________________
–૨૯૨
સમરું પલપલ સુવ્રત નામ
ધરાવતા એક હજાર યુવાન પુરુષોને બોલાવીને શિબિકા ઉપાડવાની સૂચના આપી.
આજ્ઞા મળતાં જ તે પુરુષોએ શિબિકા-ફરતે ગોઠવાઈને તેને ઉપાડવાનો ઉપક્રમ આદર્યો. અત્યાર સુધીના પોતાના અત્યંત પ્રિય તેમજ આદરણીય રાજવી, અને હવે તો ત્રણ ભુવનના સ્વામી બનનાર આવા પ્રભુની પાલખી ઉપાડવાનો ધન્યાતિધન્ય કરી મૂકનારો અવસર પોતાને મળ્યો તે બદલ તે પુરુષો આનંદની એક અકથ્ય સંવેદના અનુભવવા લાગ્યા.
બરાબર તે જ પળે સૌધર્મેન્દ્ર, ઈશાનેન્દ્ર, અમરેન્દ્ર અને બલીન્દ્ર એ ચાર ઇન્દ્રો આગળ ધસી આવ્યા; અને તેમણે પાલખીના એકેક છેડાને ઉપાડી પોતાના ખભે લેવાપૂર્વક પાલખીને ઊંચી કરી.
પછી તો ભારે ધસારો થયો! બીજા ઇન્દ્રો અને ચારે નિકાયના દેવોએ શિબિકાને કાંધ આપવા પડાપડી અને દોડાદોડી કરી મૂકી. પ્રભુની પાલખી ખભા પર લેવામાં કાયાની સાર્થકતાનો તેમને અનુભવ થઈ રહ્યો હતો, તો સાથે સાથે કર્મનિર્જરાનો તેમજ પુણ્યોપાર્જનનો આવો અનેરો અવસર તેઓ ગુમાવવા પણ નહોતા ઇચ્છતા.
હવે શરૂ થઈ પ્રભુ મુનિસુવ્રતની દીક્ષાયાત્રા.
સૌથી આગળ દિવ્ય એવાં આઠ મંગળ ચિલો ચાલવા માંડ્યાં. શ્રીવત્સ, મીનયુગલ, દર્પણ, ભદ્રાસન, ક્લશ, નંદ્યાવર્ત, શરાવસંપુટ અને સ્વસ્તિક નામનાં રત્નમય એ આઠ મંગળ ચિહ્નો ઉત્તમોત્તમ વાહનો પર ગોઠવાયેલાં હતાં અને સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યાં હતાં. - ત્યાર પછી આભને આંબતી એક ભવ્ય વિજયધ્વજા નીકળી; તો તેની પાછળ પાછળ રત્નોથી મઢેલું અને સ્વર્ણથી નિર્મિત, પાદપીઠ-સંયુક્ત અને શ્વેત છત્ર ધરાવતું સિંહાસન ચાલ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org