________________
• શબ્દસમીપ • ઐતિહાસિક દૃષ્ટિએ ધૂમકેતુએ નવલિકાનું કલાસ્વરૂપ ઘડી આપ્યું. એમણે ગુજરાતી નવલિકામાં ઘણી ક્ષિતિજો ઉઘાડી આપી. એના ભાવનાશીલ આદર્શપ્રેમી પાત્રો આવતી કાલની વધુ વાસ્તવલક્ષી અને ઉપયોગિતાલક્ષી દુનિયાની પરિસ્થિતિમાં વધુ આકર્ષણ કરે તો નવાઈ પામવા જેવું નથી. ગુજરાતી નવલિકાને એના ઉગમકાળે જ આવા સર્જક મળ્યા તે એનું મહાભાગ્ય કહેવાય. વળી ચિંતન અને સર્જનની અભિવ્યક્તિમાં ધૂમકેતુનું ગદ્ય એક નવો જ ઉન્મેષ પ્રગટ કરે છે. એમની વાર્તાઓમાં એવું કંઈક છે કે જેમાં આપણને રસ પડે અને જે આપણને ખેંચી રાખે. ટૂંકીવાર્તાના વસ્તુમાંથી માનવતત્ત્વ પકડીને તેને શબ્દબદ્ધ કરવાની કળા ધૂમકેતુએ બતાવી છે. જેને વાંચીને આસ્વાદવાનું મન થાય તેવી ટૂંકીવાર્તા આપી છે. ધૂમકેતુની નવલિકાઓની ઘટનામાં વિશેષ બળ નથી. એમની વધુ કુશળતા તો ઘટનામાંથી વિસ્તરતાં માનવતત્ત્વોને પકડીને તેનું નિરૂપણ કરવામાં આવે છે. ધૂમકેતુ પોતે પોતાના સર્જનની વિવેચકની અદાથી પુનઃતપાસણી કરતા હતા તેવી નોંધ ધૂમક્તના પુત્ર દક્ષિણકુમાર જોશીએ ‘ધૂમકેતુની સર્જનપ્રક્રિયાની ભીતરની ઝલક’ આપતાં કરી છે. ધૂમકેતુ પોતે સર્જનને ફરી ફરી ચકાસવું જોઈએ અને તેના પર રંધો ફેરવતા રહેવું જોઈએ એમ માનતા હતા.
ધૂમકેતુનું નવલિકાસર્જન જોતાં પ્રશ્ન એ થાય છે કે ઈ. સ. ૧૯૨૬માં ‘તણખા મંડળ ૧' પ્રગટ થયું. એ પછી એમના અવસાન પર્યત એટલે કે ૧૯૯૫ સુધી એમનું નવલિકાલેખન ચાલુ રહ્યું. ચોવીસ વાર્તાસંગ્રહ, ૪૯૨ વાર્તાઓ અને આશરે ત્રેપનસો પાનાંમાં આ સામગ્રી સચવાયેલી છે. ‘તણખા મંડળ ૧’ પછી ધૂમકેતુ પાસેથી ‘રતનો ઢોલી' જેવી કેટલીક નોંધપાત્ર વાર્તાઓ મળી, ધૂમકેતુએ નવલિકામાં એક નવો આરંભ કરી આપ્યો છતાં છેક સુધી આરંભમાં જે રીતની નવલિકા લખી તે જ રીતે લખવાનું ચાલુ રાખ્યું.
એક સવાલ એવો થાય કે ‘તણખા મંડળ ૧' પછી ધૂમકેતુની ટૂંકીવાર્તાઓનો વિકાસ કેમ ન થયો ? બીજી બાજુ ‘દ્વિરેફ' સતત પ્રયોગો કરતા રહીને આવો વિકાસ સાધે છે. આજે મધુ રાય પણ આ જ રીતે નવા નવા પ્રયોગો સતત કરતા રહે છે. એ પ્રયોગ સફળ થાય કે નિષ્ફળ જાય એ વાત જુદી છે. ધૂમકેતુએ ‘તણખા મંડળ ૧' પ્રગટ કર્યું એ પછી ૩૯ વર્ષ સુધી નવલિકાલેખન સતત ચાલુ રાખ્યું. આમ છતાં ‘દ્વિરેફ'ની માફક વિષય કે ટેનિકના નવા પડકારને ઝીલવાનો પ્રયાસ એમણે કર્યો નથી. ‘દ્વિરેફ'માં Psychological theme મળે છે. એ સમયે આ પ્રકારના વિષયવસ્તુ પર નવલિકાની રચના કરવાનું ‘દ્વિરેફ'ને જ સૂઝે. નવલિકાના ‘થીમ'નો જે પડકાર ‘દ્વિરેફ' કે જયંતિ દલાલ ઝીલે છે તે
૧૮૨ ]
• ‘ધૂમકેતુ'નો ચિર પ્રકાશ • ધૂમકેતુમાં દેખાતો નથી. ‘તણખા મંડળ ૧” પછીની વાર્તાઓમાં ક્યાંક સેટિંગ્સ બદલે છે, પણ ચેતનાના નવા નવા પ્રદેશો ખૂંદી વળવાનું સાહસ ધૂમકેતુ કરતા નથી. આનું એક કારણ એ પણ હોઈ શકે કે પોતે રચેલી એક Idealised સૃષ્ટિમાં રહેનાર સર્જકને માટે આ કામ મુશ્કેલ હતું. વળી એમના પ્રત્યક્ષ પરિચયને કારણે બીજું કારણ પણ કહી શકું અને તે છે અતિલેખન. રોજ એક ફર્મા જેટલું લખાણ લખાવું જ જોઈએ એવો નિયમ તેઓ રાખતા હતા.
