________________
૨૫
લીલીછમ કાળો
વર્ષો વીત્યા છતાં કિશોરવયે માણેલી એ ડાયરાની ક્ષણો ચિત્તમાં આજે ય એટલી જ જીવંત અને લીલીછમ છે. અમદાવાદના પાનકોર નાકા પાસે ‘શારદા મુદ્રણાલય'માં આ ડાયરો યોજાતો. એમાં ‘ધૂમકેતુ’નો વિનોદ સાંભળવા મળે, ગુણવંતરાય આચાર્ય વિપુલ અનુભવનિધિમાંથી જાતજાતની રોમાંચપૂર્ણ કથાઓ મલાવીને કહેતા હોય. ‘જયભિખ્ખુ’ ગ્વાલિયર પાસેના શિવપુરીનાં જંગલોમાં વિતાવેલા પૂર્વજીવનની ઘટના વર્ણવતા હોય. ચિત્રકાર કનુ દેસાઈ ચલચિત્ર જગતની કોઈ પ્રેરક, રસભરી વાત કરતા હોય. ડૉ. ધીરુભાઈ ઠાકર સાહિત્યની કોઈ ઘટના કે વાત વર્ણવતા હોય. મનુભાઈ જોધાણી અને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના ગોવિંદભાઈ અને શંભુભાઈની સૌમ્ય, વિદ્યાપ્રિય ઉપસ્થિતિ હોય. ડાયરાનું સંચાલન ‘જયભિખ્ખુ' કરે. આ ડાયરામાં આવવાનો સહુ કોઈને અધિકાર ચંદ્રવિલાસનો નાસ્તો આવે અને સાથે ચા-ઉકાળો ‘મિક્સ’ બધાને પીવા મળે.
આ ડાયરામાં બે બાબત સાવ નોખી તરી આવે. અહીં સહુ પોતપોતાની વાત કરે, પણ અન્યની કશી ટીકા-ટિપ્પણ નહીં. સાહિત્ય વિશે મોકળે મને વાત થાય, D ૨૬૫ D
• લીલીછમ ક્ષણો
પણ સર્જકો પ્રત્યેના રાગદ્વેષને કોઈ સ્થાન નહીં. બીજી બાબત એ કે સહજભાવે એકબીજાને મદદ કરે કે હૂંફ આપે, પણ એકત્રિત થઈને કોઈ સાહિત્યિક જૂથ ઊભું કરવાનો આશય નહીં. નિર્વ્યાજ સ્નેહથી મન ભરીને મળવું અને ભિન્ન ભિન્ન વાતો એ જ મુખ્ય ઉદ્દેશ.
ડાયરામાં બેઠેલા ગુણવંતરાય આચાર્યની છબી જોવા જેવી. ચાનો બીજો કે ત્રીજો કપ પીતા હોય, કહે કે તમારે ચા કપમાં જોઈએ, મારે તપેલામાં જોઈએ. બીડીનો સટ લગાવતા હોય અને એમના વિપુલ અનુભવ-ભંડારમાંથી એક-એક કથા નીકળતી હોય. એ ઇતિહાસકથા હોય, રજવાડાનું કોઈ દૃષ્ટાંત હોય કે દરિયામાં દોટ મૂકનારની સાહસગાથા હોય. એમનો પડછંદ દેહ જુદો તરી આવે અને જુસ્સાદાર અવાજ ડાયરા પર છવાઈ જતો. લાંબી લાંબી આંગળીઓ પર વીંટી ચમકતી હોય. વાત જમાવે ત્યારે ચૂટકી બજાવતા જાય. આવા ગુણવંતરાય આચાર્યે કેટલાય જીવનસંઘર્ષો ઝીલ્યા, પરંતુ આ અલગારી સર્જકોને
જીવનસંઘર્ષોનો કશો થાક કે આર્થિક ચિંતાનો કશો બોજ જણાતો નહીં. સાહિત્યરસિકો પાસેથી સાંપડતી અપાર ચાહનાના ગળાડૂબ આનંદસુખમાં મગ્ન રહેતા અને લેખનના ધોધની મસ્તીમાં વ્યવહાર-જીવનનાં દુઃખો કદી અવરોધરૂપ બનતા નહીં. હકીકતમાં એ મર્દની જેમ જીવતા અને જીવનની એ મર્દાનગીમાં ભળતો ઉત્સાહ અનેરા રંગે એમનાં સર્જનોમાં ધબકાર લેતો.
ગરીબી અને દરિદ્રતા વચ્ચે મોટો ભેદ છે. આ સર્જકો સહેજે દરિદ્ર નહોતા. માન, સન્માનનો કોઈ અભરખો એમને સ્પર્શતો નહીં. નિજાનંદમાં મસ્ત રહેવું એ જ જીવન. દરિયામાં સાહસ કરનારને જેમ સાગર-સાહસો દુઃખમય લાગતા નથી, તેમ મસ્ત અને અલગારી સર્જક ગુણવંતરાય આચાર્યને જોતાં કે સાંભળતાં કોઈ દુઃખી કે ચિંતાગ્રસ્ત વ્યક્તિનો નહીં, બલ્કે કોઈ જિંદાદિલ સર્જકનો સતત અનુભવ થતો.
આવા નિજાનંદમાં મસ્ત ગુણવંતરાય આચાર્યનો જન્મ સોરઠ પ્રાંતના જેતલસર(કૅમ્પ)માં ઈ. સ. ૧૯૦૦ના સપ્ટેમ્બર માસની નવમી તારીખે થયો હતો. તેમના માતાનું નામ જમનાબાઈ હતું. તેઓ વડનગરા નાગર હતા. તેમના પિતા પોપટભાઈ આચાર્યે ઘણી ગરીબ સ્થિતિમાંથી સ્વાશ્રયે અભ્યાસ કરીને રસોઇયાની નોકરી કરતાં-કરતાં વકીલાતની પરીક્ષા પસાર કરી હતી.
-૨૧૬]