Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
(૧) આચારાંગ સૂત્ર:- કથાસાહિત્યની દૃષ્ટિએ તેમાં રૂપકો આપેલા છે. છઠ્ઠા અધ્યયનનાં પહેલા ઉદેશામાં કાચબાનું દૃષ્ટાંત છે. જે આત્મજ્ઞાનના પોતાના અનુભવ માટે પ્રયોજવામાં આવે છે. આવા બીજા રૂપકો પણ મળે છે. જે સાધકને આત્મ ચિંતનમાં અંતિમ સમય પર્યન્ત સ્થિર રહેવા માટે ઉપયોગી છે. મહાવીર ચરિત્રમાં પણ કેટલાય કથા તત્વો સમાયેલા છે. આચાર્ય હેમચંદ્ર દ્વિતીય શ્રુતસ્કંધની તૃતીય અને ચતુર્થ ચૂલિકા સંબંધમાં એક એવી કથા આપી છે. જેમાં તેમનો સંબંધ મહાવિદેહક્ષેત્રમાં બિરાજમાન સીમંધર તીર્થકર સાથે જોડવામાં આવ્યો છે. (૨) સૂત્રકૃતાંગ - આ ગ્રંથમાં આદ્રકુમાર અને ગોશાલક તથા ઉદક અને ગૌતમસ્વામી વચ્ચે થયેલા સંવાદોનો ઉલ્લેખ છે. પુંડરિકનું દૃષ્ટાંત છે. શિશુપાલ, દ્વેપાયન વગેરેના પ્રાસંગિક ઉલ્લેખ છે. આ ગ્રંથ ઐતિહાસિક તેમજ દાર્શનિક કથા તત્ત્વોની દષ્ટિએ મહત્ત્વનો છે. (૩) સ્થાનાંગસૂત્ર:- પ્રથમ અધ્યયનમાં ભગવાનનું ઐતિહાસિક તથ્ય છે. ભરત ચક્રવર્તી, સમ્રાટ સનતકુમાર, ગજસુકુમાલ, મરુદેવાની કથા છે. આ ઉપરાંત શાલીભ, કાર્તિક, આનંદ, તેટલીપુત્ર, અતિમુક્ત, દશાર્ણભદ્ર આદિના કથાનકો છે. શ્રમણી પોટ્ટિલાની કથા, સાત નિન્દવોનું વર્ણન પણ આ ગ્રંથમાં છે. આ ગ્રંથની ઉપમાઓ અને પ્રતિકોમાં આમાં આપેલ કથાબીજની શોધ કરી શકાય છે. (૪) સમવાયાંગ:- આ ગ્રંથમાં નરક, તિર્યચ, મનુષ્ય, દેવતા, કુલકર, તીર્થકર, ગણધર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ આદિનું વર્ણન છે. તેથી આ ગ્રંથમાં કથા તત્વો કરતા ચરિત્રતત્ત્વોનો સમાવેશ વિશેષ છે. (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ(ભગવતી સૂત્ર):- આ એક વિશાળ ગ્રંથ છે. એમાં સેંકડો વિષયો છે. આ ગ્રંથમાં મહાવીર સાથે વાર્તાલાપ કરનાર કેટલાક પુરુષો અને સ્ત્રીઓની કથાઓ છે. શિવરાજર્ષિ, જમાલિ, ઉદયનરાજા, શંખ, જયન્તિ શ્રમણોપાસિકા, સોમિલ, સુદર્શન વગેરે અનેક વ્યક્તિઓના જીવનની મહત્ત્વપૂર્ણ ઘટનાઓ આ ગ્રંથમાં વર્ણવેલ છે. ગોશાલક ચરિત્ર, પ્રભુ મહાવીર-ગૌતમનો ભવાન્તરીય સંબંધ, કાર્તિક શેઠનું ચરિત્ર આદિ. (૬) જ્ઞાતા ધર્મકથા - આ ગ્રંથ આગમિક કથાઓનો પ્રતિનિધિ ગ્રંથ છે. બીજા શ્રુતસ્કંધમાં સાડાત્રણ કરોડ કથાઓ હોવાનો ઉલ્લેખ છે. વર્તમાનમાં રરપ કથાઓ છે. આમાં મેઘકુમાર, થાવચ્ચા પુત્ર, કૃષ્ણ વાસુદેવ, મલ્લી, દ્રૌપદી, નાગશ્રી, જિતશત્રુરાજા, કંડરિક મુનિ, જિનપાલ-જિનરક્ષિત, રાજા રુકમી, ઈન્દ્રાણીઓના પૂર્વભવના કથાનકો, અભયકુમાર, નંદમણિયારની કથા, તેતલી પુત્ર, પુંડરિક