________________
• શબ્દસમીપ • મળે છે. લેખની ચકાસણી સંપાદક બહુશ્રુત હોય અને જાગ્રત હોય તો જ થઈ શકે. ક્યારેક સંપાદક માત્ર આવેલા લેખને સીધેસીધો કમ્પોઝમાં મૂકી દે છે. એમાં ક્યાંય એનું સંપાદન દેખાશે નહીં.
- વર્તમાનપત્રના સંપાદનમાં અને સાહિત્યિક પત્રસંપાદનમાં એક ભેદ છે. આજનું છાપું આવતીકાલે ભુલાઈ જાય છે. એને મુકાબલે સાહિત્યિક પત્રમાં આવતા લેખો સ્થાયી મૂલ્ય ધરાવતા હોય છે. નરસિંહરાવ, વિજયરાય વૈદ્ય, ગોવર્ધનરામ, રમણભાઈ નીલકંઠ જેવાનાં સામયિકોમાં પ્રગટ થયેલા લેખો ફરી ફરી વાંચવાનું મન થાય છે. એમાંથી ઉત્તમ કોટિની સર્જનકૃતિ ભાવકોને મળી રહે છે. આથી સાહિત્યિક પત્રના સંપાદનમાં વધુ ચીવટ અને ચોકસાઈ પણ અપેક્ષિત હોય છે. શ્રી ઉમાશંકર જોશી સંસ્કૃતિનું છેલ્લામાં છેલ્લું પ્રૂફ મશીનપૂફ જોવાનો આગ્રહ સેવતા હતા એની પાછળ એમનો મુખ્ય આશય તો સાહિત્યિક પત્રમાં એક પણ ભૂલ આવવી જોઈએ નહીં તે હતો.
સાહિત્યિક પત્રની સામગ્રીની પસંદગીમાં સંપાદક દેખાવો જોઈએ. સંસ્કૃતિમાં શ્રી ઉમાશંકર જોશી દેખાયા વિના રહે નહીં. સંસ્કૃતિની રોચક સાદાઈ અને સુઘડતા જોતાં જ એનો અનુભવ થાય. એ જ રીતે ‘કુમાર 'માં ચીવટ, રુચિની સુઘડતા અને છપાઈની સુઘડતા જોવા મળે. એના સંપાદનમાં ક્યાંય લઘરાપણું દેખાય નહીં.
આજના સંપાદનની એક સમસ્યા એ છે કે આ સંપાદકોમાંથી બહુ ઓછાને નવી કલમનો ઉપયોગ કરતા આવડે છે. હાજી મહંમદ જેવા સંપાદક લેખકની સુષુપ્ત શક્તિને ઓળખી શક્યા હતા. આથી મુનશી જેવાને ઓરડીમાં પૂરીને લખવાની ફરજ પાડતા હતા. આ જ સાહિત્યિક પત્રોએ ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય જેવા સર્જકો આપ્યા. સાહિત્યિક પત્રોમાં નવી કૃતિઓ પ્રગટ થવા દીધી. સાહિત્યિક પત્રોનું સંપાદન એવું હોય કે સાહિત્યનો ઉત્કર્ષ એમાંથી દેખાતો હોય.
સાહિત્યિક પત્રનો સંપાદક સાહિત્ય પ્રત્યે ઉત્તરદાયિત્વ ધરાવે છે. જેમ પત્રકાર સમાજ ના પ્રશ્નોને પકડીને ઘટનાઓને આલેખે છે એ જ રીતે સાહિત્યની ગતિવિધિ જાણવાની અને તેનો ઉકેલ લાવવાની શક્તિ સંપાદકમાં હોવી જોઈએ. આવા સાહિત્યિક પત્રો દ્વારા સાહિત્યના કૂટ પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ. આ ચર્ચા સંપાદક પોતે કરે અથવા તો એ વિષયના તજ્જ્ઞોને મેળવીને એમના અભિપ્રાયો દ્વારા કરાવે.
સાહિત્યિક પત્રસંપાદનમાં ભાષાશુદ્ધિ, વ્યવસ્થિત રજૂઆત, સાહિત્યિક શિસ્ત, રુચિ, વૈવિધ્ય, તટસ્થતા એ બધું તો હોય જ, પરંતુ આ બધું શેને માટે
૨૦૨ ]
• સાહિત્યિક પત્રકારત્વ વિશે થોડુંક • છે તે એની નજર સામે સતત રહેવું જોઈએ. કેટલાં લવાજમ ભરાયાં તે મહત્ત્વનું નથી બલ્ક સાહિત્યને ઉપકારક એવી કેટલી સામગ્રી રજૂ થઈ તે મહત્ત્વનું છે.
