________________
પરમતત્ત્વની સમીપે
‘નિદ્રાનો સાચો કીમિયો શોધી રહ્યો છું હું, આ શું કે રોજ સુઈને હરરોજ જાગવું ?”
હરીન્દ્રભાઈની પોતાના પ્રિય વિષય મૃત્યુ પરની આ સૌથી વધુ પ્રિય પંક્તિઓ ‘હરરોજ જાગવાની' પળોજણમાંથી એમણે મેળવેલી મુક્તિ સમયે સ્મરણપટ પર તરવરે છે. જીવન અને ધર્મનું સાચું રહસ્ય કે પરમતત્ત્વની ગહનતા મૃત્યુની ઓળખથી હસ્તગત થાય છે અને એ મૃત્યુની ખોજ તે હરીન્દ્રભાઈની સતત શોધનો વિષય બની રહ્યો. તેઓ વારંવાર ઇચ્છતા અને કહેતા પણ ખરા કે મારા હાથમાં નથી એવા મૃત્યુનો અનુભવ કરવા માટે હું તલસું છું. અંતિમ બે મહિનાના વ્યાધિગ્રસ્ત કાળમાં વખતોવખત આ અનુભવની સાવ સમીપ આવીને ઊભેલા આ સર્જક હાથથી કલમ પકડીને લખી શકે તેમ નહોતા, પરંતુ જીવલેણે માંદગીના બિછાનામાંથી સરી પડેલા મૃત્યુના મર્માળા અનુભવને સાંભળીને સ્નેહીજનોએ એમની સૂચનાને કારણે શબ્દબદ્ધ કરવા કોશિશ કરી.
મૃત્યુ પ્રત્યે આગવો અનુરાગ ધરાવતા હરીન્દ્રભાઈએ સંસ્કૃતિમાં ‘સર્જકની કેફિયત' વિશે અંતિમ શબ્દો લખ્યા
• પરમતત્ત્વની સમીપે • “આ ક્ષણે પણ મને પ્રફુલ્લિત, પ્રસન્ન જિંદગી અને પ્રસન્ન મૃત્યુની વચ્ચેથી પસંદગી કરવાની આવે તો હું પ્રસન્ન મૃત્યુ પસંદ કરું.”
કવિના આ શબ્દો એમની આંતરપ્રતીતિમાંથી નીકળ્યા હતા. કારણ કે આંતરડાંના કૅન્સરના ઑપરેશન પછી પણ મૃત્યુની તમામ શક્યતા જોઈ હરીન્દ્રભાઈ ભારે સ્વસ્થતાથી પોતાના રોગની ચિકિત્સાની અને ભાવિ ભયની વાત કરતા હતા, કેન્સરનું નામ પડતાં માનવી મૂંઝાઈ જાય ત્યારે તેઓ ઑપરેશન પછી આ કેન્સર ફેલાય તો શું થઈ શકે તેનો નિરાંતે ‘ખ્યાલ’ આપતા હતા ! એમના ચહેરા પરથી જીવનભર જે એકધારી પ્રસન્નતા પ્રગટ થતી હતી, એ જ પ્રસન્નતા મૃત્યુની લગોલગ બેઠા હતા ત્યારે પણ એટલા જ માધુર્ય સાથે પમાતી હતી. ક્યારેક કહેતા કે, “રાત્રે આંખ મીંચું અને સવારે જાગું નહીં એવી મધુર કલ્પના મને થાય છે.”
કવિની કલ્પના ભલે સાકાર થઈ, પરંતુ ગુજરાતે એક મુઠ્ઠી ઊંચેરો માનવી, સત્યનિષ્ઠ સાહિત્યકાર અને નિર્ભીક પત્રકાર ગુમાવ્યો છે. સાચદિલ માનવતાનો દુષ્કાળ, અનુભવવિમુખ અને માધ્યમોથી ક્ષીણ થતું સાહિત્ય તેમજ પ્રશંસા અને પ્રચારથી ઘેરાયેલું પત્રકારત્વ – આ બધાં વચ્ચે સૌમ્ય વીરતાથી ઝઝૂમતો દીવો ઓલવાયો છે !
હરીન્દ્રભાઈ અવારનવાર દેશના અગ્રણી રાજપુરુષોને મળતા, દેશના વરિષ્ઠ પત્રકારોની પંગતમાં બેસતા, સાહિત્યની સભામાં સર્જકતાનાં સ્પંદનો અને અવાજમાધુર્યથી ડોલાયમાન કરતા, એ જ હરીન્દ્રભાઈ પોતાના સામાન્યમાં સામાન્ય દોસ્તને મળવાનું પણ ચૂકતા નહીં. અમદાવાદ આવે ત્યારે ગમે ત્યાંથી સમય કાઢીને એ પોતાના મિત્રને મળવા જાય, કુટુંબીજનો સાથે સ્નેહથી વાતચીત કરે. પ્રમાણમાં સામાન્ય સ્થિતિ ધરાવતા મિત્રનું ભાડાનું ઘર ખાલી કરાવવા માટે કેટલાકે બળનો આશરો લીધેલો તો હરીન્દ્રભાઈ તેને માટે ઘા ખાવા પણ તૈયાર રહ્યા. બહુ ઓછા સર્જકોમાં જે ઝિંદાદિલી જોવા મળે છે તે ઝિંદાદિલી હરીન્દ્રભાઈમાં હતી.
‘મારી કવિતાથી માંડીને કૃષ્ણ : આજના સંદર્ભમાં’ કે ‘ભગવાન મહાવીર” પર ભાષણ આપવાનું હોય તો તે માટે ખૂબ પૂર્વતૈયારી કરે. કેટલાંય પુસ્તકો વાંચે. જુદી જુદી નોંધ તૈયાર કરે અને પછી પૂરી તૈયારી સાથે અને છતાં
0 ૨૮૯ ]
0 ર૯૦ ]