________________
• શબ્દસમીપ •
હતા. ભજવવાને દિવસે રેડિયો સ્ટેશનની ઓફિસે પહોંચ્યા. નજીકની રેસ્ટોરાંમાં ચા પીને પાછા આવ્યા અને અડધો કલાક બાકી હતો ત્યારે ખબર પડી કે સ્વ. જયંતિ દલાલના ‘રેખા'ના અંકમાંથી જે નાનકડી નાટિકા પસંદ કરી હતી તે અંક જ નહોતો. ભાનુશંકર વ્યાસે કહ્યું કે એ નાટિકાનો અંક ચન્દ્રવદનભાઈને આપ્યો છે. ચન્દ્રવદન મહેતાએ કહ્યું કે મેં તો ભાનુભાઈને પાછો આપ્યો છે. ઘેર પાછા જવાય એટલો સમય નહોતો. વળી ‘રેખા’નો અંક કોને ત્યાં છે તેની ખબર નહોતી. આ સમયે ચન્દ્રવદનભાઈએ નજીક ઊભેલા સિપાહી પાસેથી કોરો ફૂલસ્કેપ કાગળ મંગાવ્યો અને એ કાગળ હાથમાં રાખીને બોલવાનું નક્કી કર્યું. ત્રણેએ જુદાં જુદાં નામ ધારણ કર્યાં અને વાર્તાલાપ શરૂ કર્યો. એમાં જ્યોતીન્દ્ર દવે સારી કમાણી કરનાર ભગવાનદાસ બન્યા. ભાનુશંકર વ્યાસ શેરબજારમાં ઝંપલાવનાર છગનલાલ અને ચન્દ્રવદન વેપાર અને દલાલી કરનાર મંગળદાસ બન્યા. ક્યારેક જ્યોતીન્દ્ર દવે પોતાનું નામ ભગવાનદાસ ભૂલી જાય, તો ચન્દ્રવદન ટકોર કરતાં કહે,
“બહુ કમાયા એટલે દોસ્તના નામમાં પણ ગોટાળા કરવા લાગ્યા ! કમાણીનો કેફ ચડ્યો લાગે છે.”
ભાનુશંકરભાઈ ભૂલ કરે તો ચન્દ્રવદન કહેતા, “અરે ! પૈસા ગયા તેમાં ભાન પણ ગુમાવવાનું ? રોજ સાથે ફરનાર મિત્રનું નામ પણ ભૂલી જવાનું ?” અને આમ કાર્યક્રમ ચાલ્યો. વચ્ચે એક કાગળની ચબરખી પર નોંધ્યું કે કોઈએ કોઈને નામ દઈને બોલાવવા નહીં. આમ સંબોધનરહિત ચાલીસ મિનિટનો કાર્યક્રમ સાંગોપાંગ પાર પડ્યો. કાર્યક્રમ પૂરો થતાં બુખારીસાહેબે એની હસ્તપ્રત માગી તો સાવ કોરો ફૂલસ્કેપ કાગળ ! એમણે આંખો પહોળી કરી. ભવાં સંકોચ્યાં. કાગળ ચન્દ્રવદનને પાછો સોંપી દેતાં હેતથી ભેટ્યા. આમ ચન્દ્રવદને પોતીકી પ્રતિભાથી રેડિયોના બંધિયાર વાતાવરણમાં પણ નવાં નવાં આયોજન કર્યાં. એના પ્રસ્તુતીકરણમાં એમની આ પ્રત્યુત્પન્નમતિ ધરાવતી પ્રતિભા ખીલી ઊઠી.
એ સમયે બ્રિટનનું બી.બી સી. આદર્શ પ્રસારણ-સંસ્થા ગણાતું. બી.બી.સી.ના સમાચારો અને અન્ય કાર્યક્રમોનું સીધું પ્રસારણ થતું. બી.બી.સી.ના કાર્યક્રમોનાં તૈયાર રેકૉર્ડિંગ વારાફરતી જુદાં જુદાં કેન્દ્રો પરથી રજૂ થતાં. દિલ્હીની એ વખતની એકમાત્ર બ્રૉડકાસ્ટિંગ માટેની સ્ટાફ ટ્રેનિંગ સ્કૂલમાં બી.બી.સી.નો પ્રતિનિધિ મુખ્ય નિર્માતા રહેતો. એ અંગ્રેજી નાટકોનું નિર્માણ કરતો. પરિણામ
]]
અદાલતનો આનંદરસ •
એ આવ્યું કે બી.બી.સી.ના જુદા જુદા કાર્યક્રમોમાંથી પ્રેરણા મેળવીને પ્રાદેશિક કાર્યક્રમો થતા. ચન્દ્રવદન મહેતાનો આ સંસ્થા પ્રત્યેનો આદર એમના ‘રેડિયો ગઠરિયાંમાં પ્રતિબિંબિત થાય છે.
