________________
આમુખ ધીરજ હ. શાહ
| દિલીપ વ. શાહનું આ પુસ્તક, યુગપુરુષ - ચિત્રભાનુજી, ઉત્તર અમેરિકામાં પ્રસરેલા જૈન ધર્મ અંગે અઢળક માહિતી પૂરી પાડે છે તથા તે વ્યક્તિપ્રતિભા વિષે પણ વાત કરે છે જેણે સતત ૫૦ વર્ષ સુધી એ માટે અથાક પ્રયત્નો કર્યા, અનેક વિઘ્નોનો સામનો કરી તેની પાર ઉતર્યા. ગુરૂદેવ ચિત્રભાનુજી વિષે ઘણું લખાયું છે પણ આ એવો પહેલો પ્રયાસ છે જેમાં તેમની ૯૬ વર્ષની જિંદગીને વિગતવાર ઇતિહાસ સાથે દસ્તાવેજરૂપે રજૂ કરવામાં આવી છે. પુસ્તકમાં ૨૫ પ્રકરણ છે; દરેક પ્રકરણ આ યુગપુરુષની જિંદગીની મહત્ત્વની ઘટનાનો ચિતાર આપે છે.
રૂપરાજેન્દ્ર (ચિત્રભાનુજી), આ કથાના નાયક શાંતિ અને અહિંસાના દૂત ગણાય છે. ૧૮૯૩માં વીરચંદ ગાંધીએ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મની ઓળખ પશ્ચિમને આપી તે પછી કોઈએ પણ જૈન ધર્મના પાયાના સિદ્ધાંત, જીવન પ્રત્યેના આદરભાવના સંદેશને વિશ્વભરમાં પ્રસરાવવામાં ગુરુદેવ ચિત્રભાનુજી જેટલો ફાળો નથી આપ્યો.
આ પુસ્તકને અંગ્રેજીમાં વાંચીને મને ઘણો ફાયદો થયો. આ કારણે હું અમેરિકન સૈન્યને જૈન ધર્મનો મૂળભૂત સિદ્ધાંત - અહિંસા, સમજાવી શક્યો અને ધાર્મિક દ્રઢતાને પગલે જૈનોની સૈન્યમાં ફરજિયાત ભરતી અટકાવી શક્યો.
તેમનાં કાર્યએ ઘણાં જૈન યુવકોને પશ્ચિમી વિશ્વમાં જૈન ધર્મનાં મશાલ ધારક બનવા પ્રેરણા આપી. જ્યારે હું તેમની સાથે ૧૯૯૮ની સાલમાં યંગ જૈન્સ ઑફ અમેરિકાનાં ઉદ્દઘાટન સંમેલનમાં હ્યુસ્ટન ગયો હતો ત્યારે આ મેં જાતે અનુભવ્યું હતું.
૧૯૭૧માં તે યુએસએ આવ્યા તે પછી ઉત્તર અમેરિકાનાં જૈન સમુદાય પ્રત્યે તેમનો ફાળો અપ્રતિમ રહ્યો છે. તેમણે ફેડરેશન ઑફ જૈન એસોસિએશન ઈન નૉર્થ અમેરિકા (JAINA)ની સ્થાપના કરવામાં મદદ કરી તથા ઉત્તર અમેરિકાનાં તમામ જૈનોને સંગઠિત કર્યા. જૈના અને જૈન મેડિટેશન ઈન્ટરનેશનલ સેન્ટર (JMIC) દ્વારા તેમણે કરેલા જૈન સિદ્ધાંતોના સંદેશનો પ્રચાર પ્રસાર અસાધારણ કાર્ય છે. પ્રાણી કુરતા નિવારણ માટેનું તેમનું કાર્ય તથા શાકાહારના ફાયદાને લોકો સુધી પહોંચતા કરવામાં તેમનો ફાળો નોંધપાત્ર છે. હજ્જારો પશ્ચિમિઓએ તેમના પ્રયત્નોનાં પગલે જ શાકાહાર અપનાવ્યો છે અથવા તો તેઓ વિગન થઈ ચૂક્યાં છે અને નિયમિત ધ્યાન પણ કરે
છે.