________________
તા. ૩૧-૧૨-૨૦૦૩
આજે દાદાએ જૈન ગુર્જર કવિઓમાંથી કતિ કઈ રીતે ખોળવી તે બતાવ્યું અને એ ઉપરથી એમણે ફરી વાર શ્રી મોહનભાઈ દલીચંદ દેસાઈએ સોલિસિટરની પ્રેક્ટિસમાંથી વેકેશન હોય ત્યારે સમય કાઢી આ કામ કર્યું તેની વાત કરી. હસ્તપ્રતો જોતાં નોંધતાં. કાપલીઓ નોંધી હોય તેને મુંબઈ જઈને વ્યવસ્થિત કરે. એ જમાનામાં ભંડારોમાં કશી સગવડ તો મળે નહિ ! આમ આટલું મોટું કામ એકલે હાથે કર્યું છે.
પછી, શ્રી જયંતભાઈ કોઠારીએ સંશોધિત આવૃત્તિ તૈયાર કરી. એમાં ઉમેરણ એ છે કે જે કામ મોહનભાઈએ છાપવા આપેલું અને ત્યારબાદ જે મળેલું તે એના પછીના ભાગમાં નોંધતા, આ બધા ઉમેરાઓને જયંતભાઈએ સંશોધિત આવૃત્તિમાં સાથે લઈ લીધા છે અને અન્યભંડારોમાં ક્યાં ક્યાં આ કૃતિ છે તે ઉમેર્યું છે.
આમ છતાં, હજુ આનું કામ ફરી કરવા જેવું છે. દરેક ભંડારમાં તે કૃતિનો નંબર કયો છે તે જો નોંધાયું હોત તો સારું થાત. એ સિવાય પણ હજુ ઘણા સુધારા કરવાની જરૂર છે.
આટલું કહ્યા બાદ, મારી સામે જોઈને કહે : “બોલો, કરવું છે તમારે આ કામ ?'
કેટલૉગ જોતાં ય, તે તે કૃતિ તે તે ભંડારમાં મળશે એમ કહેવાય નહિ. એનું કારણ એ છે કે કેટલૉગ બન્યા બાદ તે ભંડાર બીજા ભંડાર સાથે ભળી ગયો હોય – merge થયો હોય અથવા તો અલગ ભંડાર તરીકે અસ્તિત્વમાં આવ્યો હોય ! ક્યારેક તે બીજે ચાલ્યો ગયો હોય એમ પણ બને.
આટલું કહ્યા બાદ દાદાએ કાળુશીની પોળના ભંડારની વાત કરી : ત્યાં ભંડાર હતો પણ પાછળથી તે ભંડાર બે સ્થળે ગયો : ૧ દેવસાને પાડે ૨ સંવેગી ઉપાશ્રયમાં. ટ્રસ્ટીઓના મતભેદના કારણે, જો મોટો ગ્રંથ હોય તો બન્ને ભંડારોએ અર્ધી અર્ધા કરીને વહોંચી લીધેલો. આ હકીકતની જો જાણ હોય તો એ વ્યક્તિ આ બે સ્થળે તપાસ કરે તો બાકી રહેલો અધૂરો ભાગ મળે ! ! !
ડહેલાના ઉપાશ્રયના ભંડારો માટે દાદાએ જણાવ્યું કે એમાં આજુબાજુના નાના નાના ભંડારો ભળ્યા છે – merge થયા છે.
જાન્યુઆરીથી ઑગસ્ટ મહિના સુધી હવે અમારી આ સ્વાધ્યાય-મુલાકાતોનો દોર બંધ થાય છે. તેના કારણમાં મારી તબિયત, મારો કપડવંજનિવાસ તથા લાંબા સમય માટે અમેરિકા દીકરાને મળવા ગઈ તે છે. વચ્ચે વચ્ચે હું જવા ઇચ્છું તે દિવસે દાદા આવ્યા ન હોય એવું બને. કામ કરવા માટે મારી પાસે શ્રી જ્ઞાનસાગર કૃત “શુકરાજરાસ” અને ઉદયવિજય કૃત “શ્રીપાલનૃપકથા' આ બે કૃતિઓ હતી. અમેરિકામાં ‘શુકરાજરાસ”નું કામ કર્યું. થોડું ‘શ્રીપાલનપકથા'નું કામ પણ શરૂ થયું. આ બધો સમય જ્ઞાન-ગોષ્ઠિ ખાસ થઈ નથી. દાદાને બોલવામાં તકલીફ પડે તેથી તેની કાળજી લેવાનો પણ ખ્યાલ. પણ.... અમેરિકાથી આવ્યા બાદ વળી પાછો, થોડોક સમય જ્ઞાન-ગોષ્ઠિ ચાલી છે. આવી થોડીક મુલાકાતની વાતો...
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org