથી ધન-અર્જન આદિ કરીને હું સુખને અનુભવું છું. પ્રતિકૂળ વર્તનારા જીવો પ્રત્યે કોપ કરીને હું મારા ઇષ્ટકાર્યને સાધી શકું છું. તેવા મૂઢ જીવોને કષાયોના ઉપશમજન્ય ક્ષમાદિ ભાવોના સુખની ગંધ પણ જણાતી નથી. તેથી માહેશ્વર જેવા ઉપદેશકોના વચનની તેઓ અવગણના કરે છે તેથી સારગુરુ એવા તે સંસારી જીવને તેઓ બઠરગુરુ કહે છે અર્થાત્ તત્ત્વને જાણવામાં આ જીવ મૂઢ છે તેથી તેને બઠરગુરુ કહે છે.
વળી, તે જીવની તેવી સ્થિતિ જોઈને તે માહેશ્વરી તેના શિવમંદિરનો ત્યાગ કરે છે અર્થાત્ તેમને ઉપદેશ આપવાનો ત્યાગ કરે છે; કેમ કે તેનું શિવમંદિરરૂપ ચિત્ત રાગાદિ ચોરટાઓથી ઘેરાયેલું છે. વળી, તે બઠરગુરુ સુધાથી ક્ષીણ થયેલા શરીરવાળો હોવાથી ભોજનની યાચના કરે છે ત્યારે તે ચોરટાઓ તેને ઘડાનું ઠીકરું આપે છે. શરીર ઉપર મસીના છાપાઓ મારે છે અને ભિક્ષા લેવા માટે તેને ચાર ગતિઓમાં ભમાવે