________________
૧૩૫૧
અબ્રહ્મચર્યનું સેવન પ્રાયઃ દશ ભવનપતિ, દશ વ્યંતર જાતિના દેવ, આઠ મુખ્ય વ્યંતર દેવ, જયોતિષ્ક અને વૈમાનિક દેવ, મનુષ્ય તથા પંચેન્દ્રિય તિર્યંચના જીવો કરે છે. અબ્રહ્મનું સેવન મોહના ઉદયથી થાય છે. આ સ્ત્રી-પુરુષના મળવાથી હોવાના કારણે તેને મૈથુન કહેવામાં આવે છે. અબ્રહ્મ સેવનનો સંબંધ બાહ્ય ઐશ્વર્યથી અને શારીરિક ગઠનથી જોડાયેલ છે. આ કારણે જ ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ અને માંડલિક રાજાઓના વિપુલ ઐશ્વર્યનું વર્ણન કરી અંતમાં કહ્યું છે કે અનેક પ્રકારની ઉત્તમ પત્નિઓની સાથે કામભોગ ભોગતા એ ચક્રવર્તી આદિ ક્યારેય તૃપ્ત થયા નથી. તૃપ્ત થયા વગર જ તે મૃત્યુને પ્રાપ્ત થયા. એટલા માટે અબ્રહ્મ સેવનનો અંત કરવો ઘણો જ મુશ્કેલ છે.
અકર્મભૂમિના સ્ત્રી-પુરુષ સર્વાંગસુંદર અંગોથી સંપન્ન હોય છે. પુરુષ વજ્રૠષભનારાચ અને સમચતુરસ્ત્ર સંસ્થાન યુક્ત હોય છે. એમના પ્રત્યેક અંગ કાંતિથી દેદીપ્યમાન રહે છે તથાપિ તે ત્રણ પલ્યોપમની આયુ સુધી કામભોગોને ભોગવીને પણ અતૃપ્ત જ રહે છે. યુગલિક પુરુષો અને સ્ત્રીઓના પગ, નખ, નાભિ, વક્ષસ્થલ, હસ્ત, સ્કંધ આદિ પ્રત્યેક અંગનું આ અધ્યયનમાં સૌંદર્ય વર્ણિત છે. સ્ત્રીઓ સર્વાંગસુંદર હોવાની સાથે છત્ર, ધ્વજા આદિ ૩૨ લક્ષણોથી પણ યુક્ત હોય છે. એવી સ્ત્રીઓને અપ્સરાઓ કહી શકાય છે. પરંતુ પરસ્પર મૈથુન સેવન તો એને પણ તૃપ્તિ આપી શકતું નથી અને મૃત્યુ થઈ જાય છે.
કર્મભૂમિના મનુષ્ય મૈથુનની વાસનાના કારણે અનેક પ્રકારના અનર્થ કરી બેસે છે. પરસ્ત્રી સેવનના પ્રત્યે પણ પ્રવૃત્ત થઈ જાય છે. પરંતુ અબ્રહ્મનું સેવન કરવાવાળા આલોકમાં નષ્ટ થઈ જાય છે અને પરલોકમાં પણ નષ્ટ થઈ જાય છે. અબ્રહ્મના કારણે સીતા, દ્રોપદી, રુમિણી આદિ માટે સંગ્રામ પણ થયા.
પરિગ્રહને એક એવા વૃક્ષની ઉપમા દીધી છે- જેની જડ અનંત તૃષ્ણા છે. જેના તના લોભ, કલહ, ક્રોધાદિ કષાય છે. જેની શાખાઓ ચિંતા, માનસિક સંતાપ આદિ છે. જેની શાખાનો અગ્રભાગ ઋદ્ધિ, રસ અને શાતારુપ ગારવ છે. બીજાને ઠગવારુપ વૃત્તિઓ જેની કુંપલ છે તેમજ કામભોગ જ જેના પુષ્પ અને ફળ છે. એ પરિગ્રહ વધારે લોકોને હૃદયથી પણ પ્યારો લાગે છે. પરંતુ નિર્લોભતા રૂપ મોક્ષોપાયની જ આ સાંકળ છે.
ચારે પ્રકારના દેવોમાં પરિગ્રહની પ્રચુરતા હોવા છતાં પણ તે ક્યારેય તૃપ્ત થતા નથી. આ દેવોના ઐશ્વર્યનું આ અધ્યયનમાં વર્ણન થયું છે. આ જ પ્રમાણે અકર્મભૂમિના મનુષ્ય અને કર્મભૂમિઓમાં ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, માંડલિક રાજા, યુવરાજા, ઐશ્વર્યશાળી લોકો, સેનાપતિ, શ્રેષ્ઠી રાજમાન્ય અધિકારી, સાર્થવાહ આદિ અનેક મનુષ્ય પરિગ્રહધારી હોય છે. પરિગ્રહના સંચય હેતુ લોકો અનેક પ્રકારની વિદ્યાઓ શીખે છે. હિંસાના કૃત્યમાં પ્રવૃત્ત થાય છે. જુઠું બોલે છે. બીજાને ઠગે છે. મિલાવટ કરે છે. વેર-વિરોધ કરે છે. છતાં પણ ઈચ્છાઓની તૃપ્તિ થતી નથી.
આશ્રવના આ પ્રકરણમાં હિંસા, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મ અને પરિગ્રહરુપ પાપોનું વર્ણન કરતા મુમુક્ષુઓને એનાથી બચવાની શિક્ષા આપી છે. કારણ કે પ્રાણી આ આશ્રવોના કારણે કર્મબંધ કરી સંસારમાં ભ્રમણ કરે છે. જે એનો ત્યાગ કરી અહિંસા આદિ સંવરોનું આચરણ કરે છે તે મુક્તિને પ્રાપ્ત કરી લે છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org