ધૂમકેતુમાં ઊર્મિતત્ત્વ અને દ્વિરેફમાં બુદ્ધિનું તત્ત્વ પ્રધાન છે એ વાત સાચી. પણ એકલી બુદ્ધિની રમત વાર્તાને ટુચકો બનાવી દે છે. એને અત્યંત સ્થળ એવું પરિમાણ આપે છે. ટૂંકીવાર્તામાં તો બુદ્ધિ અને ઊર્મિ બંને જોઈએ. બુદ્ધિનો ઊર્મિના અંકુશ તરીકે ઉપયોગ થતો હોય ત્યાં ઉત્તમ પરિણામ આવે. ધૂમકેતુ અને દ્વિરેફની ઉત્તમ વાર્તાઓમાં આવું સંયોજન જોવા મળે છે. 'મુકુંદરાય' કે “ખેમી' જેવી વાર્તાઓમાં ઊર્મિતત્ત્વ ન હોય તો તેની અસર થશે ખરી ? કાકાસાહેબે એક સ્થળે નોંધ્યું છે કે “ખેમી” અને “મુકુંદરાય'ની નીચે રા. વિ. પાઠકની સહી ન હોય તો એ વાર્તા ધુમકેતુની જ લાગે. પણ જ્યાં કેવળ બુદ્ધિની જ રમત હોય ત્યાં એ નવલિકા બનતી નથી. જેમકે ‘દ્વિરેફ'ની ‘એક પ્રશ્ન' એ વાર્તા બનતી નથી. એની સામે ધૂમકેતુની ‘જુમો ભિસ્તી' જેવી નાની વાર્તા જોઈ શકાય. મનુષ્યચિત્ત અને મનુષ્યહૃદય આ બંનેમાં ચૈતન્ય છે. એ ચેતનાને વાર્તામાં ગોઠવતાં ઊર્મિ અને બુદ્ધિનું સંયોજન થવું જોઈએ.
નવલિકામાં ‘દ્વિરેફ' જુદી જુદી ટેનિક અજમાવે છે. જુદા જુદા પ્રયોગો કરે છે, જે એ પછીના જયંતિ દલાલ જેવા લેખકો માટે પ્રેરણારૂપ બન્યા. જ્યારે ધૂમકેતુની નવલિકાઓના ચીલે ચાલીને ભવાનીશંકર વ્યાસે ‘પદધ્વનિ” વાર્તાસંગ્રહ આપ્યો. કિશનસિંહ ચાવડામાં ધૂમકેતુની લાગણીમયતાનો પડઘો સંભળાય છે, પરંતુ એ માર્ગે પછીની ગુજરાતી નવલિકા ચાલી નથી. જ્યારે દ્વિરેફનો ફાળો વિશેષ છે.
એવું પણ હોય કે ધૂમકેતુનું અનુસરણ કરવું પછીના લેખકોને માટે મુશ્કેલ બન્યું હોય, આ પ્રકારની નવલિકામાં ઊર્મિનું સ્તર ન જળવાય તો તે ઊમિમાંઘમાં જ સરી પડે. ધૂમકેતુની જેમ આપણા ઊર્મિકવિ ન્હાનાલાલનું પણ અનુસરણ ઓછું થયું છે. તર્કથી નવલિકાની રચના કરવી સરળ છે, પણ ઊર્મિતત્ત્વને અવલંબીને વાર્તાની રચના કરવી અઘરી છે. આ અંગે ગુલાબદાસ બ્રોકરનો પ્રતિભાવ જોવા જેવો છે. પોતાના વાર્તાસર્જનના આરંભના સમય વિશે લખતાં તેઓ કહે છે કે –
૧૮૩ ]