________________
જ્ઞાનોપાસક અને જીવનસાધક
પ્રજ્ઞાચક્ષુ પંડિત વર્ય શ્રી સુખલાલજી સંઘવીનું જીવન અને કાર્ય એટલે અંધપણાની લાચારી સામે પુરુષાર્થના, મુસીબતોની સામે આત્મવિશ્વાસના અને વિરોધના ઝંઝાવાતની સામે દૃઢ મનોબળના પ્રશાંત વિજયની અમર શૌર્યકથા.
એ મૂક વિજયનાં એમનાં અહિંસક અસ્ત્ર-શસ્ત્રો હતાં, સ્ફટિક સમું નિષ્કલંક શીલ; મર્મગ્રાહી, સર્વગ્રાહી અને સારગ્રાહી પ્રજ્ઞા; સત્યને જીવી જાણવાની સમર્પણભાવનો; કપરામાં કપરા સંજોગોમાં પણ દીનતાના ભોગ નહીં બનવાની અણનમ વૃત્તિ અને ગમે તેવી મોટી જવાબદારી કે આપત્તિ આવી પડે ત્યારે ય પલાયનપીછેહઠ કરવાને બદલે, એને વધાવી લેવાની આંતરિક અસીમ તાકાત.
પણ આવો વિજય મેળવવાની પાછળ અને આવાં અમોઘ અને અનોખાં અસ્ત્ર-શસ્ત્રોની સિદ્ધિ મેળવવા માટે એમણે જીવનભર સતત જાગૃતિપૂર્વક, કેવું કપરું, જ્ઞાનતા અને ચરિત્રતપ કર્યું હતું ! રણશૂરા યોદ્ધાની જેમ તેઓ, આ માટે , આજીવન ઝઝૂમતા જ રહ્યા હતા, અને પોતાની ૯૮ વર્ષ જેટલી સુવિસ્તૃત જિંદગીને કૃતાર્થતાનું અમૃતપાન કરાવીને મહાયાત્રાએ સંચરી ગયા !
0 રપ૯ ]
• જ્ઞાનોપાસક અને જીવનસાધક • એ મહાપુરુષની થોડીક જીવનકથા જાણીએ.
સૌરાષ્ટ્રના ઝાલાવાડ જિલ્લાનું નાનું સરખું લીમલી ગામ તેઓનું વતન. પિતાનું નામ સંઘજીભાઈ. જૈન કુટુંબમાં તા. ૮-૧૨-૧૮૮૦ના રોજ એમનો જન્મ.
કુમાર અવસ્થા પૂરી થઈ અને યૌવનનું પરોઢ ખીલવા લાગ્યું. સુખલાલે પોતાના ગામની નિશાળમાં સાત ધોરણનો અભ્યાસ પૂરો કર્યો અને ૧૪-૧૫ વર્ષની ઉંમરે વાણિયાનો દીકરો દુકાને બેસીને વેપાર-વણજમાં પોતાની અક્કલ અને હોશિયારીનો ઉપયોગ કરવા લાગ્યો. એના હાથમાં એવી યશરેખા અંકિત થયેલી હતી કે, એ જે કામ હાથ ધરે એમાં એના પાસા પોબાર થતા ! એમનું સગપણે પણ આ અરસામાં થઈ ગયું હતું. અને હવે તો લગ્નની વાતો પણ થવા લાગી હતી. ત્યારે ૧પ-૧૬ વર્ષની ઉંમર લગ્ન માટે પરિપક્વ વય લેખાતી.
પણ કુદરતનો સંકેત કંઈક જુદો જ હતો. આવો ખમીરદાર તેજસ્વી અને ચેતનવંત યુવાન એકાદ કુટુંબ, ગામ કે જિલ્લાનું ધન બની રહે એ જાણે કુદરતને મંજૂર ન હતું. સોળ વર્ષની ઉમરે સુખલાલને બળિયાનો ભયંકર ઉપદ્રવ થઈ આવ્યો. એ ઉપદ્રવ એમના માટે જીવલેણ તો ન બન્યો, પણ એણે એમની આંખોના પ્રકાશનો સદાને માટે ભોગ લઈ લીધો ! કુટુંબની બધી આશાઓ અસ્ત થઈ ગઈ અને એ સમયે તો સુખલાલને પણ પોતાનું જીવન હતાશ, લાચાર અને અંધકારઘેર્યું બની ગયેલું લાગ્યું.
આવી અસાધારણ આપત્તિ વખતે અંતર સાથે એકરૂપ બનેલ હીર સુખલાલની સહાયે આવ્યું અને થોડાક મહિનાઓમાં જ આ મહાન આઘાતની એમને કળા વળી ગઈ. અને એક મંગળ ચોઘડિયે સુખલાલે પોતાનું જીવન સર્વ કલ્યાણકારી માતા સરસ્વતીની ઉપાસના માટે સમર્પિત કરવાનો દઢ સંકલ્પ કર્યો. આ શુભ સંકલ્પનો જ એ પ્રતાપ હતો કે સુખલાલજી લીમલી, ઝાલાવાડ, સૌરાષ્ટ્ર, ગુજરાતના મટીને ભારતની એક વિરલ વિદ્યાવિભૂતિ તરીકેનું ગૌરવ પામ્યા, અને ભારતીય વિદ્યા અને ભારતીય દર્શનોની વિવિધ શાખાઓના નિપુણ અને અધિકૃત પંડિત તરીકે એમની ખ્યાતિ વિદેશમાં પણ વિસ્તરી.
આંખોનું તેજ ખોયા પછી સુખલાલે પોતાના ગામમાં આવતાં સાધુ-સંતો અને મહાસતીઓ પાસેથી ખૂબ ખંત, ઉત્સાહ અને રસપૂર્વક ધર્મશાસ્ત્રોની જાણકારી
] ૨૬૦ ]