________________
આ સમયે પૂ. દાદા ભાવિ પેઢી માટે હસ્તપ્રતવિદ્યા વિશેની ઝીણી ઝીણી વાત સરળ શૈલીમાં લખવા માટેના મુદ્દાઓનાં શીર્ષકો જુદાં તારવી રહ્યા હતા. મને એ કાગળ આપ્યો અને આપેલી વિગતો પર એક નજર નાંખી જવા સૂચવ્યું. મેં કેટલાંક શીર્ષકો નીચે કઈ વિગતો જણાવવા માંગો છો તે પૂછ્યું. જવાબમાં એમણે મને પોતાની તૈયાર કરેલી સ્લીપો આપી, આ સ્લીપોના લખાણમાં એમણે હસ્તપ્રતવિદ્યાના પારિભાષિક શબ્દોની સમજ સરળ, લોકભોગ્ય ભાષામાં આપવાનો ઉપક્રમ રાખ્યો હતો. હું વાંચવા લાગી. મેં સૂચવ્યું કે આમાં કેટલીક વાક્યરચનાઓ અને થોડા શબ્દોમાં ફેરફાર કરીએ તો વધુ સરળ બને. તો કહે: આ સ્લીપ આખી ફરી લખી બતાવો, મેં તેમ કર્યું. એમને ગમ્યું. હવે એમણે આ બધી સ્લીપો મને સોંપી અને જણાવ્યું કે આ બધી જ નોંધોને તમે ફરી વાર તમારા શબ્દોમાં લખી આપો. જરૂર પડે તો આ પુસ્તક વાંચજો એમ જણાવી, મુનિશ્રી પુણ્યવિજયજીનું “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા' નામનું પુસ્તક આપ્યું.
આ કામ નિમિત્તે મારી પૂ. દાદા સાથેની મુલાકાતો વધતી ગઈ તેમજ મુલાકાત દરમિયાનના સાન્નિધ્યનો સમય પણ વધતો ગયો. જાણે-અજાણે ગુરુ-શિષ્યાના જ્ઞાન અને અનુભવોના નિચોડની આપ-લેનું એક અનુષ્ઠાનકહો કે જ્ઞાનસત્ર રચાવા લાગ્યું. આ અનુષ્ઠાનનો છૂટોછવાયો, તૂટક તૂટક છતાં એકધારો પ્રવાહ મારા જીવનનો એક મહામૂલો અવસર બનવા લાગ્યો. પારિભાષિક શબ્દના અર્થને કે અન્ય કોઈ નવા શબ્દને કે ઘટનાને સમજવા માટેનો નાનકડો પ્રશ્ન ખૂબ જ સહજ રીતે અનેક નવી ક્ષિતિજોને ઉઘાડ આપતો રહ્યો. મારે માટે તો જાણે માંગ્યું'તું ખોબો ભરીને અને મળી ગયો દરિયો :” જેવું થયું.
આ વેળાએ મને થયું કે આ સંવાદ સચવાઈ જવો જોઈએ. આવી મહામૂલી સંપત્તિ મારી એકલાની બને તે કેમ ચાલે ? આથી તા. ૮-૧૨૦૦૨ના રોજ મેં સંકલ્પ કર્યો કે નોંધ બને ત્યાં સુધી એ જ દિવસે રાત્રે વ્યવસ્થિત કરી લેવી.
પ્રસ્તુત નોંધમાં શ્રી પુણ્યવિજયજી માટે મહારાજજી અને મુનિશ્રી જિનવિજયજી માટે મુનિજી શબ્દો વપરાયા છે. પૂ. દાદા વાતચીતમાં આ રીતે આ બંનેનો ઉલ્લેખ કરતા હતા.
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org