________________
કાલલોક
૧૭ પછી નગરીમાં ભવ્યાતિભવ્ય પ્રવેશનું વર્ણન છે. ત્યાં નગરમાં પોતાના મહેલમાં આવીને જે-જે ઔચિત્ય વિગેરે કરે છે, તેની વિગત છે. - ત્યાર પછી કેટલોક કાળ પસાર થયા બાદ એમનો રાજ્યાભિષેક થાય છે. તેની પૂર્વની વિધિ તથા તે માટેની તૈયારીઓનું વર્ણન છે અને તે કેવા મુહૂર્તમાં કરે અને કેવી રીતે ? તે સર્વ વર્ણન છે.
ચક્રી કુલ કેટલા અટ્ટમ કરે તથા કેટલી વખત બાણનો ઉપયોગ કરે, તે બતાવીને પછી ચક્રરત્ન આયુધશાળામાં જાય ત્યાં સુધીનું વર્ણન છે.
હવે ૭ એકેન્દ્રિય રત્નો અને ૭ પંચેન્દ્રિય રત્નોનું વર્ણન છે. તેમાં પ્રથમ ક્રમશઃ ૧. ચક્રરત્ન, ૨. દંડરત્ન, ૩. ખગરત્ન, ૪. છત્રરત્ન, ૫, ચર્મરત્ન, 3. મણિરત્ન, ૭. કાંકિણીરત્ન. આ સાતેનું ખૂબ જ વિસ્તારથી સુંદર શૈલીમાં વર્ણન કરેલ છે.
ત્યારપછી સાત પંચેન્દ્રિય રત્નોનું વર્ણન છે. તેમાં સૌ પ્રથમ ૧. સેનાપતિરત્ન, ૨. ગૃહપતિરત્ન, ૩. વાર્ધકીરત્નનું વર્ણન છે. તેમાં વાર્ધકીરત્નના વર્ણનમાં પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે વિસ્તારપૂર્વક લગભગ પ્રારંભિક ઉપયોગી વાસ્તુશાસ્ત્રનું નિરૂપણ કરીને આ વિષયથી પણ આ ગ્રંથ બાકી ન રહી જાય, તેનું પૂરું ધ્યાન રાખ્યું છે.
ત્યારપછી ૪ પુરોહિત રત્ન, ૫. ગજરત્ન, ૬. અશ્વરત્ન અને ૭. સ્ત્રીરત્નનું વર્ણન કરેલ છે.
આ બધા રત્નોના અધિષ્ઠાયક રક્ષક દેવો આદિ પણ બતાવેલ છે. તે ઉપરાંત જે નવનિધિઓ ઉત્પન્ન છે, જે શાશ્વત અને અક્ષય હોય છે, તેનું વર્ણન કરેલ છે.
તેમાં ક્રમશઃ ૧. નૈસર્પ, ૨. પાંડુક, ૩. પિંગલ, ૪. સર્વરત્નક, ૫. મહાપદ્મ, ૬. કાળ, ૭. મહાકાળ, ૮. માણવક, ૯. શંખ નામ બતાવીને એ નવેનું ખૂબ જ વિશદ વર્ણન કરેલ છે, કે જેથી આપણને સર્વ હકીકત ખ્યાલમાં આવી શકે અને નવે નિધિઓની મહત્તા પણ જાણી શકીએ.
છેલ્લે લગભગ ૨૦ શ્લોકમાં ચક્રવર્તીની ઋદ્ધિનું એટલે દેવો–રાજાઓ–આદિનો સંખ્યાથી નિર્દેશ કરીને ચક્રીનું પ્રકરણ પૂર્ણ કરેલ છે.
ત્યારપછી વાસુદેવ અને બળદેવનું વર્ણન છે. તેમાં પણ ચક્રીના ક્રમ પ્રમાણે વિકાસ બતાવીને મહત્ત્વના પ્રસંગોનું મુદાસર વર્ણન કરેલ છે.
વચ્ચે કોટીશિલાનો પ્રસંગ આવતાં એનું પણ વિસ્તારથી વર્ણન છે, તેનું નામ કેમ પડ્યું ? આનો ઉપયોગ કયારથી શરૂ થયો વિગેરે વિચાર સપ્તતિકાના આધારે જણાવેલ છે. પ્રતિવાસુદેવના સ્વરૂપમાં વાસુદેવનું પ્રમાણ આપીને વિશેષ જે હોય તેનું વર્ણન કરેલ છે.
ત્યાર પછી નવ નારદોનું સ્વરૂપ બતાવતાં તેના પુરાવા માટે શ્રીરામચરિત્રનું એક દષ્ટાંત આપેલ છે અને એ રીતે નારદ કેવા હોય ? તેનો સ્વભાવ કેવો હોય ? વિગેરેનું સુંદર વર્ણન કરેલ છે.
ત્યાર પછી ૧૧ દ્રોનું ફક્ત ૧ શ્લોકમાં અલ્પ વર્ણન છે. એમના વિષે વિશેષ કંઈ કહ્યું નથી. છેલ્લે પુરુષોના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ વિભાગ પાડીને બતાવેલ છે. તેમાં કયા-ક્યા પુરુષો આવે? તે બતાવેલ છે. આ રીતે શકય એટલા વિસ્તારથી ચક્રવર્તી આદિનું સ્વરૂપ બતાવવા છતાં સરળતા અને નમ્રતાના ભંડાર પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે—હું તો અલ્પ જ વાત કરી શક્યો છું. વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ આગમશાસ્ત્રોનું અવગાહન કરવું.
આ રીતે ૨૮ થી ૩૧ સર્ગના આ કાળલોક પૂર્વાર્ધના સંક્ષિપ્ત વર્ણનથી જ ખ્યાલ આવશે કે આ મહાનગ્રંથમાં કેવા ઉચ્ચ પદાર્થો આપ્યા છે.
આપણે પણ આ મહાનગ્રંથને યથામતિ સમજીને એના તત્ત્વચિંતનમાં મગ્ન બની આત્મ કલ્યાણના પંથે આગળ વધી શિવસુખના ભોક્તા બનીએ. વિ. સં. ૨૦૪૫. ચૈત્ર સુદ-૧૩
મુનિ હેમપ્રભવિજય પરમાત્મા મહાવીરસ્વામી જન્મ કલ્યાણક ભુજ (કચ્છ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org