________________
• શબ્દસમીપ • રહસ્યથી ભિન્ન વરતાતો નથી; નાટક કવિતાની અમૂર્ત કે ભાવનાત્મક કોટી તજીને ધીમે ધીમે સ્વકીય ઘનતા પ્રાપ્ત કરે છે. આ નાટકના પાત્રો અને પ્રસંગોને આ હકીકતના સંદર્ભમાં મૂલવવાં જોઈએ. રવીન્દ્રનાથનાં બીજાં નાટકો કરતાં ‘ડાકઘર' અને “રાજા 'ની વિશેષતા એ છે કે એમાં સૌંદર્યાત્મક અસરની સાથે કૃતિની નાટ્યાત્મક અસર પણ અધિકારી ભાવક અવશ્ય અનુભવે છે. કવિવર ‘રાજા'માં સૂચનો દ્વારા રહસ્યનો અનુભવ કરાવે છે. રૂપકને પામી ગયેલા ભાવકના ચિત્ત પર ‘અવ્યક્ત'ને ખોળવાનો વ્યક્તનો રમણીય પુરુષાર્થ ઊંડી છાપ પાડી જાય છે. એક સાથે બે ક્રિયા – એક સપાટી પરની અને બીજી અંતર્ગત – ભાવકચિત્તમાં ચાલે છે. તખ્તા ઉપર રાજાનું રૂપ પામવા માટેનો રાણીનો તલસાટ દેખાય છે ત્યારે આપણાં નેત્ર આ લીલા નીરખે છે અને ચિત્ત માનવઆત્માની ઈશ્વરનું રૂપ પામવાની ઝંખના અનુભવે છે. સુદર્શનાના મનમાં ચાલતા ભાવસંઘર્ષને પરિણામે નાટકમાં એક પ્રકારનું action અનુભવાય છે. સુદર્શન અને સુરંગમાના સંવાદમાં અથવા રાજાને વિરૂપ ધારીને એનો રાણી ત્યાગ કરે છે તે વેળાના રાજા અને રાણીના સંવાદમાં નાટ્યાત્મકતા છે. નાટકનો પ્રારંભ રહસ્યપૂર્ણ અને ચોટદાર છે. કેટલીક ઘટનાઓ આપણી આતુરતા અને જિજ્ઞાસાને ઉત્તેજે તેવી છે. Literature that walks and talksના નાટક વિશેના પ્રચલિત ખ્યાલના બીબામાં ન આવતા ‘રાજા'માં નોંધપાત્ર તખ્તાલાયકી છે. બંગાળી રંગમંચ ઉપર આ નાટક સફળતાથી ભજવાયું છે. વિદેશમાં સારો આદર પામેલ આ નાટકની ફ્રાન્સ અને જર્મનીમાં ભજવણી થઈ છે. ખૂબીની વાત એ છે કે નાટકનો નાયક તખ્તા ઉપર આવતો જ નથી. માત્ર તેનો અવાજ જ સંભળાય છે. આમ છતાં આખા ય નાટકમાં સતત ભાવક એનું સ્વરૂપ પામે છે. જગતનાયકની પેઠે અને એના જેવા જ આ નાટકના નાયકને છુપાવી રાખવામાં – અંધારા ઓરડામાં - નાટ્યકારની સફળતા છુપાયેલી છે.
