Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૬
વિચારણાઓથી દિગમ્બરો છૂટા પડી ગયા છે. દિગમ્બરો ગણધરરચિત આગમો સર્વ વિચ્છેદ પામ્યા છે, તેમની પાસે જે કાંઈ સાહિત્ય છે તે વિશિષ્ટ મુનિઓનું રચેલું છે એમ તેઓ માને છે. આમ તો સામાન્ય રીતે એમ મનાય છે કે મૂળભૂત વિષયોમાં દિગમ્બર-શ્વેતામ્બર વચ્ચે મતભેદ નથી. પણ એ માન્યતા બહુ વજૂદવાળી નથી. સૂક્ષ્મ રીતે વિચારતાં એ મૂળભૂત તત્ત્વોમાં પણ ફેર પડે છે. આ સર્વ આગળ વધતાં વર્તમાનમાં દિગમ્બરોમાં એક એવી વૃત્તિ ઘર કરી ગઈ છે કે શ્વેતામ્બરોના કેટલાક વિશિષ્ટ ગ્રંથો દિગમ્બર ગ્રંથોને આધારે રચાયા છે. છેલ્લા સૈકામાં દિગમ્બર પંડિતોએ આ વાતને પણ ઠીકઠીક બહેલાવી છે. પ્રાચીનોમાં આ વૃત્તિ ન હતી અને તે
ક્યારથી અને કેમ શરૂ થઈ એની શોધ કરવી એ ખાસ અગત્યનું નથી. અગત્યનું તો એ છે કે એ વૃત્તિથી સારાં સારાં તત્ત્વોને હાનિ થાય છે. પંચસંગ્રહ ગ્રંથ વિષે પણ એવું બન્યું છે. ગ્રંથના નામમાત્ર સામ્યથી કે તેમાં આવતા વિષયો માત્રથી “આને આધારે આ અને તેને આધારે તેએવી ચર્ચા ચર્ચવી વ્યર્થ છે. જૈનદર્શનની મૂળભૂત માન્યતા અનુસાર અર્થથી સર્વ આગમોનું સ્વત્વ તીર્થંકર પરમાત્મામાં છે. સૂત્રથી સ્વત્વ ગણધર ભગવંતોમાં છે. ત્યારપછી તો જે કાંઈ સ્વત્વ છે તે સર્વ ઔપચારિક છે. આવા ઔપચારિક સ્વત્વને આગળ કરીને ગ્રંથના ગૌરવને ઘટાડવા પ્રયત્નો કરવા એ હકીકતમાં પોતાને પણ હિતાવહ નથી. મિથ્યાગૌરવમાં રાચતા જીવો ક્ષણમાત્ર આવી ચર્ચાઓ કરીને રાજી થાય પણ પરિણામે કાંઈ હાથમાં આવતું નથી. કર્મસાહિત્ય અંગે બન્ને તરફના ગૌરવપૂર્ણ ગ્રંથો એક-બીજાના પોષક બને એ કર્તવ્ય છે, દિગમ્બર માન્ય ગ્રંથોમાં સ્ત્રીમોક્ષના વિચારો મળે છે. તેનો અપલાપ કરવા માત્રથી વાસ્તવ વાત ટાળી શકાતી નથી.
કર્મસાહિત્યના શિખરરૂપ આ ગ્રંથનું આ પ્રકાશન તે વિષયોનો સૂક્ષ્મબોધ કરાવવા પૂર્વક ભવ્યાત્માઓનાં કર્મબંધનો તોડવા સહાયભૂત બનો એ જ ભાવના.
*
લિ.
શ્રી કેસરિયાજીનગર શ્રી અમૃતપુણ્યોદય જ્ઞાનશાળા પાલિતાણા (સૌરાષ્ટ્ર)
વિજયધર્મધુરન્ધરસૂરિ ફાગણ વદિ ૨ રવિવાર
તા. ૧૪-૩-૧૯૭૧