Book Title: Yugpurush Chitrabhanuji Author(s): Dilip V Shah Publisher: Navbharat Sahitya Mandir View full book textPage 9
________________ વિશ્વમાં ઉજાગર કર્યા. અહિંસાની સાથે અનિવાર્ય એવી આત્મખુમારીનો અનુભવ એમના જીવનમાંથી પદેપદે થતો રહ્યો. બીજી બાજુ ધર્મને નામે ચાલતી દાંભિકતા, જડતા અને પોકળતાનો એમણે સ્પષ્ટ વિરોધ કર્યો. દંભ, આડંબર, બાહ્ય પ્રદર્શન અને ગતાનુગતિકતા જેવી બાબતોમાં ધર્મ ખૂંપી ગયો હતો, ધર્મને નામે કેટલાંય ખોટાં આચરણો થતાં હતાં. આ બધાની સામે પૂ. શ્રી ચિત્રભાનુજીએ અવાજ ઉઠાવ્યો અને હૃદયની સચ્ચાઈથી ધર્મના શાશ્વત સત્યનો અહાલેક પોકાર્યો. જુદા જુદા પંથો, ગચ્છો અને સંપ્રદાયના ફાંટાઓમાં વિખરાઈને જીર્ણશીર્ણ થઈ ગયેલી ધર્મભાવનાઓને અળગી કરીને એમણે સહુને ભગવાન મહાવીરની છત્રછાયા હેઠળ ધર્મપાલન કરવાનું આવાહન કર્યું. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના સમયમાં એમને અનુસરનારા લાખો અનુયાયીઓ હતા છતાં એમણે કોઈ નવો પંથ સ્થાપ્યો નહીં એવી જ રીતે પૂ. શ્રી ચિત્રભાનુજીએ પણ કોઈ પંથ કે સંસ્થા સાથે બંધાઈ જવાને બદલે પોતાની મુક્ત અને વૈશ્વિક વિચારધારાથી ભગવાન મહાવીરનો માનવને સાચો માનવ બનાવતો સંદેશો સર્વત્ર ફેલાવ્યો. અમેરિકામાં જૈના સંસ્થા અને બીજી ઘણી સંસ્થાઓ માટે એમણે પ્રેરણા આપી, પણ ક્યારેય એ સંસ્થાના સંચાલનમાં રહ્યા નહીં. તેઓ કહેતા કે આ સંસ્થાઓ સ્થાપીએ એટલે આપણને એની ચિંતા વળગી જાય અને મારી મુક્તિનું એ બંધન બની જાય. પૂ. શ્રી મોરારીબાપુને પૂછ્યું હતું કે “તમારો કેમ કોઈ આશ્રમ નથી ?' ત્યારે એમણે આ જ વાત કરી હતી. પૂ. શ્રી ચિત્રભાનુજીની વિદેશયાત્રાનો હૂબહૂ અહેવાલ આ ગ્રંથમાં મળે છે. પણ એમણે એ સમયે આ વિદેશયાત્રા કરી કે જ્યારે જૈન ધર્મનો કોઈ પ્રકાશ વિદેશના જૈન સમાજ પાસે નહોતો. આવા સમયે જૈન ધર્મનાં તત્ત્વો સાથે વિદેશના જૈનસમાજને સંગઠિત રાખીને ધર્મભાવનાઓ આપવાનું ઐતિહાસિક કાર્ય કર્યું. પૂર્વ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને અમેરિકામાં મને શિકાગોના રવીન્દ્ર કોબાવાલા જેવા ઘણા મહાનુભાવો મળ્યા છે કે જેઓ કહે છે કે પૂ. શ્રી ચિત્રભાનુજીનું અમને એ સમયે માર્ગદર્શન મળ્યું ન હોત, તો અમે અમારા ધર્મથી તદ્દન વિખૂટા પડી ગયા હોત. સાવ ભુલાઈ ગયેલા જૈન ધર્મના જ્યોતિર્ધર વીરચંદ રાઘવજી ગાંધીની ઓળખ આપણને પૂ. શ્રી ચિત્રભાનુજીએ આપી છે. ૨૦૧૮ના જૂન મહિનામાં શિકાગોના પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વીરચંદ ગાંધીની અમદાવાદમાં તૈયાર કરીને શિકાગોના દેરાસરમાં સ્થાપવામાં આવેલી અર્ધપ્રતિમાની પડખોપડખ પૂ. શ્રી ચિત્રભાનુજીની અર્ધપ્રતિમા જોઈ, ત્યારે આ સામ્યની જુદા પ્રકારની અનુભૂતિ થઈ.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 246