________________
• શબ્દસમીપ
કામ. ક્યારેક વિદ્યાર્થી પ્રમાદવશ કામ ન કરતો હોય તો મીઠી ટકોર કરીને વિદ્યાર્થીને ફરી આગળ વધારતા. ગુજરાતના અનેક સંશોધકોને ભાયાણીસાહેબનું માર્ગદર્શન મળ્યું છે. એમના અવસાનથી ગુજરાતની સાહિત્ય-સંશોધન પ્રવૃત્તિને કળ ન વળે તેવો આંચકો લાગ્યો છે.
ગુજરાતના આ વિદ્યા-તપસ્વીએ અનેકવિધ વિદ્યાશાખાઓમાં સમૃદ્ધ પ્રદાન કર્યું છે. ભાષાવિજ્ઞાનનું ક્ષેત્ર હોય કે પ્રાકૃત-અપભ્રંશ સાહિત્ય હોય, વિવેચન હોય કે સંપાદન હોય, પણ જે વિષયમાં ભાયાણીસાહેબની પ્રતિભાનો સ્પર્શ થતો, ત્યાં ઊંડાણ અને ઉત્કૃષ્ટતા એકસાથે સંવાદ સાધતાં. મૂળ તેઓ સંસ્કૃતના વિદ્યાર્થી. સંસ્કૃતમાં અને અર્ધમાગધી વિષય સાથે એમ.એ. થયા હતા, પણ એમની વિદ્યાઓનો વ્યાપ સતત વધતો ગયો. પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓના તજ્જ્ઞ બન્યા. નવમી શતાબ્દિના કવિ સ્વયંભૂદેવ-રચિત અપભ્રંશ ભાષાના રામાયણવિષયક મહાકાવ્ય ‘પઉમચરિય' પર મહાનિબંધ લખીને ડૉક્ટરેટની પદવી મેળવી. એ પછી આ ક્ષેત્રનાં એમનાં સંપાદનો આંતરરાષ્ટ્રિય ખ્યાતિ તો પામ્યાં, કિંતુ તેથીય વિશેષ નવી દિશાદૃષ્ટિ આપવામાં સહાયક બન્યાં. ‘અપભ્રંશ વ્યાકરણ’, ‘વ્યુત્પત્તિ વિચાર' અને ‘થોડોક વ્યાકરણવિચાર' જેવા ગ્રંથોમાં ભાષાવિજ્ઞાની તરીકેની એમની પ્રતિભાનાં દર્શન થાય છે.
‘કમળના તંતુ’ કે ‘તરંગવતી' જેવી મધ્યકાલીન ગુજરાતી કૃતિઓનાં સંપાદનમાં એમનો સંશોધક તરીકેનો નવોન્મેષ પ્રગટ થાય છે. ગુજરાતી વિવેચનના ક્ષેત્રને અનેક પુસ્તકોથી એમણે સમૃદ્ધ કર્યું. પ્રાચીન સાહિત્યથી માંડીને આધુનિક સાહિત્યની છેલ્લામાં છેલ્લી ગતિવિધિ સાથે એમનો પરિચય હોય. એમની પ્રજ્ઞાનો આવો અખંડ વિસ્તાર જોઈએ ત્યારે આશ્ચર્ય થાય. પાશ્ચાત્ય વિવેચનના અદ્યતન પ્રવાહોનો ઊંડો અભ્યાસ ધરાવતા અને છેલ્લામાં છેલ્લા ઉપલબ્ધ ગ્રંથો કે લેખો વિશે લખતા રહેતા. અપભ્રંશના દુહાથી માંડીને પોસ્ટમોર્ડનિઝમ અને સ્ટ્રક્ચરાલિઝમ વિશે લેખો લખતા હોય. કઠિન વ્યાકરણગ્રંથોથી માંડીને શૃંગારરસિક મુક્તકોનો અનુવાદ પણ ભાયાણીસાહેબ પાસેથી મળ્યો છે. બૌદ્ધ જાતક કથાઓના અનુવાદનો ગ્રંથ ‘કમળના તંતુ' મળે છે. ભાયાણીસાહેબ જર્મન, મરાઠી, બંગાળી, તમિળ ભાષાઓ જાણતા હતા. પ્રારંભમાં તેઓ અંગ્રેજીમાં લખતા હતા. લોકસાહિત્યમાં પણ એમને ઊંડો રસ. ‘લોક્સાહિત્ય : સંપાદન અને સંશોધન'
-૨૭૯
• જીવનોપાસનાનું અમૃત •
નામના શાસ્ત્રીય પુસ્તકે લોકસાહિત્યના અભ્યાસીઓને નવી દિશા આપી છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ મુક્તકોના અમર સાહિત્ય વારસાને એમણે ‘ગાથામાધુરી’, ‘મુક્તકમાધુરી' જેવાં પુસ્તકોમાં સંગ્રહિત કર્યો છે.
