Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 69
________________ • શબ્દસમીપ • નથી. સંકુલ જીવનનો બધો અસબાબ ધરાવનાર આ નાટકકાર માટે આખું જીવન એ જ નાટક છે. આપણી આસપાસ હાલતા-ચાલતા, ઝઘડતા, ઇચ્છા ને આશાઓ સેવતા, નિષ્ફળતા ને નિઃસારતા અનુભવતા, કંઈક ઝંખતા ને તે મેળવવા ઉધમાત કરતા માનવીઓ અને એમની બેહુદી વર્તણૂક, વિચિત્ર ટેવો, અસંસ્કારિતા, પ્રાકૃતતા અને અસંબદ્ધ વાતોને કશાય ઓપ કે ડોળ વિના યથાતથ તે આલેખે છે. અને એમાંથી મનોહર નાટ્યકૃતિ ઊગી નીકળે છે. યથાર્થતાને કલાનું જીવાતુભૂત તત્વ કે એનો પ્રાણ કહેવામાં આવે છે. ચેખોવ કશીય ડીમડીમ વગાડ્યા વગર એને આલેખે છે. એના જેટલી સૂક્ષ્મતાથી અને સ્પષ્ટતાથી જીવનની કરુણતા અને નશ્વરતાને ભાગ્યે જ કોઈ નાટયકાર સમજી શક્યો હશે. મધ્યમવર્ગના જીવનની હતાશા અને કરુણતાનું એણે હૃદયવિદારક ચિત્ર આપ્યું છે. જીવનની નજીવી બાબતોને મહત્ત્વપૂર્ણ કલામાં પલટાવીને જીવ આપવાની આવડતમાં જ એની વિશેષતા છે. કંટાળાજનક અને શુષ્ક રશિયન જીવનમાં એ અનેક સુંદર રસસ્થાનો જોઈ શકે છે. આનું કારણ એ છે કે આપણા અત્યંત સામાન્ય જીવન પાછળ છુપાયેલી સંકુલતા અને કદર્યતાની પાછળ રહેલી કરુણતાનો ચેખોવે સાહજિકતાથી તાગ મેળવ્યો છે. વસ્તુની પેઠે વસ્તુવિકાસ પરત્વે પણ આ સર્જક કોઈ યોજના પ્રમાણે કે પૂર્વ-આલેખિત નકશા મુજબ ચાલતા જણાતા નથી. ચેખોવની પહેલાં ટૂંકી વાર્તાને નિશ્ચિત આદિ, મધ્ય કે અંત હોવા જોઈએ એમ માનવામાં આવતું. ચેખોવે આને અસ્વીકાર કર્યો ને કહ્યું કે જીવનમાં આવું નિશ્ચિતપણે ક્યાં કંઈ હોય છે ? આથી આવા કોઈ ચોકઠામાં રહ્યા વિના એ સ્વાભાવિક રીતે જ આગળ વધે છે. ‘શ્રી સિસ્ટર્સ 'ના ચારે અંકો કોઈ નિશ્ચિત આદિથી આરંભાતા કે મધ્ય વા અંત પ્રતિ ગતિ કરતા નથી. એક વાર રેશમી વસ્ત્રોમાં સજ્જ ત્રણ સ્ત્રીઓ રાજ કારણમાં રસ દેખાડવાના ડોળથી ગ્રીક લોકો જીતશે કે તુર્ક લોકો જીતશે, તે વિશે ચેખોવને પ્રશ્નો પૂછવા લાગી. ચેખોવે ધીમે રહીને પૂછ્યું, ‘મને તો ફળનો ખીમો બહુ ગમે. તમને ?” અને પછી તો “મોટી વાતો” કરવાનો નકામો બોજ ઊતરી જતાં ફળફળાદિના ખીમા વિશે અનેક વાતો ચાલી. અંતે ત્રણ સન્નારીઓ સાનંદ વિદાય થઈ ત્યારે ચેખોવે કહ્યું, ‘દરે કે પોતાની બોલીમાં જ વાતચીત કરવી જોઈએ.’ આવી જ રીતે ચેખોવનું દરેક પાત્ર પોતાની લાગણીઓ, ભાવનાઓ, વેદનાઓ અને ઇચ્છાઓને વફાદાર હોય છે. ક્યારેય તે આત્મવંચના કરતું નથી. સત્યની સાથે સમાધાન કરવામાં કોઈ માનતું નથી. n૧૨૬ ] • “શ્રી સિસ્ટર્સ’ના સર્જકની કલા • ચેખોવનાં પાત્રો વર્તમાન પરિસ્થિતિને તિરસ્કારે છે, પણ ઇબ્સનનાં પાત્રોની માફક પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત ધરાવતાં નથી. માત્ર એ ઉચ્ચતર જીવનની આકાંક્ષાવાળાં શોધક કે સ્વપ્નશીલ પાત્રો તત્કાલીન સંજોગો ને સમાજની લક્ષ્મણરેખામાંથી છૂટવા મથામણ કરતાં નજરે પડે છે. પાત્રના મનમાં એવી કોઈ વિચિત્રતા વસેલી છે કે પોતાની સૌથી નજીકની અને સૌથી પ્રિય વ્યક્તિથી એને જુદું પાડે છે. કદાચ આનું કારણ ચેખોવની એ માન્યતા પણ હોય કે મૂળભૂત રીતે તો દરેક માણસ એકલો જ છે, મોટી સંખ્યામાં મિત્રો ધરાવનાર ચેખોવની એક ફરિયાદ છે કે – “As I shall lie alone in the grave, so, indeed, do I live alone.' પાત્રમાનસમાં ઊંડો ઊતરતો ચેખોવ પાત્રનું ઘડતર, એની ચોપાસની પરિસ્થિતિ અને ભૂત તથા વર્તમાન સાથેનો સંબંધ એટલો સ્પષ્ટ કરી આપે છે કે આ સ્થિતિમાં આ પાત્ર આમ જ કરે એમ લાગે છે, એમાં આવતી સ્થાનિક વિગતો પાત્રના વિશિષ્ટ દિમાગને છતો કરે છે. એમના રોજિંદા જીવનમાં વ્યક્ત થતા માનવસૌંદર્યને અસરકારક રીતે રજૂ કરી એમની રોજબરોજની મુશ્કેલીમાં આપણને રસ લેતા કરી મૂકે છે. એમની અસંબદ્ધ વાતો પાછળ એક અતૂટ સંવાદ રહેલો હોય છે. આ રીતે વેરવિખેર લાગતાં પાત્રો અને એમના સંવાદો હેતુ અને અસરની બાબતમાં એક મુદ્રા ઊભી કરે છે. ‘શ્રી સિસ્ટર્સ માં ત્રણ બહેનો જીવનની અસારતાથી પીડાય છે. ત્રણેના હૃદયમાં અગ્નિ ભારેલો છે, અને છેલ્લે સુધી પ્રશ્ન એ રહે છે કે આ બહેનોનાં જીવનમાં અમૃતનું અમી પડશે કે નહીં ? એમના પર હૃદય ચીરી નાખે તેવી આપત્તિઓની પરંપરા ગુજરી છે. જીવનમાં કશું શેષ રહ્યું નથી. આશા વિનાની એકતાનતાના ઘેરા ધુમ્મસમાં અટવાતાં ને અથડાતાં એનાં પાત્રો સુંદર અને ઉચ્ચતર જીવનની ઝંખના રાખે છે, પરંતુ એમના ક્ષુલ્લક, નિરર્થક અને અસાર જીવન તથા મનોહર જીવનની આકાંક્ષા વચ્ચેની ખાઈ વણ-પુરાયેલી જ રહે છે. એમનાં મનોહર સ્વપ્નો માનસમાં જન્મતાં સાથે જ મૃત્યુ પામવા સર્જાયેલાં છે. દરેક પાત્ર પોતપોતાની દુનિયામાં રમમાણ છે. એક પાત્ર બીજા પાત્રને સમજવા પણ ચાહતું નથી. પાત્ર ભિન્નભિન્ન હોવા છતાં – વાઘના તંતુઓ ભિન્નભિન્ન હોવા છતાં – બધામાંથી અંતે સૂર તો એક નિઃસારતાનો જ નીકળે છે. 0 ૨૭ ]

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152