________________
* શબ્દસમીપ •
મોહનભાઈએ કૉર્ટનાં વેકેશનો આ સાહિત્યસંશોધન પાછળ ખર્ચ્યા. તે ઉપરાંત રાત્રે મોડે સુધી એમની આ કામગીરી ચાલતી. એમાં વકીલાતનો ભોગ પણ લેવાયો હશે. પરંતુ મુંબઈની ખોલીમાં એકલે હાથે આવા આકર ગ્રંથોના નિર્માણનું કાર્ય કેવી રીતે થયું હશે તે કૌતુકનો વિષય છે. આવાં કામ કરતા વિદ્વાનોની ફોજ ધરાવતી યુનિવર્સિટી જેવી સંસ્થાઓ પણ હાંફી જતી હોય છે. અસાધારણ સ્મૃતિશક્તિ વિના, મગજ કોમ્પ્યૂટર જેવું બનાવ્યા વગર આવાં કામ એકલે હાથે ન બને. અને મોહનભાઈએ પોતાના મગજને આવું બનાવ્યું હતું એની સાક્ષી એમનો એકેએક લેખ પૂરે છે. દેવચંદ્રજી વિશે એ લખવા બેસે ત્યારે એને અનુષંગે જે-જે વ્યક્તિઓને કૃતિનો નિર્દેશ કરવાનો આવે એના વિશેષે પૂરતી માહિતી ઠાલવ્યા વિના એમને ચેન પડે નહીં.
મોહનભાઈએ સાહિત્યસેવાનો સાચો - પૂરો અંદાજ મેળવવો ઘણો અઘરો છે. એમણે પાંચ વર્ષ જૈનયુગ’ નામનું માસિક ચલાવ્યું છે. એ પાંચ વર્ષમાં એમનો ફાળો ૮૦૦-૯૦૦ પાનાંનો છે !
મોહનભાઈનાં લખાણોનો ઉપયોગ કરીને ઘણા લોકો વિદ્વાન તરીકે પ્રસિદ્ધિ પામી ગયા પણ મોહનભાઈ પોતે અંધકારના આવરણમાં ઢંકાતા ગયા. જૈનને નિમિત્તે એમણે કરી સાહિત્યસેવા, પણ એ જાણે સંપ્રદાયસેવામાં ખપી.
મોહનભાઈને સાહિત્યસેવાનો નાદ લાગ્યો એના કરતાંયે વિશેષ ચમત્કારિક વસ્તુ તો એમણે પ્રાપ્ત કરેલી સજ્જતા છે. જૂની ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાં પણ એમનો પ્રવેશ છે. આ જ્ઞાન એમણે ક્યાંથી લીધું ? કોઈ પાઠશાળામાં કે કોઈ મુનિમહારાજ પાસેથી એમણે શિક્ષણ લીધાનું જાણવામાં આવતું નથી. ઉપરાંત એમનાં સર્વ લખાણોમાં – ‘જૈન ગૂર્જર કવિઓ' જેવા ગ્રંથમાં ખાસ અપૂર્વ શાસ્ત્રીય શિસ્ત અને વૈજ્ઞાનિક રજૂઆત દેખાય છે. એમની વિસ્તૃત શબ્દસૂચિઓ જુઓ, પૅરેગ્રાફો ને કવિઓ-કૃતિઓને ક્રમાંકો આપવાની એમની રીત જુઓ, છેક સુધી શુદ્ધિવૃદ્ધિ કરતા જવાની એમની ચીવટ જુઓ, સર્વ આધારો ને દસ્તાવેજી માહિતી નોંધી લેવાની એમની દીર્ઘદ્રષ્ટિ જુઓ— ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે તો આ ઘટના તો ઘણી વિરલ જણાશે. આની તાલીમ એમણે ક્યાંથી લીધી ? પોતાને મદદ કરનાર અનેક વ્યક્તિઓના નામોલ્લેખ કરનાર મોહનભાઈ આ વિશે કશું કહેતા નથી તેથી સમજાય છે કે એ આપઘડ્યા
Q ૨૪૫ D
ભુલાયેલો ભેખધારી
-
વિદ્વાન હતા. સેલ્ફમેઇડ મેન હતા એણે આજુબાજુ જોયું હશે, યુરોપીય વિદ્વાનોનાં કાર્યોનો પરિચય કર્યો હશે પણ તૈયાર થયા છે જાતે.
•
મોહનભાઈ માત્ર સાહિત્ય ને ઇતિહાસના ધૂળધોયા નહોતા. એમણે ધર્મ, તત્ત્વજ્ઞાન અને જીવનનીતિના લેખો પણ લખ્યા છે. એમાં એમની દૃષ્ટિ વિશાળ છે, નવા યુગની છે ને રાષ્ટ્રભાવનાથી રંગાયેલી છે. એ પોતે પ્રકૃતિએ ધાર્મિક, સરલ, સેવાભાવી ને નિઃસ્પૃહી હતા. સાહિત્યસેવાનો એમનો સર્વ શ્રમ પ્રીતિપરિશ્રમ હતો. રાજકોટમાં મામા પ્રાણજીવન મોરારજી શાહ પાસે એ ઊછર્યા ને એમની પાસેથી સાદાઈના, ધાર્મિકતાના, દેશસેવાના પાઠ એ ભણ્યા. નાનામાં નાના માણસમાં એ રસ લેતા અને એની સાથે રસ્તામાં બે-અઢી-ત્રણ કલાક ઊભા રહીને પણ એના જીવનની ઝીણામાં ઝીણી માહિતી મેળવતા. પોતે ઘસાઈને ઉપયોગી થવા પ્રયત્ન કરતા. કોઈને મદદની જરૂર હોય ત્યારે એવો સંકલ્પ કરતા કે આજે સાંજે ૪ થી ૮ કે ૫ થી ૭ દરમિયાન ધંધાની જે રોકડ આવક
થશે તે હું આ માટે આપી દઈશ.
મોહનભાઈનો ૧૮૮૫માં વાંકાનેર તાલુકાના લુણસર ગામે જન્મ. અવસાન ૧૯૪૫માં રાજકોટમાં. એમનું રાજકોટમાં સન્માન ગોઠવાયું હતું. એમને થેલી અર્પણ થવાની હતી. મુંબઈથી જૈન સમાજના અગ્રણીઓ એ માટે આવવાના હતા, પણ એના બેચાર દિવસ પહેલાં જ એ અવસાન પામ્યા. મામા કહે – આપણાથી પૈસા ન રખાય અને ૫૦-૬૦ હજારની શૈલી કશુંક ઉમેરીને પરત કરી. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ આ સંશોધકની કામગીરીની નોંધ વિના અધૂરો ગણાય.
૨૪૬)