________________
ન કર્યો, તેમણે તેમને સત્યશોધક આત્માર્થી, ભક્તિધર્મી, સદાચારી, દયા-અહિંસાધર્મી બની રહેવા અનેક બોધિલાભો ભર્યા પ્રયાસો કર્યા. એક દષ્ટાંત કથનઃ
“તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.”
(પુષ્પમાળા-૧૫) આવાં અનેક શ્રીમદ્બોધવચનો અને માર્ગદર્શનોથી, પત્ર-સંવાદોથી, પ્રત્યક્ષ સમાગમોથી ગાંધીજી પોતાના આત્મધર્મમાં દઢ થતા રહ્યા તે વિષે તો સ્વયં ગાંધીજીનાં અનેક લખાણો અને પ્રવચનો સાક્ષી છે. ગાંધીજી ભલે “જૈન” ન બન્યા કે અન્ય ધર્મી પણ ન બન્યા, પરંતુ “અહિંસા ધર્મને આત્માર્થી તો શ્રીમદ્જીના નિમિત્તે જ બન્યા. “રાયચંદભાઈ પાસેથી દયાધર્મનું મેં કુંડાં ભરીને પાન કર્યું છે” – જેવા ગાંધીજીનાં અનેક ઉદ્ગાર-કથનો આ વ્યક્ત નથી કરતા ?
અહીં “આત્મકથા' આદિ ઉપર્યુક્ત પુસ્તકો ઉપરાંત અનેક વિનોબા-પત્રો, “શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી” (પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી) પર્યુષણ પ્રસાદી' અને “અપ્રમાદયોગ” (વિદુષી વિમલા ઠકાર), “અધ્યાત્મ રાજચંદ્ર', (ડૉ. ભગવાનદાસ મહેતા), ગાંધીનું સત્ય' (આંતરરાષ્ટ્રીય લેખક ચિંતક ઈ. એચ. એરિક્સન) વગેરે અને હજી અનેક ગ્રંથો-લખાણો શ્રીમદ્જીના ગાંધીજી પરના પ્રભાવ વિષે ઘણું બધું કહે છે. છેલ્લે છેલ્લે શ્રીમદ્જીના જીવનદર્શનને તેમના જીવનકાળ પછી સમર્પિત થયેલા શ્રી ભદ્રમુનિ સહજાનંદઘનજી તેમના પુરોગામીઓના સૂરમાં સૂર પુરાવે છે “શ્રીમદ્જીના ગાંધીસર્જન’ વિષે :
“જો સ્વામી રામકૃષ્ણ પરમહંસ ન થયા હોત તો સ્વામી વિવેકાનંદ પણ ન થાત. તેમજ શ્રીમદ્ રાજચંદ્રજી નહીં થયા હોત તો ભારત – મુક્તિપ્રદાતા મહાત્મા ગાંધીજી પણ આપણને પ્રાપ્ત ન થાત” (“વિશ્વમાનવ') – આમ જ કહ્યું છે વિનોબાજી-અનુજ બાળકોબાજીએ :
“ગાંધીજીનાં મનનું સમાધાન ન થયું હોત તો ગાંધીજીએ ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કર્યો હોત અને ખ્રિસ્તી થયા હોત તો સત્યાગ્રહનું અને સ્વરાજ્યનું દર્શન હિન્દુસ્તાનને કોણ કરાવત?' (શ્રીમદ્ જન્મશતાબ્દી અંક સં. ૨૦૨૪)
- તો વિનોબાજી-શિષ્યા વિદુષી વિમલાતાઈ પણ આવું જ દઢ કથન કરે છે ?
“શ્રીમદ્ જો ન થયો હોત તો મોહનદાસ કરમચંદમાં રહેલ મહાત્મા ગાંધી ન થાત.” (અંતર્યાત્રા વિમલસરિતા સહ પૃ. ૨૭) શ્રીમદ્ રાજચંદ્રજીને ગુજરાતે જાણ્યા છે?