________________
મરજીથી જન્મવાનું હોય તો આ રીત કોઇ પસંદ કરે નહિ. જન્મ સમયનો ત્રાસ જોઇને જ મોટા ભાગના લોક જન્મ પસંદ ન કરે. આપણી ઇચ્છા હતી માટે માના પેટમાં ગયા તેવું નથી, પણ કર્મ હતું એટલે ઘૂસ્યા. અને પછી પણ રૂપ-રંગ-શરીર-ચામડી બધું પસંદગી પ્રમાણે નહિ પણ નસીબે આપ્યું તે સ્વીકારવું પડ્યું. એવી કોઇ વ્યક્તિ નથી જે દાવો કરી શકે કે મને મારી ઇચ્છા મુજબ મળ્યું છે. જો આવું સિદ્ધ થાય તો કર્મ માનવાની જરૂર જ ન રહે. કર્મને કોઇ માને જ નહિ. તમારે જેને આધીન રહેવું પડે તે જ કર્મ છે. આ કર્મને બધા ભાગ્ય/નસીબ તથા નાસ્તિકો પણ ગુડલક-બૅડલક કહે છે. તે લકનો અર્થ શું? નાસ્તિકો ધર્મ-આત્મા-પુણ્ય-પાપ ન માને પણ સંસારમાં એક પછી એક થપ્પડ મળે ને જીવનમાં નિષ્ફળતા મળે એટલે શું કહે? મારું બૅડલક. એટલે કોઇ તત્ત્વને આધીન આ બધું થયું છે તેવું તે પણ માને છે. ત્યાં તેની મરજી નથી ચાલતી. તેથી જ સંસારમાં પરાધીનતા છે. તે પરાધીનતાનું કામ કરનાર તત્ત્વને અમે કર્મ કહીએ છીએ. એટલે કોઇ વિરોધ ન કરી શકે તેવું કર્મનું મૂળભૂત માળખું છે. શાસ્ત્રો ફરમાવે છે કે જગતમાં વિચિત્રતા, વિવિધતા, પરવશતા, બધાના મૂળમાં કર્મ છે. આપણા બધાનાં અંગો કે મોં સરખાં નથી. આ તફાવત શેનાથી? બધા જીવ આત્મા કહેવાય, પણ દરેકમાં વિચિત્રતા-વિવિધતા છે. અરે! જંગલમાં પણ બધાં વૃક્ષોના રૂપ-રંગ-આકાર સરખા નથી. સંસારમાં વિચિત્રતાનો પાર નથી. અને તે કર્મને આભારી છે. ફૂલ કે કાંટા પોતાનો દેહ પસંદ કરી કોઇ જન્મ્યા નથી. કોઇ ફૂલને સુગંધ કે કોઇને દુર્ગંધ મળી તેમાં પસંદગીનું કારણ નથી. માટે બધે ભાગ્યને મહત્ત્વ આપીએ છીએ. ૨૪ કલાક પોતાની અસ૨-આધિપત્ય વેધક રીતે બતાવતું તત્ત્વ તે કર્મ. એક ક્ષણ એવી નથી જેમાં તમારા પર આઠેય કર્મોનો વિપાક ન હોય. કર્મના મૂળ ભેદો ૮ છે અને પેટા ભેદો અસંખ્ય છે. કેમકે જીવોમાં વિવિધતા ઘણી છે. બધાના આત્મા ઉપર કર્મોના ઉદય-બંધ ચાલુ છે. જેમ કે આત્મા ઉ૫૨ જ્ઞાનાવરણીયકર્મની પણ અસર છે. માટે દુનિયાની ઘણી બધી વસ્તુનું જ્ઞાન-વિજ્ઞાન મેળવવા માંગો તો પણ મેળવી શકાતું નથી. ઘણી આવડત કે પુરુષાર્થશક્તિ નથી, કેમકે અંતરાયકર્મ વગેરેની આત્મા ઉપર અસર છે, જેના પ્રભાવે તેને કર્મના સારા-નરસા વિપાક ભોગવવા પડે છે. કર્મનો વિપાક ચાલુ તેમ તેનો બંધ પણ ચાલુ જ છે. એક બાજુ ભોગવી રહ્યા છો તો બીજી બાજુ બંધનો પ્રવાહ આવી રહ્યો છે. ૨૪ કલાક કર્મની વિપાક અને બંધરૂપે અસરો પણ ચાલુ છે. આંગળીની એક નસમાં પણ લોહી બરાબર વહે છે તે તમારી હોશિયારી છે કે નસીબ? હવે જે દિવસે પાપનો ઉદય થશે ત્યારે સરક્યુલેશન અટકી જશે. તમારી મરજી-નામરજીનું કોઇ મહત્ત્વ નહીં રહે. માટે તો મોટા-મોટા ફીઝીશીયન સ્પેશીયાલીસ્ટના શરીરમાં વહેતું લોહી પણ બાઝી જાય છે અને ગામડાના અભણનું શરીર વર્ષો સુધી નિરોગી હોય છે. આ બધી કર્મની અસરો છે. આંખ, મગજ, ઇન્દ્રિયોની સક્રિયતા વગેરેમાં તમારી બુદ્ધિપુરુષાર્થનો હિસ્સો નથી, પણ ભાગ્યે જ એ બધું ગોઠવી આપ્યું છે.
સભા : વ્યવહારમાં કહે છે કે પુરુષાર્થ ન કરે તેનું ભાગ્ય સૂઇ જાય છે તે સાચું? સદ્ગતિ તમારા હાથમાં !
Jain Educationa International
For Personal and Private Use Only
૧૨૪
www.jainelibrary.org