________________
મનુષ્યભવની દુર્લભતામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[દશદૃષ્ટાંત -૭ ગાથાર્થ- જેવી રીતે કોઇના હાથમાંથી સમુદ્રમાં પડી ગયેલું કર્કીતન અને પદ્મરાગ વગેરે રત્ન અતિશય દુર્લભ છે, તેવી રીતે મનુષ્યજન્મ જીવોને અતિશય દુર્લભ છે. તેમાં પણ જેવી રીતે ગરીબને નિધાન દુર્લભ છે તેમ જિનધર્મ દુર્લભ છે.
વિશેષાર્થ- અહીં આગમમાં જીવોને મનુષ્યજન્મ દશદષ્ટાંતોથી અતિશય દુર્લભ જણાવ્યો છે. આ ગાથામાં જણાવેલ રત્નનું દૃષ્ટાંત તે દશદષ્ટાંતોનું માત્ર સૂચન કરનાર જ જાણવું, અર્થાત્ રત્નના દૃષ્ટાંતથી દશદૃષ્ટાંતોનું સૂચન કર્યું છે. તે દશદષ્ટાંતો આ પ્રમાણે છે– ભોજન, પાશક, ધાન્ય, ધૂત, રત્ન, સ્વપ્ન, ચક્ર, ચર્મ, યુગ, પરમાણુ.
(૧) ભોજન- ભોજનનું દૃષ્ટાંત સંક્ષેપથી કહેવાય છે– બ્રહ્મદત્ત ચક્રવર્તીનો બાલ્યાવસ્થામાં એક બ્રાહ્મણ મિત્ર હતો. તે બ્રહ્મદત્તના સુખમાં સમાનપણે સુખી થતો હતો અને દુઃખમાં સમાનપણે દુઃખી થતો હતો. બ્રહ્મદને એકવાર મિત્ર બ્રાહ્મણને કહ્યું: હું જ્યારે રાજય પાયું ત્યારે તારે મારી પાસે આવવું, જેથી હું તારું ઉચિત કરું. બ્રહ્મદત્ત ચક્રવર્તીનો રાજ્યાભિષેક થતાં તે બ્રાહ્મણ જલદી બ્રહ્મદત્તની પાસે ગયો. પણ ગરીબ હોવાથી રાજાનાં દર્શન કરી શકતો નથી. આથી તેણે પોતાની બુદ્ધિથી ઉકરડો વગેરે સ્થળે રહેલા અતિશયજીર્ણ પગરખાંઓની માલા બનાવી. તે માલાને વાંસના આગળના ભાગમાં રાખી. રાજા જયારે (આડંબર સહિત) બહાર નીકળ્યો ત્યારે તે બ્રાહ્મણ (પગરખાંની માળાવાળા વાંસને ઊંચો રાખીને) ધજા ઉપાડનારાઓની મધ્યમાં ચાલે છે. આ કંઈક અપૂર્વ છે એમ લાંબા કાળ સુધી તેની તરફ જોતા રાજાએ તેને ઓળખ્યો. તેથી રાજા હાથી ઉપરથી ઉતરીને તેને આદરપૂર્વક ભેટી પડ્યો. લક્ષ્મી ઘણી વધી જાય તો પણ મોટા માણસોનું મન ચંચલ બનતું નથી લક્ષ્મી ન હતી ત્યારે જેવું મન હોય તેવું જ મન રહે છે, અર્થાત્ મન અભિમાની બનતું નથી. બ્રહ્મદત્તે બ્રાહ્મણને કહ્યું. હે મહાયશ! બોલ, આજે તું જે માગે તે હું તને આપું. સ્વીકારેલાનું પાલન કરવું એજ સપુરુષોના પ્રાણ છે. બ્રાહ્મણે કહ્યું: હે ઉત્તમ નર ! પોતાના ઘરથી પ્રારંભીને ભરતક્ષેત્રના સઘળાય ગામ-નગરોના ઘરોમાં (દરરોજ એક એક ઘરે એમ) મને ભોજન આપ. હે બ્રાહ્મણ! તેં આ અતિતુચ્છ માગ્યું. મારી પાસે રત્ન વગેરે બીજું કંઈ માગ. રાજાએ રત્ન વિગેરે બીજું માગવા માટે વારંવાર કહ્યું છતાં તે બ્રાહ્મણ બીજું ઇચ્છતો નથી. તેથી રાજા વિચારે છે- અહો ! બ્રાહ્મણની ભોજનમાં આસક્તિને જો. અથવા પાણી ઘણું હોય તો પણ કૂતરું જીભથી પાણીને ચાટે છે. રાજાએ બ્રાહ્મણની માગણીનો સ્વીકાર કર્યો. પહેલા દિવસે પોતાના ઘરે જમાડીને એક સોનામહોર અને વસ્ત્રયુગલ આપ્યું. આ પ્રમાણે રાજા દરેક ઘરે બ્રાહ્મણને ભોજન કરાવે છે. પોતાનું આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધીમાં તે એક નગરમાં પણ બધા ઘરોમાં ભોજન ન કરી શકે, તો પછી ભરતક્ષેત્રના બધાં ઘરોમાં ભોજન કેવી રીતે કરી શકે ? કદાચ તે પણ કોઈપણ રીતે સંપૂર્ણ ભરતક્ષેત્રનાં બધાં ઘરોમાં ભોજન કરી શકે તો પણ મનુષ્યભવથી ભ્રષ્ટ થયેલો જીવ ફરી મનુષ્ય જન્મને પામતો નથી.