________________
૧૫૨
સમરું પલપલ રાવત નામ
માતા અવસરે અવસરે તેના માટે ખાસ ખાદ્ય પદાર્થો કે અન્ય આનંદદાયક મૂલ્યવાન વસ્તુઓ મોકલતા રહેતાં. પણ કુમારની પદ્ધતિ એવી હતી કે જેવી કોઈ પણ વસ્તુ આવે કે પહેલાં તે બધું ગુરુજીના હાથમાં સોંપી દેતો. ગુરુજી પોતાને ઉચિત લાગે છે અને તેટલું કુમારને બક્ષતા, તો તે લઈને કુમાર પહોંચી જતો માધવ અને મતિવર્ધન - ગુરુજીના બે નાના ભાંડરડાં પાસે. પોતાની વસ્તુમાંથી તે બન્નેને પહેલાં તે આપે, ખવડાવે, પછી જે વધતું તેનો તે પોતે ઉપયોગ
કરે.
કુમારની આ ઊંડી સમજ સૌને હેરત પમાડતી.
રાજા-રાણી પણ છ-આઠ મહિને એકાદ વાર કુમારની ખબર લેવા આવી જતાં ને કુમારને વ્હાલ કરી, તેની પ્રગતિની ચર્ચા ઉપાધ્યાય સાથે કરતાં ને પાછા જતાં. જો કે કુમારને મન આવો દિવસ જરા વસમો બનતો. કેમકે પિતા-માતા આવે ત્યારે સહેજે અનધ્યાય થતો, ને તેથી પોતાને ઘણું ભણવાનું ગુમાવવું પડે છે તેવું લાગતું. ભણવા માટેની તેની આ ઉત્કટ અભીપ્સા તેના મુખભાવો પરથી વડીલો માપી શકતાં ને રાજી થતાં.
સૌ પ્રથમવાર રાજા-રાણી કુમારની મુલાકાતે આવ્યાં, ત્યારે રાજાજીએ વાતવાતમાં ઉપાધ્યાયને પૂછ્યું : કુમાર કેટલું શીખ્યો?
ઉપાધ્યાય કહે : કુમારને શાળા પ્રવેશ કર્યોને છ માસ થયા, તેમાં તેને લેખનકલા (અક્ષરજ્ઞાન) આવડી ગઈ છે.
રાજા ચમકી ઉઠ્યો. તેનાથી બોલાઈ ગયું : હૈ! છ મહિનામાં ફક્ત એક લેખનકલા જ શીખ્યો? તો બહોંતેર કલા એ ક્યારે પૂરી કરી શકશે, ભૂદેવ?
સંયોગવશ, વિદૂષક મંત્રી આજે પણ સાથે જ હતો. તેણે તક જોઈને ટપકું મૂક્યું ઃ મહારાજ! એમાં પૂછવાનું શું? હિસાબ સ્પષ્ટ છે. એક કળાના છ મહિના તો બહોંતેર કળાનાં છત્રીસ વર્ષ! આપણા કુમાર છત્રીશ વર્ષે તો સર્વકલાવિશારદ થઈ જ જવાના! કેમ ખરું ને ઉપાધ્યાયજી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org