________________
મ.સા. : કષાયો ઇચ્છા પેદા કરે તે કક્ષાના હોય તો તે સંકલ્પ કહેવાય અને કષાયો આવેશ પેદા કરે તે કક્ષાના બને તો સંક્લેશ થયો કહેવાય. આર્ત્તધ્યાનમાં આર્ત્ત શબ્દ એટલેદુઃખી, પીડિત. માટે તમે દુઃખ/પીડાની વેદનાથી તમારું મન મુક્ત થાય એવું જે વિચારો તે આર્ત્તધ્યાન છે.
વર્તમાનમાં જે ધ્યાનશિબિરો ભરાય છે, તેમાંની મોટા ભાગની અમારી દૃષ્ટિએ આર્ત્તધ્યાન જ છે. તેઓ દુઃખથી છૂટવા જ આવે છે. વળી સાંભળ્યું હોય કે ધ્યાનથી એકાગ્રતાની તાકાત પણ તીવ્ર થાય છે, તેથી મોટી મોટી કંપનીમાં તો સ્ટાફને ધ્યાનના ક્લાસ ભરાવવા મોકલે છે. કાર્યક્ષમતા વધે તે માટે કંપનીના એક્ઝીક્યુટીવ ધ્યાનની પ્રશંસા કેવી કરે કે ધ્યાનથી સ્ટાફમાં કાર્યક્ષમતા/શિસ્ત વગેરે આવી ગયું. આ બધું આર્ત્તધ્યાન જ છે ને? આમાં ઘણીવાર રૌદ્રધ્યાન પણ આવી જાય છે. મોટા ભાગની શિબિરમાં શુભ/અશુભ ધ્યાનનું વિશ્લેષણ જ ન હોય. પૂ.ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ સાહેબ ફરમાવે છે કે ગમે તેવો માણસ ધ્યાન કરવા બેસે અને સુખ-સગવડની અપેક્ષા રાખતો હોય, તો તે બગલાનું ધ્યાન છે. બગલો છીછરા પાણીમાં બેસે છે, પણ સમજે છે કે પાણી હલશે તો માછલી ઉપર નહિ આવે અને માછલીને લાગે કે આ બગલો ઊંઘે છે, ત્યારે જ ઉ૫ર આવે. એટલે બગલો આંખ બંધ કરીને શાંતિથી બેઠો હોય. જાણે પ્રશાંત મુદ્રા આવી ગઇ હોય. પણ વૃત્તિ શું? તેને હોય કે ક્યારે માછલી ઉપર આવે અને પકડી લઉં! જેટલા સુખ-સગવડની અપેક્ષાવાળા અને દુઃખની સામગ્રીમાંથી બહાર જવાવાળા, તે બધાથી આર્તધ્યાનમાંથી બહાર નીકળવું શક્ય નથી. તમારી શિબિરોમાં એ.સી., સોફા વગેરે હોય, વચ્ચે સોફ્ટ ડ્રિન્ક્સ(ઠંડાં પીણાં) આવે, બધું સગવડભર્યું, ખર્ચાળ હોય છે. પછી ધ્યાનની વાતો થાય! આ તો મનને એકાગ્ર કરી ફાવતા વિષયમાં લઇ જવા માટે પ્રેક્ટીસરૂપે કસરત છે, શુભાશુભ સાથે લેવાદેવા નથી.
વળી જૈનશાસનમાં તો ધ્યાનના અનેક માર્ગ છે. કુલ ભેદ ચાર લાખ ત્રેસઠ હજા૨ ઉપર કાંઇક છે. નક્કી આંકડો યાદ નથી. આટલા ધ્યાનના પ્રકારો. કેટલો વિસ્તૃત વિષય હશે! તેમાં શુભ, અશુભ કેટલા? શુભ પામવાની સામગ્રી વગેરે બધાનું વર્ણન મળે. વર્ણન છે પણ ખાલી આડેધડ વાંચો તો પ્રાપ્ત ન થાય. તમે ધર્મપ્રવૃત્તિ કરતાં ધર્મના શુભ સંકલ્પવિકલ્પમાં આવો ત્યારથી માનીએ કે પાસું બદલાયું અને સદ્ગતિના ક્ષેત્રમાં આવવા તત્પરતા આવી. માટે નવરા બેઠા હો ત્યારે પણ ધર્મના શુભ સંકલ્પવિકલ્પરૂપ પરિણામની ધારા ચાલવી જોઇએ. ધર્મમાં કેમ દીવાસ્વપ્રો નથી દેખાતાં? ક્યારેય થાય છે કે શ્રાવકમાંથી સાધુ બની પછી આવી સુંદર આરાધના ક્યારે કરીશ? એવા મનોરથની હારમાળા થાય છે? સંસારમાં નાની નાની પ્રવૃત્તિ/વિચારમાંથી મનોરથની સીરીયલ ચાલુ થાય છે, તેવી અહીં થાય છે? ક્યારેક થાય છે કે અત્યારે એક સામાયિક કરી પછી પૌષધ કરીશ? પછી આ ધર્મમાં સ્થિર થઇશ, પછી ચારિત્ર લઇશ વગેરે થાય છે? કે પછી જલદી સામાયિક પતાવી દઉં તેવું થાય છે? આવી વૃત્તિથી સામાયિક કરો તો તેનો અર્થ નથી. જેને રોજ નવું વધારવાના, આગળ આગળ ઉલ્લાસ લાવવાના વિચારો સદ્ગતિ તમારા હાથમાં!
(૮૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org