________________
* શબ્દસમીપ •
રૂપકાદિ અલંકારોનો કવિએ લીધેલો આશ્રય એમની ક્ષમતાને પ્રગટ કરે છે. રોહિણીના રૂપવર્ણનમાં “ઉર્વશી પિણ નિ નિવ વસી રે” જેવા વ્યતિરેકયમકના સંકરાલંકારની હારમાળા યોજી છે અને પૌરાણિક હકીકતોને રોહિણીના
પ્રભાવના હેતુરૂપે કલ્પી છે. તે કવિની આ પ્રકારની વર્ણનક્ષમતાનું એક વિશિષ્ટ ઉદાહરણ છે. સમગ્ર રાસમાં શિષ્ટ પ્રૌઢ ભાષાછટાનું આકર્ષણ છે તો જુગુપ્સા અને તિરસ્કારના ભાવોને અનુરૂપ ભાષા પણ કવિ એટલી જ અસરકારકતાથી પ્રયોજી બતાવે છે. થોડીક સુંદર ધ્રુવાઓ અને ક્વચિત્ કરેલી ચાર પ્રાસની યોજના પણ કવિની કાવ્યશક્તિની ઘોતક છે.
‘જંબુસ્વામી રાસ'માં જંબૂકુમારની આઠ પટરાણીઓનો સંવાદ આલેખાયો છે. દરેક પટરાણી જંબૂકુમારને પૂછે અને જંબુકુમાર જુદી જુદી દૃષ્ટાંતકથાઓ સાથે એમને જવાબ આપે. પાંત્રીસ ઢાળ અને છસો આઠ કડીઓના દુહાદેશીબદ્ધ આ રાસમાં આવતાં રૂપક, ઉપમાવિલ અને લૌકિક દૃષ્ટાંતોથી કૃતિ કેટલેક અંશે રસાવહ બની છે.
‘રણસિંહ રાજર્ષિ રાસ’ એ ૩૮ ઢાળ ધરાવતો અગિયારસો કડીનો રાસ છે, તો ‘સુસઢ રાસ’માં કવિએ જયણાનું મહત્ત્વ ગાયું છે. ‘બારવ્રતગ્રહણ ટીપ રાસ'માં વ્રતનિયમોની યાદી અને સમજૂતી મળે છે. જ્યારે ‘સાધુવંદના રાસમાં ઋષભદેવના ગણધરોથી માંડીને પ્રાચીન સાધુજનોની નામાવલિ જૈન શાસ્ત્રગ્રંથોને આધારે આપવામાં આવી છે. અને કેટલેક સ્થળે નામોલ્લેખને બદલે ટૂંકું ચરિત્રસંકીર્તન કરવામાં આવ્યું છે. જ્ઞાનવિમલની કથાતત્ત્વવાળી બીજી પણ કેટલીક કૃતિઓ મળે છે. ‘સૂર્યાભ નાટકમાં સૂર્યભદેવે અપ્સરાઓની મદદથી મહાવીર સ્વામી સમક્ષ રજૂ કરેલ ભક્તિભાવપૂર્ણ સંગીત-નૃત્યનો પ્રસંગ ૭૩ કડીમાં વર્ણવાયો છે. જ્ઞાનવિમલના બે ‘તીર્થમાલાયાત્રા-સ્તવન' મળે છે. એકમાં સુરતથી મારવાડ સુધીની તીર્થયાત્રાનું આલેખન છે, તો બીજામાં વિજયસેનસૂરિની પ્રેરણાથી વજિયો અને રાજિયો એ બે શ્રેષ્ઠીઓએ કરેલા પ્રતિષ્ઠા-મહોત્સવનું વર્ણન છે. ‘કલ્પસૂત્ર વ્યાખ્યાન ભાસ'માં પર્યુષણ પર્વ પ્રસંગે વ્યાખ્યાનમાં વાંચવા માટેની ધર્મકથાઓ આપી છે.
જ્ઞાનવિમલે સ્તુતિ, સ્તવન, ચૈત્યવંદન, સજ્ઝાય આદિ પ્રકારની કૃતિઓ વિપુલ સંખ્યામાં રચેલી છે. એમણે સિદ્ધાચલના ૩૬૦૦ જેટલાં સ્તવન રચ્યાનું
. ૪૪.
જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન •
કહેવાય છે. કવિએ આબુ, તારંગા, રાણકપુર જેવાં તીર્થોનાં સ્તવનોમાં તીર્થવિષયક ઐતિહાસિક-ભૌગોલિક માહિતી ગ્રંથી છે. એમણે બે ચોવીસી, બે વીસી ઉપરાંત અનેક તીર્થંકર સ્તવનો લખ્યાં છે. ચોવીસીમાંની એક જ્ઞાનભક્તિયુક્ત છે અને ભાષા તથા અલંકારની પ્રૌઢિથી તેમ જ એમાં પ્રયુક્ત સુંદર ગેય દેશીઓથી ધ્યાન ખેંચે છે. જ્યારે બીજી ચોવીસીમાં તીર્થંકરોના પૂર્વભવોની માહિતી આપવામાં આવી છે. વિષયોની સાથે વિષયનિરૂપણનું વૈવિધ્ય પણ તેઓ ધરાવે છે.
આ સ્તવનોમાં ‘શાસ્વતી-જિનપ્રતિમા-સંખ્યામય-સ્તવન’, ‘સત્તરિસયજિનસ્તવન’ અને ‘અધ્યાત્મગર્ભિત-સાધારણ-જિન-સ્તવન' મુખ્ય છે. દેશીઓ તેમ જ તોટક આદિ છંદોવાળું, પાંચ ઢાળ અને ૮૧ કડીનું શાંતિનાથ જિનનું સ્તવન પણ નોંધપાત્ર ગણાય. એમણે હિંદીમાં ૨૯ કડીમાં ‘ચતુર્વિંશતિ જિનછંદ' જેવી તીર્થંકર સ્તવનની કૃતિ રચી છે. જ્ઞાનવિમલના વિપુલ સાહિત્યમાં ‘બાલવબોધ’નો પણ સમાવેશ થાય છે. એમણે અઢાર જેટલા ગદ્ય બાલવબોધો રચ્યા છે.
એંશી વર્ષના સાધુજીવન દરમિયાન, સાધુની અનેક મર્યાદાઓનું પાલન કરીને જ્ઞાનવિમલસૂરિએ આટલું વિપુલ સર્જન કઈ રીતે કર્યું હશે તેવો વિચાર સહજ રીતે જ આવે. માત્ર સંખ્યાની દૃષ્ટિએ જ નહીં, પરંતુ ગુણવત્તાની દૃષ્ટિએ પણ જ્ઞાનવિમલનું પ્રાન મધ્યકાલીન સાહિત્યમાં મહત્ત્વનું ગણાય.
.૪૫.