આ નાટકના સંવાદો શબ્દાળુ છે એમ કહેવાયું છે. એક ઊર્મિકવિએ આમાં છૂટે હાથે કલ્પનાઓ વેરી છે. વળી અત્યંત માર્મિક અને હાથમાંથી છટકી જાય તેવી ૨હસ્ય-સભર અને વ્યાપક સંવેદનાને – જેને મેટરલિંક intuitions" કહે છે – ફિલસૂફ સઘન ગઘમાં રજૂ કરી શકે, કવિ ટૂંકી, સારગર્ભ પંક્તિઓના સંપુટમાં મૂકી આપે, પણ નાટકકાર માટે પ્રત્યક્ષ ક્રિયારૂપે દર્શન કરાવવાનું
189
• રાજા કિંગ ઑફ ધ ડાર્ક ચૅમ્બર) • હોવાથી આવી સંવેદનાને સાકાર કરવી અઘરી બને છે. એને વિવિધ ક્રિયામાં રજૂ કરવા માટે નવાં રૂપકો અને કલ્પનાઓનો આશ્રય લેવો પડે છે. આથી
ક્યાંક શબ્દાળુતા લાગે, પણ શબ્દોનો ઘટાટોપ ક્યાંય નથી, કૃત્રિમતા પણ ક્યાંય નથી. સતત એક આફ્લાદજનક આસ્વાદ એમાંથી મળે છે. એડવર્ડ થોમ્સને ઠાકુરદાના પાત્ર વિશે સખત ટીકા કરી છે. તેઓએ રવીન્દ્રનાથની ફિલસૂફીને લક્ષમાં રાખી હોત તો કદાચ આવી ટીકા કરી ન હોત. નાટકમાં ઠાકુર દા એ સખ્યભક્તિનું જીવંત ઉદાહરણ છે. નાટકમાં બે પ્રકારે વસ્તુપ્રવાહ વહે છે. એકમાં રાણી સુદર્શનાનું મંથન આલેખાયું છે અને તેને એની ઘસી ઈશ્વરી સંકેત સમજાવે છે. એવી જ રીતે બીજી એક કથા નગરજનો અને રાજાઓની અદૃશ્ય રાજાની શોધની કથા છે. ઠાકુરદા એ જનસમાજ તેમજ પાર્થિવ રાજાઓને સાચા રાજા ઈશ્વરના સામર્થ્યનો ખ્યાલ આપે છે. કેટલાક વિવેચકોને નાટકમાં ગીતો ભારરૂપ લાગ્યાં છે. નાટકમાં ગીતો છેક જ નકામાં છે એમ તો ન જ માની શકાય. ગ્રીક નાટકો અને શેક્સપિયરનાં નાટકોમાં ગીતો મળે છે. આથી તે કેટલા પ્રમાણમાં અને કયા સંદર્ભમાં રજૂ થાય છે તે ચકાસવું જોઈએ. નાટકમાં જે ગૂઢ રહસ્યને વાચા આપવી છે, જે ઝંખના અને આરત વ્યક્ત કરવી છે તે માટે ગીતો ઉપયોગી છે, એ ગીતો આપણને એક અનોખા વાતાવરણમાં લઈ જાય છે. ગીતોમાં નિરૂપિત પ્રકૃતિનાં અંગો આધ્યાત્મિક રહસ્યનું સૂચન કરે છે.
કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે પોતાનું દર્શન વ્યક્ત કરવા માટે કોઈ પ્રચલિત નાટ્યસ્વરૂપનું ચોકઠું સ્વીકારવાનું પસંદ કર્યું નથી. પોતાનાં પ્રેરણા, દર્શન અને પ્રતિભાને વફાદાર રહીને માનવ અને ઈશ્વરના ગૂઢ અને અમૂર્ત-abstractસંબંધને ‘નાટ્યક્ષમ’ બનાવવા તેમણે હામ ભીડી છે. ‘રાજા' નાટકમાં અંતર્ગત રહસ્ય જેમ ઈશ્વરની વિભુતાનો અણસાર આપે છે તેમ સાહિત્ય-કલાની વિશાળ વિભુતાનો પણ તૃપ્તિકર અનુભવ કરાવે છે. એ કારણે તેને રવીન્દ્રનાથની પ્રતિભાનું અપ્રતિમ સંતાન ગણવું જોઈએ. જગતસાહિત્યમાં આ પ્રકારનાં જે થોડાંક નાટ્યસર્જનો થયાં છે તેમાં તેને માનભર્યું સ્થાન મળ્યું છે.
0 ૧૪૭ ]