________________
પ્રાયશ્ચિત્તની વાત તમામ ધર્મોએ સ્વીકારી છે. કરેલાં પુણ્ય-પાપ સ્વતંત્ર રીતે અસર બતાવવાનાં છે, એટલે સામાન્ય સંયોગોમાં કાંઇ ફેરફાર ન થાય; પણ પુરુષાર્થ કરો એટલે બધું થાય. બાકી એકાંતે એમ ન બોલાય કે કરેલાં પુણ્ય-પાપ બંધાયાં તે રીતે જ ભોગવવાં પડશે. ઘણા કહે છે પાપ કરીને પૈસા મેળવવા અને પછી સત્કાર્યો કરી પુણ્ય બાંધશો તો પાપ-પુણ્ય બંને વધાર્યાં. પુણ્યથી પાપમાં માફી નહીં મળે. પણ આપણો કર્મવાદ આવું નથી માનતો. આપણે ત્યાં તો પાપને ખપાવવામાં પુણ્ય સાધન પણ બને છે.
સભા : નિકાચિત પુણ્ય-પાપ હોય તો પણ?
મ.સા. : ના, તે માટે બે વિકલ્પ જ. (૧) ભોગવી તેનો ક્ષય કરો કે (૨) ક્ષપક શ્રેણી માંડો, તો તેમાં નિકાચિત કર્મો પણ ખપે. નિકાચિત કર્મો વિશિષ્ટ પ્રકારનાં કર્મો છે. તેના નીતિ-નિયમો ચોક્કસ છે. સામાન્ય પુણ્ય-પાપમાં આવી વાત નથી. શુભ ભાવો તીવ્ર કરો તો મનમાં રહેલા અશુભ ભાવોને ફટકો પડે છે, અશુભ ભાવો તીવ્ર કરો તો મનમાં રહેલા શુભ ભાવોને ફટકો પડે છે. માટે એવું મનાય જ નહીં કે પુણ્ય-પાપમાં સરવાળા-બાદબાકી હોય જ નહીં. ઘણા માને છે કે સત્કાર્ય એ દુષ્કાર્યનું મારણ નથી, પણ તે હકીકતમાં ખોટું છે. વ્યકિતના જીવનમાં એક વાર અનાચાર/દુરાચાર/દુષ્ટાચાર સેવાઇ ગયા, પછી તેના મારણ તરીકે શાસ્ત્રમાં સત્કાર્યો જ બતાવ્યાં છે. અમે પણ કોઇ પાપનું પ્રાયશ્ચિત્ત લેવા આવે તો તપ/ત્યાગ/શીલ વગેરે સત્કાર્યો જ બતાવીએ છીએ ને? અધર્મનું મારણ ધર્મ જ છે. નહીં તો એક વાર કોઇની ભૂલ થાય પછી ક્યારેય તેના ફંદામાંથી છૂટી શકે જ નહિ. કોઇએ અધર્મ કર્યો હોય અને પછી પેરેલલ(સમકક્ષ) ધર્મ સેવે તો તે સદ્ગતિમાં જ જવાનો. અમને પણ ભગવાને કહ્યું કે શ્રાવકને ઉપદેશ આપો કે, જીવનમાં પાપ નથી છોડી શકાતાં તો તેના મારણ તરીકે ધર્મ કરે.
સભા : કોઇનો આશય એવો હોય કે ખરાબ કામ કરી લો પછી સારાં કામ કરીશું, તો? મ.સા. ઃ અત્યારે ખોટ કરી લો પછી કમાઇ લઇશું એવો વિચાર તમને સંસારમાં આવે છે? અત્યારે પુણ્ય બાંધવું હાથમાં હોય છતાં પુણ્ય-પાપનો વિચાર કોણ ન કરે? જેને પુણ્ય-પાપમાં શ્રદ્ધા નથી તે જ. વળી તમને ખબર છે કે તમારું આયુષ્ય કેટલું છે? પહેલાં પાપ કરશો અને પછી તરત પરલોકમાં ઊપડી જશો તો ક્યાં પુણ્ય કરવા જશો? ધંધામાં નુકસાની પણ કેવી વેઠો? ભવિષ્યમાં નફો કમાવી આપે તેવી જ ને? પુણ્ય-પાપ માનનારને અત્યારે પાપ કરી લો પછી જોયું જશે, એવી વૃત્તિ/વિચાર આવે ખરો? અત્યારે હોશિયારી મારો છો પણ પછી ફળ આવશે ત્યારે છક્કા છૂટી જશે. ઘણાને તો હું શું કરું છું અને એનું ફળ શું તે જ ખબર નથી. અત્યારે એક ચપ્પુનો ઘા સહન કરી શકતા નથી, પણ પછી આખાને આખા કાપી દે, રાંધી દે ત્યારે શાંતિ રહેશે? દુર્ગતિમાં મારું શું થશે એ વિચાર ખરાબ વિચાર નથી, શુભ વિચાર છે. શાસ્ત્ર કહે છે- શ્રાવક પ્રતિદિન મૃત્યુને યાદ કરે અને સાધુઓ મૃત્યુને યાદ કરાવે, તો તે ખરાબ વિચાર છે?
સદ્ગતિ તમારાં હાથમાં
૭૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org