________________
૨૩૬ ૦ સમરું પલપલ સુવ્રત નામ
પણ આવું બની શકે. કેમકે શ્રેષ્ઠ જાતિનો અશ્વ સ્વભાવે જ સુવિનીત હોય, અને એવા અશ્વને માટે અશ્વવાહક શિક્ષક તો માત્ર નિમિત્તભૂત જ બની રહે. એવો અશ્વ ખૂભ ઝડપથી તાલીમબદ્ધ બની જતો હોય છે. અને અશ્વશિક્ષક પણ મતિમાન હોય અને અશ્વનું સ્વરૂપ પારખીને તાલીમ આપે તો તે સહેલાઈથી સફ્ળ નીવડે જ.
છતાં આપને આશ્ચર્ય અને અશ્રદ્ધા થતાં હોય તો હવે ઝાઝી વાતનાં ગાંડાં ભરવાને બદલે અશ્વ અહીં આવી ગયો છે, તેને નાણી જોઈએ એટલે તરત ખબર પડી જશે. હાથકંકણને આરસીની શી જરૂર?
રાજા સંમત થયા. સભા વિસર્જન કરી. પછી તે કુમારને લઈને નગર બહાર ઉદ્યાને પહોંચ્યા. અશ્વરાજને હુકમ આપ્યો કે તું અશ્વ ૫૨ જાતે સવાર થઈને તેને અહીં લઈ આવ.
થોડી જ વારમાં અશ્વરાજ સારંગ પર સવાર થઈને આવતો નજરે ચડ્યો. અશ્વને રમાડતો રમાડતો તે અત્યંત ચપળતાથી તથા મનમોહક અદા સાથે આવી રહ્યો હતો, ત્યારે રાજાએ કુમારને પૂછ્યું : કુમાર! કેવો લાગે છે અશ્વ? અને અશ્વવાહક પણ કેવોક છે? તમને એ રુચિકર અને યોગ્ય જણાય છે કે નહિ?
કુમારે આના જ્વાબમાં અશ્વોના શાસ્ત્રવર્ણિત ત્રણ પ્રકારો તેમજ તેની પાંચ પ્રકારની ગતિ વગેરેનું સ્વરૂપ રાજા સમક્ષ વર્ણવ્યું, અને છેવટે ઉમેર્યું કે આ અશ્વ તેમજ તેના શિક્ષક બન્ને ઉત્તમ પ્રકારના છે તેમાં મને શંકા નથી, મહારાજ!
રાજાનું મોં આ સાંભળતાં હસું હસું થઈ રહ્યું.
એટલામાં જ અશ્વરાજ રાજા અને કુમાર બેઠેલા ત્યાં–સામે આવી લાગ્યો. ત્યાં પહોંચતાંવાર તેણે અશ્વની લગામ ખેંચી. લગામ ખેંચાતાં જ ઘોડો ઝાડ થઈને બે પગે અદ્ધર ઊભો થઈ ગયો! કુમારે તેની તરફ એકીટશે જોયા કર્યું. તેનાં કાન, કેશવાળી, આંખો, નાક, હણહણાટ, વાન, પગ વગેરેનું બહુ બારીકાઈથી તેણે અવલોકન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org