________________
* શબ્દસમીપ
એ જ રીતે સ્ટીલ અને ઍડિસનના ‘સ્પેક્ટેટર’ જેવું ગદ્યાત્મક લખાણ કરવાની તેને હોંશ હતી. ‘ડાંડિયો' પ્રગટ કરીને એણે ગદ્ય વાંચવા અણુટેવાયેલી પ્રજાને ગદ્ય વાંચતી કરવાનો ઉપક્રમ રાખ્યો હતો. આ દૃષ્ટિએ નર્મદ એ આપણો પહેલો ગદ્યકાર ગણાય.
સેનાની નર્મદને એના જમાનામાં વીર નર્મદ કે સુધારક નર્મદ તરીકે ઓળખવામાં આવ્યો અને સાહિત્યમાં એ કવિ નર્મદ તરીકે જાણીતો થયો, પરંતુ વીર નર્મદ એ જેટલું તેના વ્યક્તિત્વને અનુરૂપ લાગે છે, તેટલું આજે નર્મદની સાહિત્યપ્રવૃત્તિનો સમગ્ર વિચાર કરતાં કવિ નર્મદ કદાચ બંધબેસતું ન લાગે. એના સમયના લોકોએ નર્મદને કવિ તરીકે ભલે બિરદાવ્યો હોય, શ્રી વિશ્વનાથ ભટ્ટે કહ્યું છે તેમ, નર્મદ પોતે મહાકવિનો ભારે વાઘો પહેરીને સતત ફર્યા કરતો હોય તેમ ભલે બન્યું હોય, પણ એનાં લખાણો પરથી નક્કી કરવું હોય તો કવિ કરતાં ગદ્યકાર નર્મદને ઊંચે આસને મૂકવો પડે. નર્મદના આવેગશીલ, દેશદાઝથી બળબળતા અને ‘યાહોમ કરીને' કશુંક નવું કરી નાખવાનો ઉત્સાહ ધરાવતા વ્યક્તિત્વને માટે ગદ્ય જ સહજસિદ્ધ વાહન બની રહે છે. ગદ્યમાં એ ખીલે છે અને એમાં જ એની શક્તિનો ધોધ વહે છે. વળી છેક સત્તરમાં વર્ષે એણે ગદ્યરચના શરૂ કરી અને મૃત્યુપર્યંત ગદ્યમાં લખ્યું, જ્યારે એના કાવ્યસર્જનનો કાળ તો માંડ અગિયાર વર્ષ જેટલો રહ્યો. કવિતાના ક્ષેત્રે અનુગામી કવિઓ માટે કાવ્યપ્રકાર, શૈલી, છંદ ઇત્યાદિમાં નવા પ્રયોગો કરવા માટે તેણે પોતાની કાચીપાકી રચનાઓથી દ્વાર ખોલી આપ્યાં. ‘જય જય ગરવી ગુજરાત' કે ‘અવસાનસંદેશ’ જેવી થોડી પ્રેમશૌર્યની રચનાઓ આપી. પણ આજેય એનાં ગદ્યલખાણો વાંચતાં એક પ્રતિભાશાળી સર્જકની છાપ પડે છે. એના સમગ્ર જીવનનો આલેખ તો ગદ્યમાંથી મળે છે, પણ એના મનની છબી પણ ગદ્યમાં જ ઝિલાઈ છે. એની કાવ્યકૃતિઓમાં જેટલી શુદ્ધ, સર્જનાત્મક રચનાઓ નીકળે, તેના કરતાં તેનાં ગદ્યલખાણોમાંથી અનેકગણી વધારે કૃતિઓ પહેલી જ નજરે ધ્યાન ખેંચે તેવી મળશે.
બીજી વાત એ કે પશ્ચિમના ગદ્યકારોના પરિશીલનથી ગદ્યતત્ત્વ વિશે તેમ જ ગદ્યપ્રકારો વિશે એના મનમાં સ્પષ્ટ ખ્યાલ બંધાયેલો. તેથી કવિતાના નમૂના ઉપરથી કવિતા રચવામાં એને સફળતા મળી, એથી વધુ સફળતા ગદ્યનો નમૂના પરથી ગદ્ય રચવામાં મળી છે. ‘સંપ’, ‘સુખ’, ‘કામ’, ‘પુનર્વિવાહ’, ‘સ્વદેશાભિમાન’, ‘સુધારાનું વિસર્જન’, ‘બ્રહ્મતૃષા’, ‘આર્યોદ્ધોધન’, ‘ધર્મની અગત્ય’, ‘ગુજરાતી ભાષા’, ‘સુરતની ચડતીપડતી’, ‘યુરોપની ત્રણ મહાન પ્રજાનાં લક્ષણો', ]૭૨]
• ગુજરાતી ગદ્યનું પ્રભાત • ‘મહાભારતનાં પાત્રોની સમાલોચના’, ‘રણમાં પાછાં પગલાં ન કરવા વિશે’ અથવા તો ‘સિકંદર’ કે ‘નેપોલિયન'નું ચરિત્રકીર્તન કે ‘કવિચરિત્ર વિશે'નું વિવેચન જેવાં લખાણો નર્મદના ગદ્યના આવિર્ભાવની વિભિન્ન અને વિશિષ્ટ કોટિઓ બતાવે છે.