૧૯૪૦માં ‘પ્રસ્થાન’માં એમનો પ્રથમ લેખ છપાયો ત્યારથી માંડી આ વર્ષના નવેમ્બર મહિના સુધી એમની વિદ્યાયાત્રા ચાલુ રહી. ગુજરાતીમાં લખીને માતૃભાષાને ન્યાલ કરી. ભાયાણીસાહેબ પાસે જેટલી ઊંડી સાહિત્યચર્ચા થઈ શકે એટલી જ સાહિજકતાથી તેમના જન્મસ્થળ મહુવાની, અપભ્રંશ ભાષાના દુહાની કે એ પછી પ્રાકૃત-સંસ્કૃત મુક્તકોની ચર્ચા થઈ શકે.
આવા ભાયાણીસાહેબને રણજિતરામ સુવર્ણચંદ્રક, દિલ્હીનો સાહિત્ય અકાદમીનો એવૉર્ડ, પ્રેમાનંદ સાહિત્યસભાનો ચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમીનો એવૉર્ડ વગેરે અનેક એવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા. જોકે હકીકતમાં તો ભાયાણીસાહેબને મળેલા એવૉર્ડથી વાસ્તવમાં એવૉર્ડને સન્માન હાંસલ થયું છે !
પ્રકાંડ પાંડિત્ય હોવા છતાં પંડિતાઈનો લેશમાત્ર ભાર નહીં. કોઈપણ
વિષય કે ગ્રંથ પરત્વે ગહન વિચાર કરનારા એમના ચહેરા પર સદાય ગુલાબી હાસ્ય ફરકતું હોય ! આ સરસ્વતીપુત્રનો વિદ્યાપ્રેમ એટલો કે કોઈ વિદ્યાર્થી માર્ગદર્શન માટે આવે તો પોતાને ગમે તેવું જરૂરી કામ બાજુએ મૂકીને એને ભણાવવા લાગી જાય. નાનકડી જિજ્ઞાસા લઈને જનાર નવાસવા વિદ્યાર્થીને એ પ્રેમથી આવકાર આપતા, પાસે બેસાડતા. એમનાં પત્ની ચંદ્રકલાબહેન એમનું આતિથ્ય કરતા અને પુસ્તકોની દુનિયા વચ્ચે બેઠેલા ભાયાણીસાહેબ એના મુદ્દાને પકડીને સાંગોપાંગ ચર્ચા કરતા.
રાત-દિવસ એમને સતત એક જ ચિંતા ઘેરાયેલી રહેતી કે આપણા ભાષા-વારસાનું શું થશે ? આ હસ્તપ્રતોનાં જ્ઞાનનું શું થશે ? પ્રાચીનની ઉપેક્ષા અને સંશોધનના ખંતનો અભાવ એમને કોરી રહેતો હતો. એમની આ વેદના જ્યારે પ્રગટ થતી, ત્યારે ભાયાણીસાહેબના અવાજમાં જુદો રણકો સંભળાતો. એમની નિખાલસ વેદના હૃદયને તત્કાળ સ્પર્શી જતી.
પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યના વિજ્ઞાન અને પ્રકાંડ પંડિત ભાયાણીસાહેબની વિદાય પછી આજે ભાષા-સાહિત્ય અને સંશોધનના ક્ષેત્રને આવરી લે તેવી
.૨૮૦૩