________________
• શબ્દસમીપ • આત્મચરિત્રમાં એમનું વ્યક્તિત્વ અને એમનું પ્રવાસવિશ્વ બંને તાણાવાણા પેઠે ગૂંથાયેલાં છે, આથી પ્રવાસની વાત કરતાં એમનું વ્યક્તિત્વ પ્રગટે છે અને એમનું વ્યક્તિત્વ આગવું પ્રવાસવિશ્વ રચે છે.
જીવનનો કયો ઘાટ નારાયણ હેમચંદ્રએ જોયેલો છે ? આત્મચરિત્રકાર એક ઘાટ રચી આપે છે. જીવનના અનુભવો, પ્રવાસમાંથી મળેલું ભાથું, ઈશ્વરશ્રદ્ધા અને વાચનના સંસ્કારોને પરિણામે એમણે પોતાના જીવનને આગવો ઘાટ આપ્યો છે. આ એવું જીવન છે કે જે પોતાની ધૂનને સિદ્ધ કરવા માટે સતત યત્નશીલ છે. એવું જીવન છે કે જે પ્રવર્તમાન સામાજિક, ધાર્મિક, રાજકીય પરિસ્થિતિને પોતાની રીતે મૂલવે છે અને જરૂર લાગે ત્યારે નિર્ભીક બનીને પ્રહાર કરે છે. પોતાના જીવનમાં કટોકટીની ક્ષણે થયેલા બચાવની અને મોટા માણસોની વિદ્વત્તાની વાત પણ કરે છે. નારાયણ હેમચંદ્રના આ અભિપ્રાયો એમના આંતરિક વ્યક્તિત્વના ઘાતક બને છે.
નારાયણ હેમચંદ્રને પુસ્તકનો શોખ, એમાંથી જાગી સભામાં જવાની ટેવ અને તેમાંથી લાગ્યો સમાજ ના અગ્રણીઓને મળવાનો નાદ. ‘હું પોતે'માં તેઓ રવીન્દ્રનાથ ટાગોર, દેવેન્દ્રનાથ ઠાકુર, નરસિંહરાવ દિવેટિયા, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, મનઃસુખરામ વગેરેની મુલાકાતથી પોતાનાં હૃદય-મનમાં પડેલો પડઘો આલેખે છે. વ્યક્તિ ભલે સમર્થ કે ખ્યાતિપ્રાપ્ત હોય, પણ પોતાના ચિત્ત પર અંકાયેલી એની છાપને નિર્ભયતાથી આલેખે છે, નવલરામને પહેલી વાર એમનો વિચિત્ર વેશ જોઈને નારાયણ હેમચંદ્રને નામે કોઈ ઠગવા આવ્યું છે એમ લાગ્યું. નારાયણ હેમચંદ્ર એમનાં લખાણો નવલરામને તપાસવા આપતા. નવલરામ કંજૂસ હતા. નાના ઘરમાં રહેતા. સાંજના મમરા અને સેવ ખાતા તેમજ શેરબજારનો વેપાર કરતા હતા. આવી વિગતોની સાથે નારાયણ હેમચંદ્ર નવલરામના વાચનશોખ, વિદ્વત્તા અને તુલનાશક્તિની પ્રસંશા કરે છે. તે જ રીતે મનઃસુખરામના વર્ણનમાં પોતાને વિદ્વાનમાં ખપાવવાની એમની હોંશની સાથે સાથે એમને પ્રપંચી, રાજકારણી અને દંભી હોવાનું દર્શાવે છે, પણ એમનાં પત્ની ડાહીગૌરીના સરળ, આતિથ્યપ્રિય અને ધાર્મિક સ્વભાવની નારાયણ હેમચંદ્ર મુક્ત કંઠે પ્રશંસા કરે છે. નારાયણ હેમચંદ્રએ આત્મચરિત્રમાં પોતાના પ્રત્યક્ષ સમાગમમાં
૫૪ ]
• વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ • આવનારી વ્યક્તિઓની ચેત-શ્યામ બાજુ પ્રગટ કરી છે. સ્વામી દયાનંદે એમના લેખનમાં ખલેલ પહોંચાડતી ચકલીને મારી નાખવાનું અને બીજી ચકલીઓ ન આવે તે માટે તેને મારીને લટકાવવાનું કહ્યું હતું તેવા પ્રસંગોએ પોતાને ઊપજેલો “ખેદ' દર્શાવે છે. બાબુ નવીનચંદ્ર, હેમલતા, રામજીદાસ, ચંડીચરણ અને હરિદાસનાં વ્યક્તિચિત્રો એમના આત્મીય સંપર્કને કારણે આકર્ષક બન્યાં છે.
જેના પ્રતાપથી પોતાની ઉન્નતિ થઈ, તેવા બાબુ નવીનચંદ્રના વ્યક્તિત્વ વિશે અત્યંત ભાવપૂર્ણ આલેખન કરતાં તેઓને ‘પોતાના હૃદયના સગુણના ઉપાસક દેવતા' કહે છે. બાબુ નવીનચંદ્ર રાય રતલામ રાજ્યમાં ઉચ્ચ હોદો ધરાવતા વિદ્વાન હતા. હિંદી ભાષામાં સૌપ્રથમવાર વિજ્ઞાનનાં પુસ્તકો લખનાર બાબુ નવીનચંદ્ર રાયે ચાલીસ જેટલાં હિંદી પુસ્તકો લખ્યાં હતાં. કાશ્મીરના રાજાની દરખાસ્તથી એમણે સિવિલ એન્જિનિયરિંગનાં પુસ્તકો તૈયાર કર્યા હતાં. લાહોરની ઓરિએન્ટલ કૉલેજના પ્રિન્સિપાલ, પછી રતલામના નાયબ દીવાન અને ત્યારબાદ રતલામની કાઉન્સિલના ઉપરી થયા હતા. આવા વિદ્વાન, ધર્મજ્ઞ અને પરોપકારી બાબુ નવીનચંદ્રને કારણે જ નારાયણ હેમચંદ્રને પ્રવાસની તક મળી. પોતાની આ ભાવના પ્રગટ કરતાં નારાયણ હેમચંદ્ર લખે છે :
બાબુજી ! તમે મને જગત્માં એવી જ ગાએ લઈ ગયાછો કે તેવા સ્થળમાં મને ઘણાજ આજ કાલના સુધારાવાળા તથા ધર્માત્મા લઈ જવાને સમર્થ થયા નથી. તમારા નિઃસ્વાર્થ ઉઘોગે મને આ દુનિયામાં નિઃસ્વાર્થપણે વર્તાવાને ઉત્તેજિત કર્યો છે. તમારા નિષ્કામ કર્તવ્ય એટલે તમારા કંઈ પણ ફળની આશા નહિ રાખતા કર્તવ્ય કરવામાં મને સદા તત્પર રહેવા કહે છે. તમારૂં નેહ મય જીવન મને ઉત્તેજિત કરે છે, આ જગમાં બહારથી કંઈ ને અંદરથી કંઈ એવા પુષ્કળ દીઠા છે પણ તમને તેવા દીઠા નથી. તમે જે બહારથી હતા તેજ અંદરથી પણ હતા. ક્રોધ સ્વપ્નામાં પણ તમે દીઠો નહોતો, તમારું ખરાબ કરનારા ઘણા હતા, તમારું ધન લુંટી લેનારા પુષ્કળ હતા, તમારું પ્રિય ધન ભોગવનાર પણ પુષ્કળો હતા તે છતાં
a પપ 3