ઈ. સ. ૧૮૫૦માં ‘મંડળી મળવાથી થતા લાભ’ એ નર્મદે વાંચેલો નિબંધ તે એનું પહેલું ગદ્યલખાણ. પછી તો એણે ગદ્યમાં નિબંધ, ચરિત્ર, ઇતિહાસ, કોશ, વિવેચન, સંશોધન, પત્ર વગેરે પ્રકારો ખેડ્યા. એ દરેક પ્રકારને વિશિષ્ટ સાહિત્યસ્વરૂપ તરીકે ખેડવાનો એનો પ્રયત્ન હતો. કોઈ પણ ભાષાના સાહિત્યના આરંભકાળે એક જ સર્જક આટલા બધા ગદ્યપ્રકારોમાં નવપ્રસ્થાન કરે એવું ઓછું બને છે. ગુજરાતી સાહિત્યને માટે એ આનંદની બીના ગણાય કે એને આરંભકાળમાં જ આવો સમર્થ પ્રયોગશીલ લેખક મળ્યો. પછી થયેલા વિકાસના પરિપ્રેક્ષ્યમાં આજે ભલે આપણને નર્મદનું ગદ્ય સ્થૂળ, અણઘડ કે ઓછી ગુણવત્તાવાળું લાગે, પણ ઐતિહાસિક દૃષ્ટિએ એનું જેટલું મહત્ત્વ આંકીએ તેટલું ઓછું છે, કેમકે એણે નવો ચીલો પાડીને અનુગામીઓને માટે નવો માર્ગ ચીંધી આપ્યો, જેને પરિણામે આટલો વિકાસ થયો. ગુજરાતી ગદ્યના ગ્રાફને જોતાં એમ કહી શકાય કે પંડિતયુગની પેઢીએ જે વિકાસ કર્યો છે તે નર્મદના ખભા પર બેસીને કર્યો છે. માત્ર નિબંધના સ્વરૂપની જ વાત કરીએ તો નર્મદે વ્યાખ્યાનશૈલી અને ચિંતનશૈલીનો આરંભ કર્યો, અને તેનું જ સાતત્ય પછીની પેઢીએ વિકસાવ્યું છે.
નર્મદ સમાજથી અળગો એકડિયા મહેલમાં બેસી સાહિત્યિક પ્રવૃત્તિ કરનાર લેખક નહોતો. એ પહેલો સમાજસુધારક હતો, અને પછી લેખક હતો, કારણ કે એનું મુખ્ય કાર્ય તો પોતાના જમાનાની પ્રજાને અજ્ઞાન અને જડતામાંથી જાગ્રત કરવાનું હતું અને એ અર્થે જ એણે સમાજસુધારાની પ્રવૃત્તિ ઉપાડી હતી. સુધારક તરીકે સભાઓ યોજીને એ જેમ સુધારાનો પ્રચાર કરતો હતો, તેમ સુધારાના માધ્યમ તરીકે એણે એનાં ગદ્યલખાણોને વાહન બનાવ્યાં હતાં. આવે સમયે નર્મદનું ગદ્ય લોહીથી લખાતું ગદ્ય લાગે છે. ‘સ્વદેશાભિમાન’ નિબંધમાં નર્મદ કહે છે.
“અરે ઓ ભાટ ચારણો ! તમારી કળા ક્યાં ગુમાવી નાખી છે ? રાજાઓને અયોગ્ય રીતે શા વાસ્તે યશના તાડ ઉપર ચડાવી દો છો ? નેકીદારો ! તમે રાજાઓના દુર્વિકારો એ નેકી જાણી પોકારો છો ? નીતિમાન લોકોના પ્રતિનિધિ થઈ, રાજાઓને ચેતવો કે રાજા ! અમે તમારા નેકીદાર કહેવાયા ને તમારી
n૭૩]