નવા નવા સ્વરૂપે અને નવા નવા ફૉર્મેટ(format)માં કાર્યક્રમો વિચારવા અને એનું નિર્માણ કરવું એની ચન્દ્રવદન મહેતામાં જબરી ફાવટ હતી. એ કાર્યક્રમ ઝડપથી નિર્માણ પામે તે માટે સમયની પાબંદી જેવો જ એના ત્વરિત નિર્માણ માટે આગ્રહ સેવતા. કાર્યક્રમનું માળખું ભલે બી.બી.સી.ના કોઈ કાર્યક્રમ પરથી મેળવ્યું હોય, પરંતુ એમની સર્જકપ્રતિભાનો એવો જીવંત સ્પર્શ મળતો કે એ કાર્યક્રમના મૂળ સ્વરૂપની કલ્પના પણ ન આવે. એની એવી રજૂઆત અને માવજત કરે કે શ્રોતાજનોને એ કાર્યક્રમ સહેજે વિદેશી છાંટવાળો, રૂપાંતરિત કે આધારિત ન લાગે, બલ્કે એની આત્મીયતાથી હૃદયસ્પર્શી લાગે. આને માટે ક્યારેક વહીવટની રીતરસમ પણ થોડી બાજુએ મૂકી દે. ચન્દ્રવદન એકોક્તિમાં પણ એટલા જ ખીલી ઊઠતા.
એ સમયે મુંબઈના શક્તિશાળી ટ્રાન્સમિટર દ્વારા મહારાષ્ટ્ર અને મહાગુજરાત બધે આ કાર્યક્રમો શ્રોતાઓ માણતા હતા. ચન્દ્રવદને રજૂ કરેલા ‘બુદ્ધિવર્ધક મંડળ’ અને ‘ચતુરનો ચોતરો' એ બે કાર્યક્રમો ખૂબ લોકપ્રિય બન્યા હતા. એ પછી બી.બી.સી. પરથી આવતા ‘લિટરરી કૉર્ટ માર્શલ' કાર્યક્રમના આધારે ચન્દ્રવદનને ‘ફોજી અદાલત’ કાર્યક્રમ ઘડવાનો વિચાર આવ્યો.
વીસમી સદીના આરંભમાં રેડિયો માધ્યમની વિશેષતાઓનો પોતાની મૌલિક પ્રતિભાથી બુદ્ધિયુક્ત વિનિયોગ કરીને એમણે એક જુદું જ સ્વરૂપ નિપજાવી આપ્યું. ગુજરાતમાં આ મુકદ્દમા ‘ફોજી અદાલત’ને નામે રેડિયો પરથી સફળતાપૂર્વક પ્રસારિત કર્યા. એ જમાનામાં રેડિયો એ લોકપ્રિય સમૂહમાધ્યમ હતું. એના દ્વારા શ્રોતાઓ પોતાના ગમતા લેખકોનો પરિચય એમના અવાજ દ્વારા પામતા હતા. સંસ્થાઓ અને કૉલેજોમાં આવો કાર્યક્રમ યોજાવા લાગ્યો. અમદાવાદમાં પ્રિ. એસ. આર . ભટ્ટ અને શ્રી ઉમાશંકર જોશી જેવા વક્તાઓનો લાભ આ કાર્યક્રમમાં મળતો હતો.
૧૯૪૧ થી ૧૯૪૫ સુધીના સમયગાળામાં અગિયાર કાર્યક્રમોમાં વીસ જેટલા મહાનુભાવોએ આમાં ભાગ લીધો. આ ‘ફોજી અદાલત'ને નામે ઓળખાતો રેડિયો કાર્યક્રમ ગુજરાતી ભાષાના રેડિયો કાર્યક્રમોમાં તો સીમાચિહ્નરૂપ બની
]]