સાહિત્યિક પત્રના સંપાદનમાં ખુવાર થવાની તૈયારી હોવી જોઈએ. વીસમી સદીના હાજી મહંમદ કે “નવચેતન'ના ચાંપશીભાઈ આવે સમયે યાદ આવે. વિજયરાય વૈદ્યને દર ચાર મહિને “માનસી” માટે ટહેલ નાખવાનો વારો આવતો. પરંતુ આ બધા પોતાને ગમે એવું સાહિત્યનું સામયિક કાઢીને ખુવાર થનારા હતા. વળી એ સમયનો સંપાદક એ કાગળ પણ ખરીદવા જતો, પ્રિન્ટરને ત્યાં પણ જતો. એની જીવનદૃષ્ટિ જુદી હતી. જરૂરિયાત ઓછી હતી. એનામાં ખુમારી હતી. એમાં નફાની કોઈ આશા રાખતા નહીં. ચાંપશીભાઈ જો સામયિકમાંથી વધારે પૈસા મળે તો વાચકોને એકાદ ભેટ પુસ્તક આપી દેતા. એ સંપાદકો કૃતિને તપાસીને અને એનું મૂલ્યાંકન કર્યા બાદ રજૂ કરતા હતા. આ બધું જ સ્વાંત: સુખાય ચાલતું હતું. એ સામયિકોના ઉદ્દેશો પણ સ્પષ્ટ હતા. જેમકે “કુમાર” અને ‘નવચેતન' - બંને કિશોરો કે યુવાનને માટે સામગ્રી આપવાનો પ્રયાસ કરતા પણ એનો અભિગમ ને આલેખનરીતિ જુદાં હતાં. કુમારમાં સાહિત્યિક કૃતિ પ્રગટ થતી પરંતુ એ વ્યાપક અર્થમાં ચરિત્ર, ચિત્ર, શિલ્પ, વિશેના લેખો પણ આપતું. આમ પ્રજાની સંસ્કારિતા પર એની નજર હતી. જ્યારે નવચેતન આનાથી જુદું પડતું. કોઈ યુવાન કાવ્ય કે ટૂંકી વાર્તા લખે, પણ જ્યાં સુધી એ પ્રગટ ન થાય ત્યાં સુધી એને રેકગ્નિશન કઈ રીતે મળે ? જો સામયિક જાણીતા લેખકોની જ કૃતિઓ પ્રગટ કરે તો નવોદિતોનું શું ? આ અર્થમાં નવચેતને માળીનું કામ કર્યું. નવા લેખકોને પ્રેક્ટિસ કરવાની તક આપી. આની સામે સામયિકે પત્રના વેચાણમાં મુશ્કેલી પડે કારણ કે નબળી કૃતિ આવે અથવા તો અજાણ્યા લેખકની કૃતિ આવે એનું વેચાણ ઓછું થાય તે સ્વાભાવિક છે. આજે આવું માળીનું કામ કરતું કોઈ સાહિત્યિક પત્ર દેખાતું નથી.
આજના સાહિત્યિક પત્રોને એક બીજા પડકારનો સામનો પણ કરવો પડે છે. એક સમયે ગુજરાતમાં પુસ્તકની ઘણી પ્રતિષ્ઠા હતી. પુસ્તકો ઓછાં પ્રગટ થતાં અને સાહિત્યિક પત્રમાં સાહિત્યનાં જુદાં જુદાં સ્વરૂપો આવતાં. આજે વાર્તાઓ માટે દૈનિકો છે તેવું એ સમયે નહોતું. ૨. વ. દેસાઈની નવલકથા સયાજી વિજયમાં પ્રગટ થતી હોય. ગોકુલદાસ રાયચુરા અને મંત્તમયૂરની કૃતિઓ ઊર્મિમાં પ્રગટ થતી હોય. હવે માત્ર સાહિત્યિક પત્રો જ કાવ્યો કે કૃતિઓ છાપે તેવું રહ્યું નથી. બીજી બાજુ વાર્તાનાં સામયિકો એટલાં બધાં નીકળ્યાં કે સવાલ એ ઊભો થાય કે એને માટે સત્ત્વશીલ વાર્તાઓ ક્યાંથી મેળવવી ?
૨૦૩n