Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
બઘુંટણે' તો નહીં હોય?” (પત્ર-૯૬) ' અર્થાતુ, પોતાનો વિષય ન હોય તો બારોબાર જાતે જ ફેરફાર કે નિર્ણય ન કરી લેતાં તેના અધિકારી જ્ઞાતાને પૂછવું અને તે કહે તે જ માન્ય રાખવું- આ જ છે પોતાની મર્યાદાનું ભાન અને સામાના જ્ઞાન પ્રત્યેનો આદર. આવાં તો આ પત્રાચારમાંથી અનેક ઉદાહરણો ટાંકી શકાય તેમ છે, જેને લીધે આ બેય સુજ્ઞજનોની ઊંચાઈનો આપણને અંદાજ મળી શકે છે.
ભજનો, ધોળ અને ગરબીની ચર્ચા, શોધખોળ, પાઠનિર્ણય અને તેનું તેની પરંપરાનું જતન તથા તે માટેનાં અનેક આયોજનો - આ મુદ્દે આરંભાયેલો આ પત્રવ્યવહાર, અનેકવિધ નાના મોટા મુકામોમાંથી પસાર થતો થતો, અબોલા રાણીની કથા, શાકુંતલ અને મૃચ્છકટિકના યૌગિક અર્થો સુધી લઈ જાય છે. આ મુકામોનું વૈવિધ્ય તો જુઓ ! એમાં શબ્દોનાં મૂળ અને કુળની, દેશ-વિદેશના વિદ્વાનોની અને તેમના સંશોધનકાર્યની, બૌદ્ધ સિદ્ધો, જૈન મુનિઓ તેમજ વિવિધ ધારાઓના સિદ્ધસાધકોની, તેમની સાધના અને રચનાઓની અને તેમનાં મૂળ શોધવાની, અને આવા આવા તો કેટકેટલા વિષયોની જિકર થઈ જોવા મળે છે !
બન્ને વિદ્વાનો, ક્યારેક કાવ્ય-શાસ્ત્ર-વિનોદ કરાવે છે; ક્યારેક મર્મભર્યાં હાસ્યની છોળો ઉછાળે છે; ક્યારેક “આત્મપુરાણવર્ણવે છે; ક્યારેક રસિકતાનીતરતી સૌંદર્યદૃષ્ટિનાં દર્શન કરાવે છે; ક્યારેક વળી સમાજ, શિક્ષણ, સાહિત્ય, રાજકારણ, ધર્મ વગેરે તમામ ક્ષેત્રોમાં આજે પ્રવર્તતી પ્રદૂષિત પરિસ્થિતિ પરત્વે વિષાદરંગી પણ નિદાન અને ઉપચાર સૂચવતી મર્મવેધી વિચારણા આપે છે; અને અધ્યાત્મના તથા સાહિત્યના ગહન પદાર્થોની તાત્ત્વિક ચર્ચા તો ઠેકઠેકાણે પથરાયેલી મળે છે.
એકબે મુદ્દા પ્રત્યે ધ્યાન ખેંચવું છે. પત્ર ક્ર. ૧૨૧માં મકરંદભાઈએ “બોદાનો નેસ' નામે જગ્યા છે એ બૌદ્ધોનો વિહાર હશે.” એમ લખ્યું છે. તે અંગે સ્પષ્ટતા કરું કે “બોદો' નામનો માણસ હતો, તેણે વસાવેલો કે તેના નામે વસેલો નેસ (થોડાં ખોરડાંવાળો કો) તે બોદાનો નેસ છે. તેને “બૌદ્ધ સાથે કશી નિસબત નથી.
બીજું, તે જ પત્રમાં તેમણે લોકોક્તિ ટાંકી છે : “ચાંચડ માકડ જૂને જતી, એને મારવામાં પાપ જ નથી.” આ પ્રકારની ઉક્તિઓ, કહેવતો કે રૂઢિપ્રયોગો, લગભગ દરેક ધર્મ-સંપ્રદાય અને તેના દેવ તથા સાધુઓ વિશે લોકપ્રવાહમાંથી સાંપડતી હોય છે. જેમકે “હસ્તિના તાદ્યમાનોડપિ, ન ગચ્છજ્જૈનમંદિર” એ પ્રસિદ્ધ ઉક્તિ જૈનોએ યાજ્ઞિક હિંસાનો નિષેધ કર્યો તેથી બ્રાહ્મણોએ પ્રચલિત કરી છે, ને તે ઘણી પુરાણી પણ છે.
19 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org