________________
૧૦૬૦
મહાશાસનની એક એક વાતમાં વિશ્વની અદ્ભુત રક્ષા અને દ્રવ્ય ભાવ પ્રાણોની પ્રગતિનો પમરાટ સ્પષ્ટપણે દેખાવા લાગ્યો. પણ સંસ્કૃતિની રક્ષા માટેના પુણ્યપ્રકર્ષ અને પ્રસર ક્યાંથી પ્રાપ્ત કરવા? જાતે ઝઝુમવું. સર્વસ્વના ભોગે પણ થાય એટલો ફેલાવો કરવો.
જિન શાસનનાં
પાંડિત્ય પાસે હતું વિશાળ વાંચન અને નિદિધ્યાસન આત્મસાત્ કર્યા. પછી તો એક જ સુંદર તારક ધૂન. ‘શાસન તાહરું અતિ ભલું, જગ નહીં કોઈ તસ સરખું રે,' તિમતિમ રાગ ઘણો વાધે, જિમ જિમ જુગતિશું પરખું રે.
પરમાત્માની આજ્ઞા એ જ સિદ્ધાંત. એનો પ્રચાર એ જ સંસ્કૃતિની સુરક્ષા-શક્યપાલન જં કર્તવ્ય. પણ.....આ બધી વાતો કરવાની અતિ સૂક્ષ્મતાથી. એકદમ હૈયે કેમ બેસે ? કોઈક મજાક અને ઠેકડીમાં પણ વાત ઉડાવે. પણ વાર્તાલાપમાં તદ્દન શાંત ભાવ. ગમે તેવા કરડા પ્રશ્નમાં પણ જરાએ અકળામણ નહીં. કારણ કે વીતરાગ પ્રભુનો જ્ઞાનખજાનો હૈયામાં સભર હતો. સુયુક્તિ-તર્ક-ન્યાય ભરપૂર હતા. શ્રદ્ધાબળ ગંભીર અને અતિસૂક્ષ્મ હતું.
૩૫ વર્ષ પહેલાંના પ્રથમ પરિચયે, દીર્ઘ સહવાસે, શ્રુતના અનભ્યાસી પણ પ્રવચનના પ્રશંસક આ લખી રહેલ આત્માએ ઘણી ચર્ચાઓ તલસ્પર્શી રીતે કરેલી. તેમાંની એક ટાંકી જણાવું. ‘હિન્દુસ્તાન આબાદ થશે. હિન્દુસ્તાનની પ્રજા બરબાદ થશે.' એમના આ વિધાન સામે ખૂબ ચર્ચા ચાલી. યુક્તિઓ અને હકીકતોથી સમજાવી. સમજાઈ, પણ હૈયે બેસી નહીં. પણ આજે સર્વતોમુખી સત્ય તરીકે એ વિધાનને–એ શબ્દોને સર્વ કોઈ અનુભવી રહ્યું છે. આ તો હળવું દૃષ્ટાંત માત્ર.
દેશ કે પરદેશના માંધાતા આગેવાનોના શબ્દોની અને વિધાનોની સ્પષ્ટ નીડરપણે પણ સૌમ્ય ભાષામાં સમીક્ષા કરવામાં પૂર્ણ આર્યદૃષ્ટિ અને ભારતીય ઉચ્ચ સંસ્કૃતિનો હેતુ ગૂંજતો રહેલ છે. કોઈ વ્યક્તિ તરફ દુર્ભાવ નહીં, શુદ્ધ સત્ય તરફનો પૂર્ણ ઢાળ. આ હતી એક ખાસિયત અને અનોખી ખૂબી એ સુરમ્ય આત્માની.
પૂજ્ય સાધુ મહાત્માઓ તરફનો એમનો પૂજ્યભાવ અને નમ્રતા આદર ઉપજાવે એવા હતા. શાસનગત સર્વ મહાત્માઓ તરફ આદર સાથે કરવા યોગ્ય સૂચનોમાં જરા પણ સંકોચ ન રાખતા. પૂરો વિવેક અને ઔચિત્ય જાળવતા. ‘પંડિત’ શબ્દ ત્યારે તે આત્મામાં સાર્થકતા પામતો.
આર્ય સંસ્કૃતિના રક્ષણની ભાવના સાથે માર્ગાનુસારિના ગુણોને જીવનમાં જીવવા યત્નશીલ રહેતા. મહાસંસ્કૃતિ-મહાશાસન-સર્વજ્ઞ વીતરાગ ભગવંતના સિદ્ધાંતોની સૂક્ષ્મ વિચારણા એટલી ઊંડી અને તલસ્પર્શી કરતાં કે જાણે ભગવંત ભાષિત સમ્યગ્દર્શનના તાગને આત્મા સાથે ઓતપ્રોત કરવા ન મથતા હોય ! એક આકસ્મિક સંકેત હોય તેમ ગત વર્ષના આસો વદ ૧૩ના રોજ પ્રકાશન પામેલું એમના લખાણનું એક પુસ્તક ‘સનાતન સત્યના ચમકારા' સવારે ૮।। વાગ્યે વાંચવા મળ્યું અને બપોરના ૩।। વાગ્યે એમનો સ્વર્ગવાસ થયો.
આ પુસ્તકમાં દેવ-ગુરુ-ધર્મ-તપ-તીર્થ અને ઉપાશ્રયની મહત્તાસૂચક છણાવટ કોઈ અજબ કોટિની છે. પુસ્તકના સંપાદક અરવિંદ પારેખ એક બાહોશ ઉત્સાહી તંત્રી છે. ‘હિત-મિત-પછ્યું-સત્યમ્’ માસિકનું ‘પ્યુન ટુ એડિટર' તરીકેનું તંત્ર ૧૭ વર્ષથી સેવાભાવે ચલાવી રહ્યા છે. શ્રી જૈનશાસન અને આર્યસંસ્કૃતિના હૈયાભાર આવા વિચારક યુવાન શિષ્યભાવે મળવાથી શ્રી પ્રભુદાસભાઈ શાસનગત વિચારધારાને વહેતી મૂકવામાં સારા સફળ થયા એ હકીકત છે. માટે જ આટલો અંગુલિનિર્દેશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org