________________
* શબ્દસમીપ
‘સ્વભાવ અને દૃષ્ટિબિંદુની ભિન્નતાથી કદી એક આરે પાણી પી શક્તા નહીં તે એમની મૈત્રીથી રાચતા .’ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’, ગોવર્ધનરામ, ન્હાનાલાલ અને એ સમયના અન્ય સહુ સાક્ષરોનો પ્રેમ રણજિતરામે સંપાદિત કર્યો હતો. ત્રિભુવનદાસ ગજ્જ૨ની પ્રકૃતિ લાક્ષણિક હતી. રાતના બે વાગ્યે કોઈ વિચાર આવે એટલે રણજિતરામને ઉઠાડીને એની નોંધ કરાવે. રણજિતરામ જીવનભર ત્રિભુવનદાસ ગજ્જરનો ઋણસ્વીકાર કરતા રહ્યા.
રણજિતરામના જીવનઘડતરમાં એમના પિતા વાવાભાઈનો મહત્ત્વનો ફાળો છે. વાવાભાઈનો સ્વભાવ ઘણો કડક હતો. તેઓ ઘરમાં બહુ ઓછું બોલે. મોટે ભાગે વાંચવામાં જ તલ્લીન હોય. એમાં પણ રણજિતરામ સૌથી મોટા પુત્ર હોવાથી મર્યાદા નડતી હતી. પિતાની સરકારી રેવન્યુ ખાતાની નોકરીને કારણે ભરુચ અને સુરત જિલ્લાનાં ગામડાંઓમાં બાળપણ ગાળવાનું બન્યું. અંગ્રેજી છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે રણજિતરામ કુસંગતથી બીડી-સિગાર પીવા લાગ્યા. કાયસ્થ જ્ઞાતિમાં બીડી પીવામાં ધાર્મિક બાધ આડે આવતો નહોતો, પરંતુ રણજિતરામનું કુટુંબ વૈષ્ણવ ધર્મ પાળતું હોવાથી બીડી પિવાતી નહીં. એક દિવસ રણજિતરામના કોટના ખિસ્સામાંથી સિગાર હાથ લાગતાં વાવાભાઈએ સખત શિક્ષા કરી. એ સમયથી એમણે સિગાર-બીડી જ નહીં, બલ્કે કુસંગત પણ છોડી દીધી.
રણિજતરામનું શરીર એકવડા બાંધાનું, નાજુક અને નિર્બળ હતું અને એથી જ એમના મિત્રો મજાકમાં એમ કહેતા પણ ખરા કે રણજિતરામ સાહિત્યથી જીવે છે. રણજિતરામના અક્ષર મોતીના દાણા જેવા હતા. સાહિત્યકારો સાથેના પત્રવ્યવહારમાં એમના અક્ષરો તરત જ સ્પર્શી જતા.
ગુજરાતના સાક્ષરો સાથેના એમના સંપર્કે એમના સાહિત્યપ્રેમને પાંગરવાની મોકળાશ આપી. રણજિતરામને મન સાહિત્ય તે એવી નિકષશિલા છે કે જે પ્રજાનું વિચારજીવન ઉત્કૃષ્ટ છે કે નિકૃષ્ટ તે દર્શાવે છે. તેમને મતે પ્રજાના ઉડ્ડયન, વાંછના, ઉચ્ચગ્રાહો આદિ સાહિત્યમાં આવિર્ભાવ પામે છે અને સાહિત્યથી એ બધાંને ઉત્તેજન અને ઉન્નતિ સાંપડે છે. સાહિત્ય વિશેની એમની આ ભાવનાએ જ એમને સાક્ષરોની પરિષદ માટે પ્રેરણા આપી. એમણે જોયું કે એ સમયે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી માત્ર ગ્રંથપ્રસિદ્ધિનું જ કાર્ય કરતી હતી. વળી
Q ૨૩૧]
• ગુજરાતી અસ્મિતાનો દ્રષ્ટા •
એમાં કોઈ પણ વ્યક્તિ સભાસદ થઈ શકે તેમ હોવાથી માત્ર ગુજરાતના સાક્ષરો જ તેમાં હોય તેવું નહોતું. યુવાન રણજિતરામની નજર તો ફ્રેંચ એકૅડેમી, બંગીય સાહિત્ય પરિષદ, નાગરી પ્રચારિણી સભા જેવાં મંડળો પર હતી. આવું મંડળ ગુજરાતમાં થાય તેને માટે એમણે ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કરી.
