Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 146
________________ શબ્દસમીપ • પ્રતિભા દેખાતી નથી. વિદ્યાક્ષેત્રે રાંક ગુજરાત એમની વિદાયથી રંક બની ગયું. અભ્યાસીઓ અને વિદ્વાનો સાથે ચર્ચા ચાલતી હોય ત્યારે ભાયાણીસાહેબ એકાએક ઊભા થઈને એ વિષયમાં પ્રગટ થયેલું કોઈ વિશિષ્ટ કે અદ્યતન પુસ્તક લઈ આવે. એનાં પૃષ્ઠો ખોલીને એમાંથી સમજાવે. વળી એ સંશોધકને ઉપયોગી હોય તો જરૂરી લાગતી ઝેરોક્ષ પણ તેમણે કરાવી રાખી હોય. આવો હતો એમનો વિદ્યાપ્રેમ. લંડન કે પેરિસની યુનિવર્સિટીમાં તમે ભારતીય ભાષાના અભ્યાસીને મળવા જાવ તો તેઓ ગુજરાતમાં વસતી બે વ્યક્તિની પૃચ્છા કરે. એક તે શ્રી દલસુખભાઈ માલવણિયા અને બીજા શ્રી હરિવલ્લભ ભાયાણી. લંડનમાં તમે વિદ્વાન પ્રા. રાઇટને મળતા હો અથવા પૅરિસમાં ડૉ. માદામ કાયા કે ડૉ. નલિની બલબીરને મળતા હો તો એ બધા પોતાના હૃદયમાં સ્થાપેલા ગુરુ સમ ભાયાણીસાહેબનું સ્મરણ કરે. એમનું પ્રદાન આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યું હતું. લંડનની યુનિવર્સિટીની ‘સ્કૂલ ઑફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડિઝ' તરફથી તેમને માનાઈ એવા ફેલોપદથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભાયાણીસાહેબ પાસે એવું હૃદયવિજયી હાસ્ય હતું. એમનું ખડખડાટ હાસ્ય વાતાવરણમાં ગુંજતું રહેતું. ક્યારેક એટલું બધું હસે કે એમનો ચહેરો લાલઘૂમ બની જતો, પણ આ હાસ્યરસાયણથી ભાયાણીસાહેબ સહુના પ્રિય બનતા. એ હાસ્યને કારણે કોઈ સમર્થ વિદ્વાનને મળી રહ્યાનો સામી વ્યક્તિનો ભય કે ડર જતો. આ મહાન ભાષાવિદને સતત એવી ઇચ્છા રહેતી કે ગુજરાતમાં પ્રાકૃતઅપભ્રંશ ભાષાની અકાદમી સ્થપાય. ગુજરાતી ભાષા જેમાંથી ઊતરી આવી તેવી આ બે ભાષાઓની ઘણી સાહિત્યિક સમૃદ્ધિ ઉપેક્ષિત રહી છે. એમાંય અપભ્રંશ ભાષાનો અભ્યાસ ગુજરાતમાં અવશ્ય થવો જ જોઈએ. આને માટે એમણે પ્રયાસ પણ કર્યા હતા. પરંતુ અવિદ્યાના અરણ્યમાં વિદ્યાની આવી સૂકમ પણ મહત્ત્વની વાત ક્યાંથી સંભળાય ? વિદ્યાર્થી જુએ એટલે ભાયાણીસાહેબને વહાલ ફૂટે. તેઓ એના અભ્યાસની 0 ૨૮૧ ] • જીવનોપાસનાનું અમૃત • ચિંતા કરે. વિદ્યાભ્યાસ વધારવામાં આર્થિક મુંઝવણ હોય તો એને માટે આર્થિક વ્યવસ્થા પણ કરી આપે. પરિણામે આ વિદ્યાપુરુષે વિદ્યાના કેટલાય દીવડાઓમાં તેલ સીંચ્યું છે. એમની આ વિદ્યોપાસનાને કારણે તેઓનો વિદ્વાન જૈન આચાર્યો સાથે ગાઢ સંપર્ક રહેતો. જૈન આચાર્યો પણ આવા જ્ઞાની પુરુષ સાથે જ્ઞાનચર્ચા કરતા. કેટલાક જૈન આચાર્યો સાથે તો એમને હૃદયનો સંબંધ. આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરીશ્વરજી અને આ. શ્રી વિજયશીલચંદ્રસૂરીશ્વરજી સાથે તેઓની વિદ્યાકીય પ્રવૃત્તિઓ ચાલતી જ હોય. ‘અનુસંધાન' નામનું સંશોધનલેખો ધરાવતું એક ઉત્કૃષ્ટ ત્રમાસિક આ. શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી સાથે રહીને સંપાદિત કરતા હતા અને ગુજરાતમાં શાસ્ત્રીય સંશોધનોને પ્રકાશમાં લાવતા હતા. કોઈનો પત્ર આવે તો એને તરત પોસ્ટકાર્ડથી પ્રત્યુત્તર પાઠવે. વળી એક પોસ્ટકાર્ડમાં વાત અધૂરી રહે તો એ અનુસંધાનમાં બીજું પોસ્ટકાર્ડ અને જરૂર હોય તો ત્રીજું પોસ્ટકાર્ડ પણ લખે. ‘એમનું ઘર એટલે અભ્યાસીઓનું તીર્થ.” ‘એક જ ક્ષણે એ ગુરુ અને ગુણામ્ ગુરુ હોઈ શકે છે.’ એમનામાં વિદ્વત્તાની ભારોભાર સૌજન્ય હતું. જીવનના અંત સુધી એ કાર્યરત રહ્યા. છેલ્લે મુંબઈની નાણાવટી હૉસ્પિટલના બિછાનેથી પણ લખતા હતા ! ‘વાગ્યાપાર’, ‘શોધ અને સ્વાધ્યાય’, ‘શબ્દકથા', ‘અનુશીલનો’, ‘કાવ્યમાં શબ્દ', ‘વ્યુત્પત્તિવિચાર’, ‘રચના અને સંરચના' જેવા વિદ્વત્તાસભર ગ્રંથોના સંશોધક તરીકે સ્મરણીય રહેશે. એમની છ દાયકાની વિદ્યાયાત્રાનો વિરામ એ વિઘાપ્રવૃત્તિઓના ભાવિ સામે પ્રશ્નાર્થરૂપ બની જશે તો ? તે ૨૮૨ 2

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152