Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 142
________________ • * શબ્દસમીપ છતાં, આર્થિક દૃષ્ટિએ તો, દલસુખભાઈને માટે એ એક સાહસ જ હતું. પંડિત સુખલાલજીની માનવીને અને ખાસ કરીને વિદ્યાસાધકને પારખવાની કસોટી બહુ આકરી હતીઃ પૂર્વગ્રહ, કદાગ્રહ, સાંપ્રદાયિક કટ્ટરતા, પાંથિક અંધશ્રદ્ધા કે બુદ્ધિની સંકુચિતતાથી જેનું મન ઘેરાયેલું હોય, એ તો એમની પાસે ટકી જ ન શકે. એમની પાસે રહેનારે તો કેવળ નિર્ભેળ સત્યના શોધક અને ખપી થઈને, કટુ કે અણગમતા સત્યનો સ્વીકાર કરવા અને પોતાના મનમાં પવિત્રરૂપે વસી ગયેલી માન્યતા પણ, જો એ નિરાધાર હોય તો, એનો ત્યાગ કરવા તૈયાર રહેવું જોઈએ. શાસ્ત્રોના અભ્યાસ પાછળ પણ જુનવાણીપણાના સમર્થનની નહીં, પણ સત્યની શોધની જ દૃષ્ટિ હોવી જોઈએ. પંડિત દલસુખભાઈ પંડિત સુખલાલજીની એ કસોટીમાં સોએ સો ટકા પાર ઊતર્યા. પછી તો યોગ્ય ગુરુને યોગ્ય શિષ્ય મળે એના જેવો બીજો કોઈ લાભ નથી હોતો. તરત જ પંડિતજીની અમીદ્રષ્ટિ દલસુખભાઈ ઉપર વરસવા લાગી. તેઓ પંડિતજીના શિષ્ય ઉપરાંત મિત્ર અને સાથી પણ બની ગયા. પિતાપુત્રની જેમ બન્ને સ્નેહતંતુએ બંધાઈને એકરસ બની ગયા ! પંડિત સુખલાલજી ભારતીય તત્ત્વજ્ઞાનની ચાવીરૂપ કેટલાક ગ્રંથો દલસુખભાઈને ભણાવ્યા. શરૂઆતમાં તો ઘરઆંગણે પંડિતજીના વાચક તરીકે કામ કરવાની સાથે સાથે તેઓ અધ્યયન પણ કરતા રહ્યા. તેમ જ પંડિતના વર્ગોનો લાભ પણ લેતા રહ્યા. પણ પછી તો, દલસુખભાઈની યોગ્યતા જોઈને, પંડિતજી એમને પોતાની વર્ગો લેવાની કામગીરી સોંપતા ગયા તેમ જ પોતાના ગ્રંથ-સંશોધનના કામમાં પણ એમનો ઉપયોગ કરવા લાગ્યા. પંડિત સુખલાલજી પોતાની જાત પૂરતા તો ભારે કરકસરથી કામ લેવા ટેવાયા હતા, પણ પોતાના સાથીને કોઈ જાતની મુશ્કેલી ન પડે એ માટે તેઓ પૂરેપૂરા ઉદાર હતા. દલસુખભાઈની અર્થચિંતા એ એમની પોતાની ચિંતા બની ગઈ. બનારસ ગયા પછી થોડા જ વખતે, એ જ વર્ષની ઉનાળાની રજાઓમાં ‘પ્રમાણમીમાંસા’ના સંશોધન માટે પંડિતજીને પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી તથા પૂજ્ય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી પાસે પાટણ જવાનું થયું. દલસુખભાઈ એમની સાથે જ હતા. સમતા અને જ્ઞાનના સાગર સમા આ મુનિમહારાજો સાથે શ્રી દલસુખભાઈને નવો પરિચય થયો, જે કાયમને માટે મોટો લાભકારક બની રહ્યો. જૈન ચેરના અધ્યાપક તરીકે પંડિત સુખલાલજીને યુનિવર્સિટી તરફથી માસિક Q ૨૭૩] • * વિરલ વિદ્યાપુરુષ * દોઢસો રૂપિયાનો પગાર મળતો. બીજા પ્રોફેસરોની સરખામણીમાં તો આ વેતન ઘણું ઓછું હતું જ. સાથે સાથે, પંડિતજીને કાયમને માટે એક વાચક રાખવાનું ખર્ચ પણ કરવું પડતું હતું, એટલે, જરૂરિયાતની દૃષ્ટિએ પણ, દોઢસો રૂપિયા જેટલી રકમ ઓછી પડે એવી હતી તેથી કૉન્ફરન્સના શાણા સંચાલકોએ, દર મહિને, બીજા દોઢસો રૂપિયા ખાનગી રીતે પંડિતજીને આપવાનું નક્કી કર્યું. પંડિતજીએ થોડાક મહિના તો આ રકમ લીધી. પણ પછી, તેઓ ઓછામાં ઓછી જરૂરિયાતથી નિર્વાહ કરવાને ટેવાયેલ હોવાથી, એમને લાગ્યું કે એ રકમ વગર પણ કામ ઠીક રીતે ચાલી શકે એમ છે, એટલે એમણે એ રકમ લેવી બંધ કરી. પંડિતજીની આવી નિર્લોભવૃત્તિથી દલસુખભાઈ ખૂબ પ્રભાવિત થયા – જાણે જીવનનો એક બહુમૂલો પાઠ મળ્યો. બનારસમાં પંડિત દલસુખભાઈએ પંડિતજીની ગ્રંથસંશોધનમાં અસાધારણ સહાય કરી, તેમજ સ્વતંત્ર ગ્રંથસંપાદન પણ કર્યું. ઉચ્ચ કોટીના વિદ્વાનોનો પણ એમને સંસર્ગ થયો. આ રીતે વિદ્યાવૃદ્ધિમાં આગળ વધતાં વધતાં, સને ૧૯૪૪માં, પંડિતજી નિવૃત્ત થયા ત્યારે, એમને સ્થાને દલસુખભાઈ જૈન ચેરના પ્રોફેસર બન્યા. તે વખતના ઉપકુલપતિ ડૉ. રાધાકૃષ્ણને દલસુખભાઈ જેવા યુવાન વિદ્વાનને સહર્ષ વધાવી લીધા. અધ્યાપક તરીકે તેઓ વિદ્યાર્થીઓ અને સંશોધક તરીકે વિદ્વાનોમાં ખૂબ પ્રીતિપાત્ર બન્યા હતા. જાપાનના પ્રોફેસર અને બર્માના બૌદ્ધ ભિક્ષુઓ પણ એમની વિદ્વત્તાનો લાભ લેવા આવતા, એટલું જ નહીં, એમના સૌજન્યસભર તલસ્પર્શી પાંડિત્યે વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને અધિકારવૃદ્ધોને પણ એક પ્રકારનું કામણ કર્યું હતું. એ સૌ એમની પાસે વિના સંકોચે આવતા અને સંતોષ પામીને જતા. વિદ્યાવૃદ્ધિ માટે, દલસુખભાઈને તો નાના બાળક પાસે જવામાં પણ સંકોચ ન હતો. અને હવે તો માતા સરસ્વતીના આ લાડકવાયા ઉપર લક્ષ્મીદેવી પણ કૃપા વરસાવવા લાગ્યાં હતાં. અને છતાં દલસુખભાઈનું જીવન તો એવું જ કરકસરભર્યું, સરળ અને સાદું હતું – રત્નાકર સાગર ક્યારેય ન છલકાય! શ્રી દલસુખભાઈ બનારસમાં હતા તે દરમ્યાન, પૂજ્ય પુણ્યવિજયજી મહારાજની ભલામણ અને રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રબાબુના પ્રયાસથી ઈ. સ. ૧૯૫૨માં, પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીની દિલ્હીમાં સ્થાપના થઈ હતી. બીજી બાજુ આગમપ્રભાકર . ૨૭૪.

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152