રણજિતરામ માનતા હતા કે પ્રજાના સમગ્ર જીવનને ભાવનાથી રંગનાર સાહિત્ય છે. આ માટે વિદ્વાનો, સાક્ષરો અને પંડિતો ભેગા થાય તો જ કાર્ય સિદ્ધ થાય. આથી ગુજરાત સાહિત્ય સભા દ્વારા અમદાવાદમાં રણજિતરામે પહેલી સાહિત્ય પરિષદ ભરવાનું બીડું ઝડપ્યું. આવી સાક્ષરોની સાહિત્ય પરિષદ પાછળ ભાવનાશાળી રણજિતરામનો આશય શો હતો ? “એના દ્વારા ગુજરાતી ભાષામાં પાંડિત્ય અને રસિકતા ખીલે, નવીન શોધખોળ માટે ઉત્કંઠા તીવ્ર થાય અને વિદ્યામાં સમાયેલા સર્વ વિષયોનું સાહિત્ય આપણી ભાષામાં રચાય.” ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાના આ સ્વપ્નસેવી લેખો, સંસ્થાઓ અને સર્જકોના સાથથી તેને સાકાર કરવાનો પુરુષાર્થ કરતા હતા. આનો અર્થ એ કે સાહિત્યમાં રણજિતરામે ઇતિહાસ, ધર્મ, તત્ત્વજ્ઞાન – એ બધાંને આવરી લીધા હતા. આની પાછળ બે આશય મુખ્યત્વે હતા : પૂર્વજોની જ્ઞાનસમૃદ્ધિનો ઉપયોગ કરવો અને પાશ્ચાત્ય ઉદ્યાનનાં કુસુમો લાવી એમને ખીલવવાં. પોતાનો આશય મહત્ત્વાકાંક્ષી છે એમ સમજતા હતા, પણ સાથોસાથ મૂંઝાઈને પગ વાળીને બેસનારા નહોતા. એમના મનમાં હતું કે જો આજે સ્ફુલિંગ પ્રગટશે તો ભવિષ્યમાં વિશ્વને અજવાળતો સૂર્યનારાયણ જન્મશે. તેઓ કહેતા કે હિમાલયના ઉત્તુંગ શિખર પર ચડવાની અભિલાષા હશે તો ઘોડાસરના ટેકરા ચડાશે.
પ્રથમ સાહિત્ય પરિષદના આયોજન માટે રણજિતરામ વાવાભાઈ જ્યારે આનંદશંકર ધ્રુવને મળવા ગયા ત્યારે એમને પ્રશ્ન પૂછ્યો, “પરિષદમાં શેની ચર્ચા કરશો ? જોડણીની ?” અને હકીક્તમાં એ પરિષદમાં નરસિંહરાવ દિવેટિયાએ જોડણી વિશે વિસ્તૃત નિબંધ વાંચ્યો. પ્રો. આનંદશંકર ધ્રુવે પણ આ વિષય પર નિબંધ વાંચ્યો. સ્વ. કેશવલાલ ધ્રુવે વાચ્યાપાર પર નિબંધ વાંચ્યો, જેમાં ગુજરાતી વ્યાકરણની વિગતે વાત કર્યા બાદ જોડણીના પ્રશ્નની છણાવટ કરી હતી અને પ્રથમ સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીએ પોતાના ઉપસંહારમાં જોડણી વિશે મંતવ્ય પ્રગટ કર્યું. જોડણી અને લિપિ વિશે આજે પણ ચર્ચા ચાલે છે, એનો પ્રારંભ પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાંથી થયો
ગણાય.
૨૩૨]