________________
૧૬૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ તેટલા ભોગોની પ્રાપ્તિમાં પણ ભોગોનો અભિલાષ શાંત થતો નથી એ રૂપ જીવમાં શોષ ઉત્પન્ન થાય છે.
વળી, સંસારી જીવો માત્ર વર્તમાન જન્મ પૂરતા નથી પરંતુ શાશ્વત છે અને વિષમ એવો સંસારમાર્ગ છે; કેમ કે બુદ્ધિમાન પુરુષ ભાવચક્ષુથી તે સંસારનું પરિભ્રમણ અત્યંત વિષમ છે તેમ જોઈ શકે છે વળી સંસારી જીવો કર્મરૂપી ભાથું લઈને એક ભવમાંથી બીજા ભવમાં જાય છે અને અનેક પ્રકારના ખેદોને અનુભવે છે તેથી સતત સંસારી જીવો ખેદવાળા વર્તે છે. ફક્ત ક્વચિત્ બાહ્ય પુણ્યના ઉદયથી કંઈક અનુકૂળતા મળેલી હોય ત્યારે તેટલા પુણ્યકાળ સુધી બહારથી સ્વસ્થ દેખાય છે તોપણ તેઓનું સંસારનું પરિભ્રમણ સદા ખેદવાળું જ છે. જ્યારે સુસાધુઓ વિવેકરૂપી પર્વત ઉપર આરૂઢ થયેલા અને સતત આલ્લાદને કરનારા જૈનપુરમાં વસે છે. તેથી તેઓની વિવેકદૃષ્ટિ સ્પષ્ટ હોવાને કારણે દેહ આદિ સર્વથી ભિન્ન નિરાકુળ આત્મા એ જ હું છું એમ જોનારા છે તેથી દેહ આદિના સંબંધથી જે કષાયોની આકુળતા થાય છે તેને શાંત કરવા યત્ન કરે છે. વળી, તેઓનું ચિત્ત અત્યંત સમાધાન પામેલું છે કે દેહથી ભિન્ન નિરાકુળ મારો આત્મા જેમ જેમ નિઃસ્પૃહતા અધિક અધિક પ્રાપ્ત કરશે તેમ તેમ સર્વથા શાંત થયેલું ચિત્ત સુખનું કારણ થશે. તેથી તેવા સાધુ ક્વચિત્ વિહારાદિને કારણે શરીરના ખેડવાળા દેખાય તોપણ પરમાર્થથી કષાયો શાંત થયા હોવાને કારણે અને ચિત્તમાં ખેદ-ઉદ્વેગ આદિ ભાવો નહીં વર્તતા હોવાને કારણે પરમાર્થથી ખેદથી રહિત છે.
વળી, સંસારી જીવો કષાયોના તાપથી સંતપ્ત છે અને સાધુઓ સતત જિનવચનથી ભાવિત થઈને નિષ્કષાય થઈ રહ્યા છે તેથી અંતઃસ્તાપ વગરના છે.
વળી, સંસારી જીવો આત્માના વિકલ્પોને છોડીને સંસારમાં તે તે પદાર્થના પ્રાપ્તિના અને પ્રાપ્ત થયેલાના રક્ષણ આદિના કુવિકલ્પો કરે છે અને પોતાનો આત્મા સદા શાશ્વત છે તે રૂપ આસ્તિક્ય તેઓનું ગળી રહ્યું છે તેથી જ માત્ર વર્તમાન ભવની ચિંતા કરીને મૂઢની જેમ આગામી દુઃખની પરંપરાનું સર્જન કરે છે તે મિથ્યાત્વ કુષ્ઠ રોગ જેવું છે. જે સદ્ગતિઓ રૂપ નાસિકાઓનો વિનાશ કરે છે અર્થાત્ ગળતા કોઢ રોગવાળા જીવોની નાસિકા જેમ નાશ પામે છે તેમ સંસારી જીવોની પોતાના પારમાર્થિક સ્વરૂપને જોવાની જાણવાની સબુદ્ધિ નાશ પામી છે. વળી જેમ ગળતા કોઢવાળા જીવોની નાસિકા નષ્ટ હોય છે અને બેઠાબેઠા ઊંઘે છે અને ઘરઘર અવાજ કરે છે તેમ મિથ્યાદૃષ્ટિ જીવો તત્ત્વના પરમાર્થને જાણવા માટે કારણ બને તેવી સબુદ્ધિરૂપ નાસિકા વગરના છે અને તત્ત્વને જાણવા પ્રત્યે ગાઢ ઊંઘે છે. ક્વચિત્ તત્ત્વને સંભળાવનારા મહાત્મા મળે તોપણ ગાઢ ઊંઘવાને કારણે તેમના વચનના પરમાર્થને જાણવાની લેશ પણ જિજ્ઞાસા થતી નથી.
વળી, કુષ્ઠ રોગી જીવોના હાથ-પગ વગેરે ગળે છે તેમ સંસારી જીવો ભાવથી કુષ્ઠ રોગવાળા હોવાને કારણે તેઓમાં સુંદર અવયવ સ્વરૂપ જે શમ, સંવેગ, નિર્વેદ, કરુણા સ્વરૂપ જે ભાવો છે તે રૂપ હાથ-પગો સતત ગળે છે. આથી જ મિથ્યાદૃષ્ટિ જીવોમાં શમ-સંવેગ આદિ ભાવો તો નથી પરંતુ કંઈક પ્રગટી શકે તેવા મંદ સોપક્રમ કર્યો હોય તોપણ વિપર્યાસના બળથી તેની પ્રાપ્તિની સંભાવના પણ દૂર દૂરતર થાય છે. જ્યારે મુનિઓ મિથ્યાત્વરૂપ કુષ્ઠ રોગ વગરના હોવાથી તત્ત્વને જોવાની નિર્મળ બુદ્ધિવાળા હોય છે તેથી સતત પોતાના શમ, સંવેગરૂપ પરિણામોની વૃદ્ધિ કરે છે તેથી તેઓના આત્માના શમ-સંવેગ રૂપ હસ્ત-પાદ જેવા